જ્ઞાતિ- જાતિ, પ્રાંતવાદ, કોમનમેન, વિકાસ અને 150+ સીટ આ બધા ફેક્ટરમાં વિજયભાઈનો પર્યાય મળવો અશક્ય
ખંત અને ખમીર સાથે રાજ્યને નવી દિશા આપનાર વિજયભાઈએ માત્ર પક્ષના નહિ પણ ખરા અર્થમાં પ્રજાના નેતા બનીને દેખાડ્યું, શુ હવે આવી નેતાગિરી જોવા મળશે?
અબતક, રાજકોટ : વિજય ભવ: એટલે શું? વિજય ભવ: એટલે માત્ર વિજય મેળવવો જ નહીં. પણ એવો વિજય મેળવવો કે જેનાથી દુશ્મન પણ આપણા વિશે ખરાબ વિચારી ન શકે. આવો વિજય ભવ: શુ ભુપેન્દ્ર ભાજપને અપાવી શકશે ? આ પ્રશ્ન અત્યારે સૌના મનમાં જાગ્યો છે. આવો વિજય ભવ: વિજયભાઈ રૂપાણીએ તો ભાજપને અપાવ્યો છે. પણ હવે શું થશે તેની તરફ સૌની મીટ મંડરાયેલી છે.
રાજકોટ શહેર વિજયભાઈનું ઘર હતું અને આખું રાજ્ય તેમની કર્મભૂમિ હતી, દરેક વિસ્તારને તેઓએ જરૂરિયાત પ્રમાણે આપ્યું પણ રાજકોટને તો વગર માગ્યે જ ખોબલે ખોબલે બધું આપ્યું
દરેક ક્ષેત્ર અને વિસ્તારના લોકો સાથે વિજયભાઈનો સંવેદનશીલ નાતો રહ્યો, એટલે જ તેઓની સરકાર સંવેદનશીલ સરકાર તરીકે ઓળખાવા લાગી
વિજયભાઈ રૂપાણીએ જે રીતે જ્ઞાતિ- જાતિ, પ્રાંતવાદ, કોમનમેન, વિકાસ અને 150+ સીટ આ બધા ફેક્ટર પ્રત્યે બખૂબી રીતે વર્તન કર્યું તેવું વર્તન કરવાની આવડત શુ ભુપેન્દ્રમાં છે? હજી તો ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદે બિરાજવાના છે. એટલે અત્યારે તો આ ફેક્ટર પ્રત્યે તેઓનું વર્તન કેવું રહેશે તે કહી ન શકાય પણ ટૂંક સમયમાં ખબર પડી જશે. આ ફેક્ટર પર વિજયભાઈ રૂપાણીએ એવી રીતે કંટ્રોલ કરીને રાખ્યો હતો કે કોઈ ફેકટરને ધ્યાને લઈને કોઈને અન્યાય થતો ન જણાઈ.
ગુજરાતમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના રાજીનામાં બાદ 7 ઓગસ્ટ 2016થી વિજય રૂપાણી મુખ્યમંત્રીપદે આવ્યા હતા. એ પછી 2017માં વિજય રૂપાણીના જ નેતૃત્વમાં ભાજપનો વિજય થયો હતો અને ફરી એકવાર વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા હતા. સામાન્ય રીતે 1825 દિવસ કે વધુ શાસન કરે તો પાંચ વર્ષનું શાસન કર્યું હોવાનું માનવામાં આવે છે, એ જોતાં 7 ઓગસ્ટ 2021ના રોજથી વિજય રૂપાણી પણ પાંચ વર્ષ શાસન કરનારા ચોથા મુખ્યમંત્રી બન્યા હતા.
ગુજરાતનો રાજકીય ઇતિહાસ જોવામાં આવે તો અત્યાર સુધીમાં 16 મુખ્યમંત્રીએ શાસન કર્યું છે, જેમાં સૌથી વધુ 4610 દિવસના શાસન સાથે નરેન્દ્ર મોદી નંબર વન મુખ્યમંત્રી બન્યા છે, જ્યારે સૌથી ઓછું માત્ર 128 દિવસ શાસન કરનારા મુખ્યમંત્રી દિલીપ પરીખ છે તેમજ 16માંથી 12 મુખ્યમંત્રી 5 વર્ષ પણ શાસન કરી શક્યા નથી. વિજયભાઈનું સાશન પણ ટોપ-5માં આવે છે. વિજયભાઈના સાશનકાળમાં અનેક કુદરતી આપતિઓ પણ આવી હતી. તેઓ સામે અનેક પડકારો ઉભા થયા હતા. પણ તેઓએ આ પડકારોનો વિશેષ રીતે સામનો કર્યો હતો. આ ઉપરાંત કોરોનાએ પણ તેઓ સામે અનેક પડકારો સર્જ્યા હતા. છતાં તેઓએ સ્થિરતા જાળવી રાખી હતી.
