- વર્ષ 2014માં બાવનમાં દાઈ-અલ-મુતલકના અવસાન બાદ વકર્યો’તો ઉત્તરાધિકારીનો વિવાદ
દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ તરીકે સૈયદના મુફદલ સૈફુદિન યથાવત રહેશે કે પછી ખુઝૈમા કુત્બુદ્દીને ધર્મગુરૂ તરીકે માન્ય ગણવામાં આવશે તે અંગે આજે બોમ્બે હાઇકોર્ટ ચુકાદો આપનારી છે. ઉલ્લેખનીય બાબત છે કે, વર્ષ 2014માં આ અંગે દાવો દાખલ કરવામાં આવ્યો હતો. જે દાવાની તમામ દલીલો આશરે 10 દિવસ પહેલા પૂર્ણ થઇ ગયાં બાદ અદાલતે ચુકાદો અનામત રાખ્યો હતો.
બોમ્બે હાઈકોર્ટે 10 એપ્રિલના રોજ મુફદ્દલ સૈફુદ્દીનની સૈયદનાની (દાઉદી વ્હોરા સમુદાયના નેતા) નિમણૂકને પડકારતા દાવા પર સુનાવણી પૂરી કરી ચુકાદો અનામત રાખ્યો હતો. 102 વર્ષની ઉંમરે જાન્યુઆરી 2014માં દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીનના અવસાન પછી તરત જ ખુઝૈમા કુત્બુદ્દીને દાવો દાખલ કર્યો હતો. જો કે, સૈયદના બુરહાનુદ્દીને તેમની હયાતીમાં જ પુત્ર મુફદ્દલ સૈફુદ્દીને સૈયદનાને આગામી ધર્મગુરૂ તરીકેના ઉત્તરાધિકારી જાહેર કરી દીધા હતા.
સૈયદના કુતુબુદ્દીને કોર્ટને તેના ભત્રીજા સૈફુદ્દીનને સૈયદના તરીકેની ફરજો નિભાવતા અટકાવવા જણાવ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે, તેમના ભાઈ બુરહાનુદ્દીને તેમને ’મઝૂન’ (સેક્ધડ-ઈન-કમાન્ડ) નિયુક્ત કર્યા હતા અને 10 ડિસેમ્બર, 1965ના રોજ જાહેરાત પહેલા એક ગોપનીય ’નાસ’ (ઉત્તરાધિકારી જાહેર કરનાર) દ્વારા વ્યક્તિગત રીતે તેમને દત્તક લઇ ઉત્તરાધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
જો કે, 2016માં કુતુબુદ્દીનનું અવસાન થયું હતું જેના પગલે હાઇકોર્ટે તેમના પુત્ર તાહિર ફખરુદ્દીનને દાવામાં વાદી તરીકે તેમની જગ્યાએ જવાની મંજૂરી આપી હતી. ફખરુદ્દીને દાવો કર્યો હતો કે તેમના અવસાન પહેલા તેમના પિતાએ તેમને આ પદ પર નિયુક્ત કર્યા હતા.
જસ્ટિસ ગૌતમ પટેલની ખંડપીઠે ગત 10 એપ્રિલના રોજ આ કેસમાં અંતિમ દલીલોની સુનાવણી પૂર્ણ કરી અને આદેશ માટે અનામત રાખ્યો હતો. દાઉદી વ્હોરા શિયા મુસ્લિમોમાં એક ધાર્મિક સંપ્રદાય છે. તે પરંપરાગત રીતે ઉદ્યોગપતિઓ અને ઉદ્યોગસાહસિકોનો સમુદાય છે, જેમાં ભારતમાં પાંચ લાખથી વધુ સભ્યો અને વિશ્વભરમાં 10 લાખથી વધુ સભ્યો છે. સમુદાયના ટોચના ધાર્મિક નેતાને દાઈ-અલ-મુતલક તરીકે ઓળખવામાં આવે છે.
