ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો પ્રચાર હવે વધુ આક્રમક બનશે
ઉત્તરપ્રદેશની સ્થાનિક ચૂંટણીમાં ભાજપે વિજય પતાકા લહેરાવી ગુજરાતમાં ચૂંટણી જીતવાનો આત્મવિશ્ર્વાસ વધાર્યો છે. ૧૬ મ્યુનિસિપલ કોર્પોરેશન, ૧૯૮ નગરપાલિકા અને ૪૩૮ જિલ્લા પંચાયતોના આવેલા ચૂંટણી પરિણામોમાં ભાજપે જીત મેળવી છે. નગરપાલિકા પ્રમુખની ૧૯૮ પૈકી ભાજપને ૧૦૧ સીટ મળી છે. જયારે સપાને ૩૬ અને બસપાને ૩૫ બેઠકો મળી છે. યુપીની સ્થાનિક ચૂંટણીમાં મળેલી સફળતાનો ભાજપને સૌથી વધુ ફાયદો ગુજરાતમાં થશે.
ભાજપને યુપીમાં મળેલી જીતનો બુસ્ટર ડોઝ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચાર-પ્રસારમાં મળશે. ઉત્તરપ્રદેશની ચૂંટણી જીએસટી લાગુ થયા બાદની પ્રથમ મોટી ચૂંટણી હતી. આ ચૂંટણીમાં ભાજપને જીત મળતા લોકો જીએસટી મામલે સરકારે લીધેલા નિર્ણયથી પરેશાન ન હોવાનું પ્રતિત થયું છે. યુપીના જે શહેરોમાં ભાજપની જીત થઈ છે ત્યાં વેપાર-ઉદ્યોગોનું પ્રમાણ વધુ રહ્યું છે.
તેનો સીધો મતલબ એ નીકળે છે કે, ઉત્તરપ્રદેશના વેપારીઓ જીએસટીથી નારાજ નથી. ગુજરાતમાં પણ ચૂંટણી પરિણામો બાદ જીએસટીથી વેપારીઓ નારાજ ન હોવાનું ખુલી શકે છે. ગુજરાતમાં જીએસટી મામલે લોકો વધુ સતર્ક છે. ઉત્તરપ્રદેશ કરતા ઔદ્યોગીક પ્રગતિની દ્રષ્ટીએ પણ ગુજરાત આગળ છે. વેપાર-ઉદ્યોગમાં જીએસટીની સૌથી વધુ અસર થયેલા રાજયો પૈકીનું એક ગુજરાત છે. માટે ઉત્તરપ્રદેશમાં જો વેપારીઓ જીએસટી સહિતના સરકારના નિર્ણયથી ખુશ હોય તો ગુજરાતમાં પણ વેપારી માનસની આજ પરિસ્થિતિ હોય તેવું જણાય આવે છે. માટે ઉત્તરપ્રદેશમાં ભાજપની જીતને ગુજરાત ચૂંટણી માટે મહત્વની ગણવામાં આવે છે.
ભારતીય જનતા પક્ષ ઉત્તરપ્રદેશમાં મળેલી સફળતાનો પુરેપુરો ફાયદો ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચાર-પ્રસારમાં ઉઠાવશે તે જગ જાહેર વાત છે. કોંગ્રેસ અને રાહુલને ઘેરવાનો વધુ એક મોકો ભાજપને મળી ગયો છે. ગુજરાતમાં હરાવવા માંગતી કોંગ્રેસને યુપીમાં જવાબ મળી ગયો હોવાનું તો અત્યારથી જ ભાજપના કાર્યકરોમાં ચર્ચાવા લાગ્યું છે. સ્મૃતિ ઈરાની અને યોગી આદિત્યનાથે કહ્યું છે કે, જે વોર્ડની ચૂંટણી નથી જીતી શકતા એ ગુજરાતની ચૂંટણી શું જીતશે. ભાજપ હવે વધુ આક્રમક પ્રચાર-પ્રસાર કરશે.