ચાર્જિંગ સ્ટેશનો પર કલાકો સુધી રાહ નહીં જોવી પડે: મિનિટોમાં ચાર્જ બેટરી મેળવી શકાશે !!!
વધતા જતા પ્રદુષણને અટકાવવા તેમજ ઇંધણનો વિકલ્પ વિકસાવવા હાલ ઇલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન આપવું અતિ જરૂરી છે પરંતુ ચાર્જિંગના પ્રશ્નોને લઈને હજુ પણ લોકો ઇલેક્ટ્રિક વ્હીકલ લેતા પૂર્વે ખચકાટ અનુભવતા હોય છે ત્યારે હવે લોકોએ ચાર્જિંગ માટે કલાકો સુધી રાહ ન જોવી પડે ચાર્જિંગ સ્ટેશન પરથી લોકો બેટરીની અદલાબદલી કરી શકે તેના માટે તખ્તો તૈયાર કરી લેવામાં આવ્યો હોય તેવું હાલ સામે આવી રહ્યું છે. આ દિશામાં આવતા સપ્તાહમાં ઈલેક્ટ્રિક વ્હીકલ ઈન્ડસ્ટ્રી અને જાહેર સંસ્થાઓના પ્રતિનિધિઓની બેઠક પણ બોલાવવામાં આવી છે.
બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (બીઆઈએસ) દ્વારા ઘડવામાં આવતા ધોરણોને અંતિમ સ્વરૂપ આપતા પહેલા સરકારે આવતા અઠવાડિયે ઈલેક્ટ્રિક વ્હીકલ ઈન્ડસ્ટ્રી અને જાહેર સંસ્થાઓના પ્રતિનિધિઓની બેઠક બોલાવી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, એવા મંતવ્યો છે કે જ્યારે નવી ટેક્નોલોજી વિકાસના વળાંકમાંથી પસાર થઈ રહી હોય ત્યારે ખૂબ પ્રમાણભૂતકરણ નવીનતાને અસર કરી શકે છે. કેન્દ્રીય ઉપભોક્તા બાબતોના પ્રધાન પીયૂષ ગોયલ ૩ જાન્યુઆરીએ બેઠકની અધ્યક્ષતા કરવાના છે.
બેટરી સ્વેપિંગ ઇલેક્ટ્રિક વ્હીકલ માલિકોને ચોક્કસ ચાર્જ ચૂકવીને સ્વેપ સ્ટેશનો પર ડિસ્ચાર્જ થયેલી બેટરીને તાજી ચાર્જ કરેલી બેટરી સાથે બદલવાની મંજૂરી આપે છે અને તેથી ચાર્જિંગ સ્ટેશનો પર બેટરી રિચાર્જ કરવા માટે કલાકો રાહ જોવી પડશે નહિ. બેટરી-સ્વેપિંગનો હેતુ વિવિધ ટેકનોલોજી અને બિઝનેસ મોડલ્સને પ્રોત્સાહન આપીને તમામ પડકારોનો સામનો કરવાનો છે જે બેટરીને ચાર્જ કરવા માટે નીચા અપફ્રન્ટ ખર્ચ, ન્યૂનતમ ડાઉનટાઇમ અને ઓછી જગ્યાની જરૂરિયાતોને સુનિશ્ચિત કરશે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે નવા સ્ટાન્ડર્ડનું ફોકસ એકસમાન હશે જેથી તેને કોઈપણ મોડલ અથવા ટુ અને થ્રી વ્હીલરમાં ફીટ કરી શકાય.
બૅટરી સ્વેપિંગને મોટા પાયે અપનાવવાથી ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવાના અપફ્રન્ટ ખર્ચમાંથી બૅટરીનો ખર્ચ બે ગણો થઈ જશે. બેટરીની કિંમત ઇવીની કિંમતના લગભગ ૪૦% જેટલી છે. ઉદ્યોગ હજુ પણ પ્રારંભિક તબક્કામાં છે અને તેથી કડક અને ફરજિયાત માનકીકરણ નવીનતાને દબાવી દેશે કે કેમ તે અંગે આપણે નિર્ણય લેવો પડશે. જો કે, સલામતીના પાસાઓ પર કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં, તેવું એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે એપ્રિલમાં નીતિ આયોગે બેટરી સ્વેપિંગ પોલિસી પર ડ્રાફ્ટ બહાર પાડ્યો હતો.