દાઉદી વ્હોરા સિદ્ધાંત અનુસાર ઉત્તરાધિકારીની નિમણૂક ’દૈવી પ્રેરણા’ દ્વારા થાય છે. ’નાસ’ (વારસો આપવો) સમુદાયના કોઈપણ પાત્ર સભ્યને આપી શકાય છે અને તે વર્તમાન દાઈના પરિવારનો સભ્ય હોય તેવું પણ જરૂરી નથી.
શું છે સૈયદના કુતુબુદ્દીનના દાવા?
કુતુબુદ્દીને એપ્રિલ 2014માં એક દાવો દાખલ કર્યો હતો જેમાં હાઈકોર્ટને સ્વર્ગસ્થ સૈયદનાના પુત્રને દાઈ-અલ-મુતલક તરીકે નિયુક્ત થતાં અટકાવવા જણાવ્યું હતું. તેઓએ મુંબઈમાં સૈયદનાના ઘર સૈફી મંઝિલમાં પ્રવેશવાની પણ માંગ કરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે સૈયદના મુફદ્દલ સૈફુદ્દીને કપટથી નેતૃત્વ કબજે કર્યું છે. કુતુબુદ્દીને દાવો કર્યો હતો કે બુરહાનુદ્દીન 1965માં નવા દાઈ-અલ-મુતલક બન્યા હતા. જ્યારે તેમણે તેના પિતા સૈયદના તાહેર સૈફુદ્દીન પાસેથી સત્તા સંભાળી હતી. તેણે જાહેરમાં તેના સાવકાભાઈ મઝુન (સેક્ધડ ઇન કમાન્ડ)ની નિમણૂક કરી અને ગુપ્ત હુકમમાં ખાનગી રીતે તેમને તેમના અનુગામી તરીકે નિયુક્ત કર્યા હતા.
શું છે વિવાદ?
દાઉદી વ્હોરા સમાજ શિયા મુસ્લિમોમાંનો એક ધાર્મિક સંપ્રદાય છે જે પરંપરાગત રીતે વેપારીઓ અને ઉદ્યોગસાહસિકોનો સમુદાય છે. ભારતમાં તેના 5 લાખથી વધુ અને વિશ્વભરમાં 10 લાખથી વધુ સભ્યો છે. સમુદાયના ટોચના ધાર્મિક નેતાને દાઈ-અલ-મુતલક તરીકે ઓળખવામાં આવે છે. 2014માં 52મા દાઈ-અલ-મુતલક સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીનનું અવસાન થયું અને તેમના પુત્ર મુફદ્દલ સૈફુદ્દીન તેમના સ્થાને આવ્યા હતા. જેને સ્વર્ગીય સૈયદનાના સાવકા ભાઈ ખુઝાયમા કુતુબુદ્દીન દ્વારા બોમ્બે હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જસ્ટિસ ગૌતમ એસ પટેલ નવેમ્બર 2022થી કેસની સુનાવણી કરી રહ્યા છે.
સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનનો દાવો
પ્રતિવાદી સૈયદના મુફદ્દલ સૈફુદ્દીને સિનિયર એડવોકેટ્સ ઇકબાલ ચાગલા, જનક દ્વારકાદાસ અને ફ્રેડન દેવીત્રે મારફતે પોતાનો કેસ રજૂ કર્યો હતો. સાક્ષીઓએ દસ્તાવેજો રજૂ કર્યા તે દર્શાવવા માટે કે 52મા દાઈએ 1969માં તેમના પુત્ર (પ્રતિવાદી)ને તેમના અનુગામી તરીકે નિયુક્ત કરવાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો અને આ અંગે સમુદાયના નજીકના અને વરિષ્ઠ સભ્યોને જાણ કરી હતી. આ હકીકતને 2005માં ગુપ્ત જાહેર કરવામાં આવી હતી. જૂન 2011માં ઔપચારિક રીતે પુનરાવર્તિત અને જાહેરમાં પુન:પુષ્ટિ કરવામાં આવી હતી.