લોકસભાની ચૂંટણી પૂર્વ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓને તોડવા માટે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા સત્તાવાર રિતે સ્ક્રિનીંગ કમિટીની રચના કરવામાં આવી છે. જેના અધ્યક્ષ તરીકે પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાને બનાવવામાં આવ્યા છે. ડોક્ટર સાહેબ કમૂરતા બાદ એક મોટુ ઓપરેશન કરવા જઇ રહ્યા છે. છેલ્લા સાડા પાંચ દાયકાથી પણ વધુ સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલો ખાટરિયા પરિવાર હવે “હાથ” છોડી કેસરિયો ખેસ ધારણ કરવા માટે રિતસર થનગની રહ્યો છે. એક જ સપ્તાહમાં સૌરાષ્ટ્રના કોંગ્રેસના કેટલાક આગેવાનો અને સહકારી ક્ષેત્રના અગ્રણીઓ ભાજપમાં જોડાઇ જાય તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.
છેલ્લા પાંચ દાયકાથી પણ વધુ સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલો ખાટરિયા પરિવાર હવે “હાથ” છોડવા મક્કમ: અર્જૂનભાઇ સાથે તેમના પત્નિ-જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને પિતા ઘનશ્યામભાઇ ખાટરિયા પણ “કમલમ” જવા ઉત્સાહિત
લોકસભાની આગામી ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો પાંચ લાખથી વધુ મતોની લીડ સાથે જીતવા માટે ભાજપ દ્વારા તનતોડ મહેનત શરૂ કરી દેવામાં આવી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ જાહેર જીવનના આગેવાનોને ભાજપની વિચારધારા સાથે જોડવા માટે ભાજપ દ્વારા સ્ક્રિનીંગ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીના પાંચ સભ્યો દ્વારા ઓપરેશન લોટ્સ શરૂ કરી દેવામાં આવ્યું છે. ગોંડલના કોટડા સાંગાણી તાલુકાનો ખાટરિયા પરિવાર છેલ્લા સાડા પાંચ દાયકાથી અડિખમ રિતે કોંગ્રેસ સાથે જોડાયેલો છે.
ઘનશ્યામભાઇ ખાટરિયા ચારેક દાયકાઓ પહેલા કોટડા સાંગાણી તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચુક્યા છે. રાજકોટ જિલ્લા બેંકના એમડી પદે સેવા આપી ચુક્યા છે અને વર્ષોથી બેંકના ડિરેક્ટર પદે કાર્યરત છે. તેમના પુત્ર અર્જૂનભાઇ ખાટરિયા પણ કોંગ્રેસના પ્રથમ હરોળના દિગ્ગજ નેતા છે. હાલ તેઓ રાજકોટ જિલ્લા પંચાયતની રામોદ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટાયેલા સભ્ય છે. આ ઉપરાંત જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા પદે કાર્યરત છે.
ગત ટર્મમાં ખાટરિયા પરિવાર પર કોંગ્રેસ ઓળઘોળ હતો. અર્જૂનભાઇ ખાટરિયાને કારોબારી ચેરમેન બનાવવામાં આવ્યા હતા અને તેમના ધર્મપત્ની અલ્પાબેન ખાટરિયાને જિલ્લા પંચાયતના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. આટલું જ નહી. જિલ્લા પંચાયતની વર્તમાન ટર્મમાં પણ અર્જૂનભાઇને કોંગ્રેસ દ્વારા વિપક્ષી નેતા બનાવવામાં આવ્યા છે અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખની પણ જવાબદારી સોંપવામાં આવી હતી. ગત 20 ડિસેમ્બર સુધી તેઓ આ પદ પર યથાવત હતા.
હવે કોંગ્રેસમાં કોઇ “માલ” રહ્યો નથી તેવું જણાતા ખાટરિયા પરિવાર “હાથ” સાથ છોડી ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરવા જઇ રહ્યો હોવાનું અત્યંત વિશ્ર્વસનીય સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. ધનારક કમૂરતા ઉતરતાની સાથે જ અર્જુનભાઇ ખાટરિયા તેમના પત્નિ અલ્પાબેન ખાટરિયા અને પિતા ઘનશ્યામભાઇ ખાટરિયા “કમલમ્” ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની વિશેષ ઉ5સ્થિતિમાં કેસરિયો ખેસ ધારણ કરી લેશે.
દાયકાઓથી કોંગ્રેસ સાથે જોડાયેલા ખાટરિયા પરિવારને ભાજપમાં સામેલ કરવા માટે ઓપરેશન લોટ્સ પાર પાડવામાં ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ અને સ્ક્રિનીંગ કમિટીના અધ્યક્ષ ડો.ભરતભાઇ બોઘરા અને જેતપુર-જામકંડોરણાના ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાએ અથાગ મહેનત કરી હતી. ખાટરિયા પરિવારને ભાજપમાં સામેલ કરવા સામે કમળમાં થોડો કકળાટ દેખાયો હતો. પરંતુ હાઇકમાન્ડ દ્વારા એક જ લીટીમાં એવા આદેશો છૂટ્યા હતા કે ખાટરિયા પરિવારને કોઇપણ વાદ-વિવાદ કર્યા વિના સ્વિકારી લેવાનો છે. કચવાતા મને ભાજપના નેતાઓ પણ રાજી થઇ ગયા છે. હાલ કમુરતા ચાલી રહ્યા છે. આવતા સપ્તાહે કમુરતા ઉતરતાની સાથે જ ખાટરિયા પરિવાર માટે ભાજપ દ્વારા લાલજાજમ પાથરવામાં આવશે. તેઓની સાથે સૌરાષ્ટ્રના ત્રણથી ચાર સહકારી આગેવાનો પણ ભાજપનો ખેસ ધારણ કરી લ્યે તેવી સંભાવના જણાય રહી છે.