જાનમાં કોઇ જાણે નહીં ને હું વરની ફૂઇ જેવો ઘાટ
‘કોરોનીલ’ દવાની અસરકારકતા ચકાસ્યા બાદ પ્રચાર પ્રસારની મંજૂરી આપવાનો આયુષ મંત્રાલયનો નિર્દેશ
વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસની હજુ કોઈ અસરકારક દવા શોધાઈ ન હોય કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ગઈકાલે યોગગુરૂ બાબા રામદેવે કોરોના વાયરસથી બચાવતી આયુર્વેદીક દવા ‘કોરોનીલ’ લોન્ચ કરી છે. આ દવા લોન્ચ કરતા સમયે બાબાએ દાવો કર્યો છે કે તેનાથી દર્દીઓ ૧૦૦ ટકા સાજા થઈ જાય છે. જોકે. આ દવાને લોન્ચ કરવાની બાબાની જાહેરાત બાદ તેની અસરકારતા અંગે પ્રશ્ર્નાર્થો ઉઠતા કેન્દ્ર અસરકારતા અંગે પ્રશ્ર્નાર્થો ઉઠતા કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલયે પતંજલીને આ દવાની ચકાસણી ન થાય ત્યાં સુધી તેનો પ્રચાર અને પ્રસાર રોકવા આદેશ કર્યો છે. જેથી કોરોનામાં ‘બાબા-ગોળી’ વૈજ્ઞાનિક પૃથ્થકરણમાં કારગત નીવડશે? તેવા પ્રશ્ર્નાર્થો ઉભા થવા પામ્યા છે.
દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. અને હાલમાં કોરોનાની કોઈ કારગત દવા ન હોય આરોગ્ય વિભાગ હવે દર્દીઓની રોગપ્રતિકારક શકિત વધારવા પર ભાર મૂકી રહ્યા છે. ત્યારે યોગગુરૂ બાબા રામદેવે ગઈકાલે પોતાની આયુર્વેદીક દવા બનાવતી કંપની પતંજલી દ્વારા કોરોનાના ‘રામબાણ’ ઈલાજ સમાન ‘કોરોનીલ’ દવા લોન્ચ કરી હતી. હરિદ્વારમાં આ દવાના લોન્ચીંગ કાર્યક્રમમાં બાબાએ દાવો કર્યો હતો કે આ કોરોનીલ દવામાં રહેલા ગિલોચ, તુલસી અને અશ્ર્વગંધામાંથી બનાવવામાં આવી છે. જેનાથી કોરોના વાયરસનો ઈલાજ થાય છે. આ દવા સાથેની શ્ર્વાસરી દવા રોગ પ્રતિકારક શકિત વધારવામા કારગત છે.જયારે ‘અનુ તેલ’ નામના ટીપા નાકમાં નાખવાથી શ્ર્વાસ પ્રક્રિયા મજબુત થવાની સાથે શરદી, કફ અને તાવને કાબુમા કરી શકાય છે.
આ ત્રણેય દવાની કોરોના કીટની ૨૮૦ દર્દીઓ પર કલીનીકલ ટ્રાયલ કરવામાં આવી હતી જેમાં ત્રણ દિવસમાં ૬૯ ટકા દર્દીઓ કોરોનામુકત થયા હતા જયારે સાત દિવસમાં ૧૦૦ ટકા દર્દીઓ કોરોના મુકત
થયાનો દાવો બાબા રામદેવે કર્યો હતો. આ કોરોના કીટમાં ૩૦ દિવસની દવા રૂા. ૫૪૫માં આગામી અઠવાડીયામાં દેશભરમાં મળવા લાગશે અને તેના ઓનલાઈન ઓર્ડર માટે એપ પણ બનાવવામાં આવનારી હોવાનો પતંજલી આયુર્વેદના આચાર્ય બાલક્રિશ્ર્નાએ જણાવ્યું હતુ આ દવા પતંજલીએ હરીદ્વારની દિવ્ય ફાર્મસીના સહયોગથી બનાવીને તેની કલીનીકલ ટ્રાયલ પતંજલી રીસર્ચ ઈન્સ્ટીટયુટ અને જયપૂરના નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સમાં કરવામાં આવ્યાનું પણ જણાવ્યું હતુ. આ કોરોના કીટ દવાને કિલીનીકલ ટ્રાયલમાં ૧૦૦ ટકા સફળતા મળ્યાનો પણ દાવો કરાયો હતો.
પતંજલીની કોરોના સામે ‘બાબા-ગોળી’ લોન્ચ કરવાની જાહેરાત બાદહરકતમાં આવેલા કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલયે આ દવાનું પરિક્ષણ ન થાય ત્યાં સુધી પ્રચાર પ્રસાર અટકાવવા હુકમ કર્યો હતો. આયુષ મંત્રાલયે જણાવ્યું હતુ કે પતંજલીની દવા અંગેના વૈજ્ઞાનિક અભ્યાસ અંગેની તેમની પાસેકોઈ માહિતી નથી. સાથે જ ઉતરાખંડ સરકાર પાસે સંબંધીત લાન્સીંગ તંત્ર પાસેથી આ દવાન ઉત્પાદનની મંજુરીની નકલ પણ માંગી છે. ઉલ્લેખનીય છે કે દેશમાં આયુર્વેદીક દવા અને ઔષધી વગેરેની અસરકારકતા ઉપર સંશોધન કરીને તેના ઉત્પાદન અને વેંચાણની મંજૂરી આપવાનું કાર્ય આયુષ મંત્રાલય કરે છે ‘બાબા-ગોળી’ સામે આયુષ મંત્રાલયના આ રૂકજાવના આદેશથી પતંજલિની દવા સામે અનેક તર્કવિતર્કો ઉભા થવા પામ્યા છે. બાબા રામદેવે ‘કોરોનીલ’ દવા અંગે આયુષ મંત્રાલયની મંજૂરી શા માટે નહી લીધી હોય તે અંગે પણ પ્રશ્નાર્થ ઉભા થઈ રહ્યા છે.