૧૧ ઓગષ્ટથી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
રામ જન્મ ભૂમિ અને બાબરી મસ્જિદની ૨.૭ એકરની જમીનની માલીકીનો વિવાદ હવે ટૂંક સમયમાં ઉકેલાય જાય તેવી શકયતા છે. વડી અદાલત આગામી તા.૧૧ ઓગસ્ટથી આ કેસમાં સુનાવણી હાથ ધરવા તૈયાર થઈ છે.
રામ જન્મ ભૂમિ વિવાદનો નિકાલ કરવા બન્ને પક્ષો તૈયાર છે. આ મામલે ન્યાયાલયોમાં અનેક પીટીશનો થઈ ચૂકી છે. અલ્હાબાદ હાઈકોર્ટમાં ત્રણ ન્યાયાધીશોની બંધારણીય ખંડપીઠ આ કેસની સુનાવણી હાથ ધરે તે મામલે થયેલા નિર્ણયના અંતે હવે વડી અદાલત પણ આ મામલાનો ઉકેલ કરવા માટે કાર્યવાહી કરશે.
ચિફ જસ્ટીસ જે.એસ.ખેહરે અગાઉ ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીની વહેલી સુનાવણીની માગના અનુસંધાને તૈયારી દર્શાવી હતી. ચિફ જસ્ટીસ ખેહરે કહ્યું હતું કે, અમે ટૂંક સમયમાં મુખ્ય મામલો સાંભળશું અને તે અંગે નિર્ણય લેશું.
આ ઉપરાંત વડી અદાલતમાં ત્રિપલ તલાકની સંવિધાનીક માન્યતા અંગેનો ચુકાદો પણ આવવાનો છે. અયોધ્યા વિવાદ વડી અદાલતમાં વર્ષ ૨૦૧૦થી પેન્ડીંગ છે તે સમયે અ્લ્હાબાદ હાઈકોર્ટે રામલલ્લા, નિરમોહી આખરા તથા સુન્ની વકફ બોર્ડને સરખે ભાગે જમીન ફાળવી દેવા આદેશ કર્યો હતો.
આ ઓર્ડર સામેની અપીલ સુપ્રીમ કોર્ટમાં ૭ વર્ષથી પેન્ડીંગ હોવાની દલીલ કરી આ મામલે તુરંત સુનાવણી હાથ ધરવા સ્વામીએ વડી અદાલતને કહ્યું હતું. આ મામલે તેમણે સેપ્રેટ પીટીશન કરી હતી.