આપ અને એનસીપી પણ જંગમાં ઝંપલાવશે: ચાર પાંખીયો જંગ ખેલાશે
ભાજપમાં કેટલાક ઉમેદવારો કપાશે: મુરતીયા શોધવા મોવડીઓના ઉજાગરા
આગામી દિવસોમાં યોજાનારી મહાપાલિકાની ચૂંટણીમાં આ વખતે ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આપ અને એનસીપીએ પણ ઝંપલાવવાનું નક્કી કરતા ભાજપને શાસન જાળવવા ઉમેદવારો પસંદ કરવા બહુ મહેનત કરવી પડશે. મહાપાલિકામાં ૨૬ વર્ષથી શાસન સંભાળનાર ભાજપને ચાર પાંખીયા જંગમાં જીતવાનું છે.
જામનગર મહાપાલિકાની આગામી તા.૨૧ ના રોજ યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીની કામગીરી મુખ્ય એવા ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષમાં અંતિમ તબક્કામાં પહોંચી છે અને હાલની સ્થિતિ જોતા વપસીની શકયતા વધુ જણાય છે. ભાજપ વર્ષ ૧૯૯૫ થી રાજ્યની સાથે જામનગર મહાનગરપાલિકા પર કબજો જમાવીને બેઠો છે.આ વખતની ચૂંટણીમાં ભાજપ મોદી,રામ મંદિર અને વિકાસના મુદ્દે મત માગશે તો કોંગ્રેસ મોંઘવારી,બેરોજગારી ઉપરાંત સ્થાનિક પ્રશ્નોના મુદ્દે મત માગશે.જ્યારે આ વખતે અનામત બેઠકોના નવા રોટેશનને લીધે ભાજપ-કોંગ્રેસને આઠ બેઠકો ઉપર ઉમેદવાર બદલવા પડશે. જામનગર મહાનગરપાલિકા કુલ ૧૬ વોર્ડમાં ૬૪ બેઠકો છે. જેમાં ૩૭ અનામત બેઠક અને ૨૭ જનરલ બેઠકો પર આ વખતે ઉમેદવારો ચૂંટણીનો જંગ લડશે. જ્યારે ૪.૭૭ લાખ મતદારો મતદાન કરશે.ગત ચૂંટણી ભાજપને ૩૮ બેઠકો અને કોંગ્રેસને ૨૪ બેઠકો અને ૨ બેઠક સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીને મળી હતી.જ્યારે કોંગ્રેસે વોર્ડ ન.૭ અને ૮ ઉમેદવારોના લડાવી સ.વ.પટેલ પાર્ટી સાથે સમજૂતી કરી હતી. પરંતુ સમય બદલતા વર્ષ ૨૦૧૭માં કોંગ્રેસ ૯ કોર્પોરેટરોએ કેસરિયો ધારણ કરી લીધો હતો અને છેલ્લે ૨૦૧૯માં એસવીપીપીના ૧ કોર્પોરેટર પણ ભાજપમાં જોડાઈ ગયા હતા ત્યારે ચૂંટણીની મુદત પૂરી થતાં ભાજપમાં ૪૮ અને કોંગ્રેસમાં ૧૬ કોર્પોરેટર હતા.
જો કે આ વખતની ચૂંટણીમાં ભાજપે ઉમેદવારોના નામો પસંદ કરવામાં પણ જોખી જોખીને ચાલશે કારણ કે સુત્રોમાં એવું ચર્ચાય છે કે લગભગ વોર્ડમાં સીટીંગ ચહેરાઓના નામોમાં ફેરફાર થાય તો કહેવાય નહીં. જો કે આ અંગેની ગંધ સીટીંગ ઉમેદવારોને પણ આવી જતા તેવા ઉમેદવારોએ પક્ષમાં વગદાર લોકોની ચંપી કરવાનુ ચાલુ કરી દીધું છે.બીજી બાજુ આ વખતે ભાજપની સેન્સ પ્રક્રિયામાં પણ ડાવેદારોનો રાફડો ફાટ્યો હતો ત્યારે સેન્સ લેવા આવેલ નિરીક્ષકો પણ અવઢવમાં પડી ગયા હતા.ભાજપનો ગઢ ગણાતા વોર્ડ ન.૮ અને ૧૦ માં તો ૫૦ થી પણ વધારે કાર્યકરોએ દાવેદારી કરતાં ત્યાં ફેરફારના ચાન્સ વધારે જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત અયારામ-ગયારામ પણ કેવી સરતથી ભાજપમાં જોડાયા તે પણ એક મોટો પ્રશ્ન છે. આ ઉપરાંત ગત ચૂંટણીમાં ચૂંટાયા બાદ પોતાના મતદારોથી દૂર રહ્યાં હોય તેની પણ પક્ષે નોંધ લીધી હોય ત્યારે આવા લોકોના નામો પર કદાચ કાતર લાગે તો કહેવાય નહીં.