વિજયભાઈ રૂપાણીએ તેમના મુખ્યમંત્રીકાળમાં ખંત અને ખમીર સાથે રાજ્યને નવી દિશા આપી હતી. અવનવી યોજનાઓ અને પ્રજાલક્ષી કાર્યો થકી પ્રજાના જીવનધોરણને યશ કલગી લગાવી હતી. વિજયભાઈ માત્ર પક્ષના નહિ પણ ખરા અર્થમાં પ્રજાના નેતા બન્યા હતા. લાંબા સમય સુધી કાર્યકર રહી અને નમ્ર હદયી એવા વિજયભાઈએ તળના લોકોનું પણ પ્રતિનિધિત્વ કર્યું હતું. દરેક ક્ષેત્ર અને વિસ્તારના લોકો સાથે વિજયભાઈનો સંવેદનશીલ નાતો રહ્યો હતો એટલે જ તેઓની સરકાર સંવેદનશીલ કહેવાય હતી.
હવે આવો બીજો ” વિજય ” મળવો મુશ્કેલ
ભાજપને હવે આવો વિજય મળવો મુશ્કેલ જણાઇ રહ્યો છે. વિજય મતલબ કે જીત અને વિજયભાઈ બન્ને. વિજયભાઈએ જે રીતે સૌને સાથે રાખીને કામ કરી પક્ષને વિજય અપાવ્યો છે. હવે તેના પંથે ચાલીને તેના જેવું પરિણામ લઈ આવવું બીજા માટે તો અશક્ય જેવું છે. તેવું ખુદ નિષ્ણાંતો માની રહ્યા છે.
ભાજપના આકાઓની પોતે બ્રાન્ડ હોવાની વિચારસરણી જ તેમને જોખમમાં મૂકી દેશે
ભાજપના આકાઓ પોતે બ્રાન્ડ હોવાનું માની પોતે જ બધા નિર્ણયો લ્યે છે. પોતે જે નિર્ણય લ્યે તે નીચેની કક્ષાએ સ્વીકારવા જ પડે તેવી વ્યવસ્થા પણ ગોઠવી લીધી છે. આ ઉપરાંત સ્થાનિક કક્ષાની સ્થિતિને ધ્યાને લીધા વગર જ નિર્ણયો લઈને જાહેર કરી તેને અમલી બનાવવાનું કામ અત્યારે કરી રહ્યા છે. જે આકાઓને પોતાને તેમજ પક્ષને બન્નેને નુકસાન કરી રહ્યા છે.
2022ની વિધાનસભા ચુંટણીનું પરિણામ બતાવશે કે હાઇકમાન્ડનો નિર્ણય સાચો કે ખોટો?
હાઇકમાન્ડે વિજયભાઈ રૂપાણી પાસેથી મુખ્યમંત્રીનું પદ લઈને અમદાવાદના ભુપેન્દ્ર પટેલને સોંપ્યું છે. આ નિર્ણયથી ભાજપને લાંબા ગાળે નુકસાન થવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે આ નિર્ણયનું પરિણામ તાત્કાલિક તો જોવા નહીં મળે પણ વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીનૂ પરિણામ આ નિર્ણય સાચો છે કે ખોટો તે અંગે સ્પષ્ટતા કરશે.
વિજયભાઈએ 35 વર્ષ તપ કર્યું છે, તેમના જેવા કોમનમેન બીજા કોઈ ન બની શકે
વિજયભાઇ રૂપાણીએ જન સંઘમાં 35 વર્ષનું તપ કર્યું છે. આ દરમિયાન તેઓએ અનેક ઉતાર ચડાઉનો સામનો પણ કર્યો છે. ગૃપીઝમ પણ ચાલ્યા તેમા પણ તેઓએ માત્રને માત્ર પક્ષને વફાદાર રહીને કામ કર્યું હતું. તેઓ મુખ્યમંત્રીના પદે આવ્યા બાદ પણ કોમનમેન તરીકે જ રહ્યા હતા. પણ હવે તેમના જેવા કોમનમેન મળવા મુશ્કેલ નહિ પણ અશક્ય છે.