- પૂર્વ અને દક્ષિણમાં પાટીદાર સમાજને ટિકિટ, પશ્ર્ચિમમાં સવર્ણ સમાજને ટિકિટ અપાશે: ઓબીસી
- સમાજના મેયર હોય વિધાનસભાની ટિકિટ ઓબીસી દાવેદારોને મળે તેવી શકયતા ખુબ જ નહિવત
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં સત્તાધારી પક્ષ ભાજપ વર્ષ-2017ની ચુંટણીની ડીઝાઇનમાં ફેરફાર કરે તેવી શકયતા હાલ દેખાતી નથી. રાજકોટ પૂર્વ અને દક્ષિણ વિધાનસ સભા બેઠક પર પાટીદાર સમાજે ટિકીટ આપવામાં આવશે. જયારે પશ્ર્ચિમ બેઠક પરથી સવર્ણ સમાજને ટિકીટની ફાળવણી કરવામાં આવશે. મેયર પદ હાલ ઓબીસી સમાજ પાસે હોવાના કારણે આ સમાજને વિધાનસભાની ટિકીટ આપવામાં આવે તેવી કોઇ શકયતા હાલના સંજોગો અને સમિકરણોમાં દેખાતા નથી. પૂર્વ અને ગ્રામ્ય બેઠકો પર વર્તમાન ધારાસભ્યોને ફરી ટિકીટ મળે તેવા ઉજળા સંજોગો દેખાય રહ્યા છે. પશ્ર્ચિમ અને દક્ષિણમાં નવા ચહેરો આવશે તેવું મનાય રહ્યું છે.
સૌરાષ્ટ્ર-કચ્છની 54 સહિત રાજયની 89 બેઠકો માટે પ્રથમ તબકકામાં આગામી 1 ડિસેમ્બરના રોજ મતદાન યોજવાનું છે. હાલ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
હાલ દિલ્હીમાં ગુજરાત વિધાનસભાની આગામી ચુંટણી માટે ઉમેદવારોના નામ પસંદ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે રાજકોટ શહેર માટે ભાજપ 2017 ની ડિઝાઇન યથાવત રાખશે પૂર્વ અને દક્ષિણ બેડઠક માટે પાટીદાર સમાજને ટિકીટ આપવામાં આવશે. 70- રાજકોટ દક્ષિણ બેઠક માટે આપ અને કોંગેસ દ્વારા પાટીદાર સમાજના ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા હોવાના કારણે ભાજપે પણ આ બેઠક માટે ફરજીયાત પણે લેઉઆ પટેલ સમાજને ટિકીટ આપવી પડશે. રાજકોટ પૂર્વ બેઠક માટે જે ચાર નામોની પેનલ બનાવવામાં આવી છે. તેમાં બે પાટીદારો અને બે ઓબીસી સમાજના દાવેદારોના નામ મુકવામાં આવ્યા છે.
રાજકોટનું મેયર પદ ઓબીસી સમાજ માટે અનામત હોવાના કારણે હાલ મેયર પદ ઓબીસી સમાજમાંથી આવતા ડો. પ્રદિપ ડવને સોંપવામાં આવ્યું હોવાના કારણે રાજકોટની ચારેય બેઠકો પૈકી એકપણ બેઠક ઓબીસી સમાજના ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવે તેવી કોઇ જ શકયતા દેખાતી નથી. અન્ય કેટલીક બેઠકો પર ઓબીસી સમાજને ફરજીયાત ટિકીટ આપવી પડે તેવા સમીકરણો બન્યા છે. જેથી રાજકોટની ચારેય બેઠકો માટે 2017ની ડિઝાઇન ભાજપ યથાવત હોય તેવું માનમાં આવી રહ્યું છે. વર્ષ-2012 વિધાનસભાની ચુંટણીમાં ભાજપે રાજકોટના ચાર બેઠકોમાં ચારેય મુખ્ય સમુદાય પાટીદાર સમાજ, સવર્ણ સમાજ, ઓબીસી સમાજ અને દલીત સમાજને સાચવી લીધો હતો અને ગોવિંદભાઇ પટેલ, કશ્યપભાઇ શુકલ, વજુભાઇ વાળા અને ભાનુબેન બાબરીયાને ટિકીટ આપી હતી.
દરમિયાન 2017 વિધાનસભાની ચુંટણીમાં પાટીદાર અનામત આંદોલનની વ્યાપક અસરો હતી. જેના કારણે ભાજપે રાજકોટની ચાર પૈકી બે બેઠકો પરથી પાટીદાર સમાજને ટિકીટ આપી હતી. એક બેઠક પર સવર્ણ સમાજને ટિકીટની ફાળવણી કરવામાં આવી હતી. જયારે રાજકોટ ગ્રામ્યની બેઠક તો દાયકાઓથી અનુસુચિત જાતિ માટે અનામત છે. હાલ સેન્સ બાદ બનાવવામાં આવેલી પેનલમાં જે ડિઝાઇન બની રહી છે. તેમાં રાજકોટની ચાર બેઠકો પૈકી બે બેઠકો પર ભાજપ પાટીદાર સમાજને મેદાનમાં ઉતારશે. તેવું સ્પષ્ટ પણે માનવામાં આવી રહ્યું છે. જયારે રાજકોટ પશ્ર્ચિમ બેઠક માટે સવર્ણ સમાજના ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવશે.
ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ જે રીતે પ્રચાર માટે ખુબ જ ઓછો સમય મળતો હોવાના કારણે રાજકોટ માટે ભાજપ બહુ ફેરફાર કરવાના મુડમાં નથી હાલ થતી ચર્ચા મુજબ રાજકોટ પૂર્વ અને રાજકોટ ગ્રામ્ય બેઠક માટે મોટાભાગે વર્તમાન ધારાસભ્યોને રીપીટ કરવામાં આવશે. જયારે દક્ષિણમાં ઉમેદવાર બદલવા કે યથાવત રાખવા તેના માટે પક્ષ પણ મુંઝવણ અનુભવી રહ્યા છે. પશ્ર્ચિમ વિધાનસભા બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના સ્થાને નવો ચહેરો મેદાનમાં ઉતારવામાં આવે તેવું મનાય રહ્યું છે.