કોંગ્રેસની વાત કરીએ તો તેમાં પણ બે ભાગલા હોય તેવું સ્ત્રોમાંથી જાણવા મળે છે જો કે તે ફેક્ટર ડેમેજ કરે કે ના કરે પણ કોંગ્રેસ માટે મોટો પ્રશ્ન એ છે કે ૧૬ બેઠકો પર સક્ષમ ૬૪ મુરતિયા ગોતવા માટે પણ રાત ઉજાગર કરવા પડે તો નવાઈ નહિ. કરણ કે, ગત ચૂંટણીમાં ૨૪ ઉમેદવાર ચૂંટણી જીત્યા બાદ તેમાંથી ૯ ઉમેદવારોએ પક્ષ પલટો કરી કેસરિયો ધારણ કરી લીધો હતો. એટલે ત્યાં પણ હવે નવા નામો ગોતવા પડશે. જ્યારે બીજીબાજુ જોઈએ તો ગત ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો વચ્ચે જંગ હતો.જ્યારે આ વખતે ‘આપ’ અને એનસીપી પણ પોતાના ઉમેદવારોને ચૂંટણીના મેદાનમાં ઉતારવાના છે જો કે બંને પક્ષ માટે ચૂંટણી જીતવી કઠિન છે પણ ક્યાંક સારા અને જૂના ચહેરા હરીફ ઉમેદવારની લીડમાં તફાવત જરૂર કરી શકશે. જો કે ભાજપના ઉમેદવારો તા.૨ ફેબ્રુઆરીની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નક્કી થશે.પણ કોંગ્રેસ,‘આપ’ અને એનસીપી ઉમેદવારો નક્કી કરવા કેવી વ્યુહરચના અપનાવે છે તે તો આવનારો સમય જ કહેશે.
વિપક્ષો ‘એક’ બને તો બાજી ‘પલ્ટી’ શકે
મહાપાલિકાની ચુંટણીમાં ભાજપ કોંગ્રેસ સામ સામે સીધો જંગ છે પણ આ વખતે ભાજપ સામે કોંગ્રેસ અને આપ તથા એનસીપી એક થાય તો બાજી પલ્ટાવી શકે છે.
મહાપાલિકાની ચૂંટણી લડવા માટે બે મુખ્ય પક્ષો ભાજપ કોંગ્રેસ સાથે સાથે ‘એનસીપી’ અને ‘આપ’એ પણ ચૂંટણી લડવાનો નિર્ણય કરતા ચાર પાખીયો જંગ ખેલાશે તેમાં પણ કોંગ્રેસ અન્ય પક્ષોને સાથે લઇ લે તો મહાપાલિકાનું ચિત્ર પલ્ટાઇ જાય તેમ જાણકારો જણાવે છે.
આગામી તા.૨૧ ફેબ્રુઆરીના રોજ યોજના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ તમામ પક્ષએ કવાયત શ કરી દીધી છે ત્યારે જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે એનસીપી પણ પોતાના ઉમેદવારોને ચૂંટણી લડવા મેદાનમાં ઉતારશે ત્યારે એનસીપીના પ્રદેશ અગ્રણી રેશમાં પટેલ સહિતના આગેવાનો જામનગર આવી પહોંચ્યા હતા અને એક સંકલ્પ પત્ર જાહેર કર્યો હતો. આમ તો મહાનગરપાલિકાની ચૂંટણીમાં દર વખતે ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ ચૂંટણી લડતા હોય છે ત્યારે આ વખતે ચૂંટણી જંગમાં ‘આપ’ ની સાથે એનસીપી પક્ષ પણ મેદાનમાં આવ્યા છે.એનસીપીના પ્રદેશ અગ્રણી સહિતના આગેવાનો ગઈકાલે ચૂંટણીની તૈયારીના ભાગરૂપે જામનગર આવી પહોંચ્યા હતા અને સ્થાનિક આગેવાનો તથા કાર્યકરો સાથે મિટિંગ યોજી હતી. જેમાં એક સંકલપ પત્ર જાહેર કરવામાં આવ્યો હતો જેમાં જણાવ્યું હતું કે, જામનગર મહાપાલિકામાં સતા પર જો એનસીપી આવશે તો શહેરીજનો માટે જે કાયમી પાણી પ્રશ્ર્ન દૂર કરવામાં આવશે. આ ઉપરાંત પાયાના પ્રશ્નો પર પ્રથમ ધ્યાન આપવામાં આવશે.તેમજ દરેક વોર્ડમાં જનતા બેઠકનું આયોજન કરવામાં આવશે.આ ઉપરાંત દરેક સમસ્યાઓનું નિરાકરણ માટે કોલ સેન્ટર શરૂ કરવામાં આવશે.તેમજ જીઆઇડીસી વિસ્તારમાં વેરા વસુલતના પ્રશ્નોનું નિરાકરણ કરશે સહિતની બાબતો અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી.