2003 આફ્રિકામાં રમાયેલ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો બદલો લઇ ભારત વિજય ડંકો વગાડશે?
ચાલુ વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયા માનસિક રીતે નબળી પુરવાર થઈ
વિશ્વકપ 2023 અંતિમ ચરણમાં પહોંચી ગયો છે. તા. 19 નવેમ્બરના રોજ અમદાવાદ સ્થિત નરેન્દ્રમોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા ફાઇનલ જંગમાં ટકરાશે. અત્યાર સુધી ભારત એક પણ લીગ મેચ હાર્યું નથી અને સેમિફાનલમાં ન્યુઝીલેન્ડને મહાત આપી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. તો બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ તેના લીગ રાઉન્ડમાં બે મેચ હાર્યા બાદ સારો કંબેક કર્યો હતો અને સેમીફાઇનલમાં આફ્રિકાને હરાવી ફાઇનલમાં પોતાની દાવેદારી સુનિશ્ચિત કરી હતી.
ભારત પાસે વર્ષ 2003માં આફ્રિકામાં રમાયેલ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો બદલો લેવાનો સૌથી મોટો મોકો છે. 20 વર્ષ બાદ ભારત ફરી એકવાર વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. કોણ ભૂલી શકે છે કે 23 માર્ચ 2003ના વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયન ટીમે ભારતને 125 રને હરાવીને તેનું ટાઈટલ જીતવાનું સપનું તોડ્યું હતું. ભારતીય ટીમ ચોથી વખત વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં રમશે જ્યારે કાંગારુની ટીમે આઠમી વખત ફાઇનલમાં પહોંચવાની સિદ્ધિ મેળવી છે. હવે બંને ટીમો વચ્ચે આગામી વર્લ્ડ ચેમ્પિયન બનવાની સ્પર્ધા જામશે. જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ ફરી એક વખત ચોકર સાબિત થઈ હતી અને વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશી શકી ન હતી.
ચાલુ વિશ્વકપની વાત કરવામાં આવે તો આ વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયા તેના મૂળ સ્વભાવથી વિપરીત રમત રમી છે. અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા ટીમ વ્યક્તિગત નહિ પરંતુ સંગઠીત ટીમ તરીકે રમી હતી. પરંતુ આ વિશ્વકપમાં કાંગારુ વ્યક્તિગત ટીમ તરીકે રમી હોવાનું જોવા મળ્યું છે. અફઘાનિસ્તાન સામે મેક્સવેલની બેવડી આવતા ટીમ જીતી શકી હતી. ત્યારે ફાઇનલમાં ભારત આ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરી ઓસ્ટ્રેલિયાને હંફાવે તો નવાઈ નહી. હાલ ઑસ્ટ્રેલિયા માનસિક રીતે નબળી પુરવાર થઈ છે.
વર્લ્ડ કપની ફાઇનલમાં બંને ટીમોનું પ્રદર્શન
ભારતીય ટીમની વાત કરવામાં આવે તો તે ચોથી વખત ફાઇનલમાં પહોંચી છે. જેમાંથી છેલ્લી ત્રણ ફાઇનલમાં આ ટીમ બે વખત ચેમ્પિયન બની છે જ્યારે એક વખત પરાજય થયો છે. ભારતીય ટીમ 1983માં પહેલીવાર ફાઇનલમાં પહોંચી અને ચેમ્પિયન બની હતી. જ્યારે બીજી વખત આ ટીમ 2003માં ફાઇનલમાં પહોંચી પરંતુ ઓસ્ટ્રેલિયા સામે પરાજય થયો હતો. આ પછી ટીમ ઈન્ડિયા 2011માં ફાઈનલમાં પ્રવેશી હતી અને તેણે બીજી વખત ચેમ્પિયન બની હતી હવે ટીમ ઈન્ડિયા પાસે ત્રીજી વખત ચેમ્પિયન બનવાની તક છે. ઓસ્ટ્રેલિયાની ટીમ આઠમી વખત ફાઇનલમાં પહોંચી છે અને છેલ્લી 7 ફાઇનલની વાત કરીએ તો આ ટીમ 5 વખત ચેમ્પિયન બની હતી જ્યારે બે વખત રનર અપ રહી હતી. ઓસ્ટ્રેલિયા 1987, 1999, 2003, 2007 અને 2015માં વર્લ્ડ કપમાં ચેમ્પિયન બની હતી. જ્યારે 1975 અને 1996માં ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. કાંગારુ ટીમને ફરી એકવાર રેકોર્ડ છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાની તક મળશે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમની વિકેટ ઉપર ભારત અને ઓસ્ટ્રેલિયા હેડ ટુ હેડ
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહેલા મોટેરા સ્ટેડિયમ તરીકે ઓળખાતું હતું. અહીં ભારતીય ટીમે 1984થી અત્યાર સુધી 19 વનડે મેચ રમી છે. જેમાંથી ટીમ ઈન્ડિયાએ 11માં જીત મેળવી છે. જ્યારે તેને 8માં હારનો સામનો કરવો પડ્યો છે. એટલે કે આ મેદાન પર ભારતીય ટીમની જીત-હારની ટકાવારી લગભગ બરાબર રહી છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયા આ ગ્રાઉન્ડ પર અત્યાર સુધી 6 મેચ રમી છે જેમાં 4 મેચમાં વિજય અને 2 મેચમાં પરાજય થયો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સર્વાધિક સ્કોર 365 જ્યારે ઓછો સ્કોર 85 રનનો નોંધાવ્યો છે.
હોમગ્રાઉન્ડ ઉપર 1.20 લાખ પ્રેક્ષકો વચ્ચે વડાપ્રધાન મોદી હાજર રહી ટીમનો ઉત્સાહ વધારશે
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જે કરાર અર્થમાં વડાપ્રધાન મોદીનું હોમ ગ્રાઉન્ડ છે અને 1.20 લાખ પ્રેક્ષકો ની હાજરી વિચારે જ્યારે ફાઇનલનો જંગ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જામશે તેમાં વડાપ્રધાન મોદી હાજર રહી ટીમનો ઉત્સાહ વધારશે. પીએમ મોદી 19 નવેમ્બરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પીએમ મોદી અહીં વર્લ્ડ કપ ફાઇનલમાં હાજરી આપશે. પીએમ મોદીના ફાઈનલ કાર્યક્રમને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
બુમરાહ અને સીરાજે ડીસિપ્લીન બોલીંગ કરવી જરૂરી
વિશ્વ કપ ભારતીય બેટ્સમેનો અને બોલરોએ એક જૂઠ થઈ ટીમને વિજય અપાવ્યો છે. પરંતુ ન્યૂઝીલેન્ડ સામેના સેમિફાઇનલ મેચમાં બુમરાહ અને સિરાજની દિશા વિહીન બોલેંગે ભારતને સંકટમાં મૂકી દીધું હતું. રવિવારે ફાઇનલમાં આ બંને બોલરો ઉપર પણ ટીમનો મદાર રહેશે ત્યારે વહેલાસર બંને બોલરો પોતાની લાઈન લેન્થ જાળવે તે જરૂરી છે જો આ કરવામાં બંને બોલરો સફળ નિવડશે તો ભારત માટે ફાઇનલ જીતવો ખૂબ આસાન બની રહેશે. વિશ્વ કપમાં એક માત્ર મોહમ્મદ સમી નું પ્રદર્શન આવકારદાયક નીવડ્યું છે અને દરેક મેચમાં તેને ભારતીય ટીમને બ્રેકથ્રુ અપાવ્યું છે જે ઓસ્ટ્રેલિયા માટે સૌથી મોટો ચિંતાનો વિષય સાબિત થશે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એરફોર્સ અફલાતૂન એર શો પણ યોજશે
9 વિમાનો દ્વારા વિક્ટરી ફોર્મેશનમાં લૂપ બનાવવાનું કરતબ નિહાળી દર્શકો મંત્રમુગ્ધ થઈ જશે: આજે અને કાલે બે દિવસ રિહર્સલ ચાલશે
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપનો ફાઈનલ મેચ યોજાનાર છે. આ મેચ જોવા આવનારા દર્શકોનો ઉત્સાહ વધારવા માટે એરફોર્સ દ્વારા એક જોરદાર એર શો યોજવામાં આવશે. ભારતીય એરફોર્સના સૂર્યકિરણ વિમાનોની એરોબેટિક ટીમ આ એર શોમાં ભાગ લેશે. મેચ શરૂ થાય તે પહેલાં આ એર શો યોજાશે જેના માટે આજે અને શનિવારે રિહર્સલ પણ થશે.
ગુજરાતના ડિફેન્સ પીઆરઓએ જણાવ્યું કે રવિવારે ફાઈનલ શરૂ થાય તે પહેલાં સૂર્ય કિરણ એરોબેટિક ટીમ 10 મિનિટ માટે દર્શકોનું મનોરંજન કરશે અને એક એર શો યોજશે. શુક્રવારે આ માટે રિહર્સલ કરવામાં આવ્યુ હતું અને શનિવારે પણ રિહર્સલ થશે.
ક્રિકેટ વર્લ્ડકપનો રોમાંચક મુકાબલો હવે ફાઈનલ સ્ટેજમાં છે. બંને સેમી ફાઈનલ યોજાઈ ગઈ છે જેમાં ભારતે ન્યૂઝિલેન્ડને હરાવીને અને ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકાને હરાવીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે. વિશ્વકપની છેલ્લી અને સૌથી મહત્ત્વની મેચ માટે ક્રિકેટ ચાહકોમાં ઉત્સાહ છે. ભારતીય ટીમ ગઈકાલે જ મુંબઈથી અમદાવાદ આવી પહોંચી હતી. આજે ઓસ્ટ્રેલિયન ટીમ પણ અમદાવાદ આવી જશે. મોટેરા એરિયામાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલની તમામ ટિકિટ ઘણા સમય અગાઉથી વેચાઈ હતી હતી.
ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમમાં નવ વિમાન સામેલ છે અને તેમણે દેશભરમાં અનેક એર શોમાં ભાગ લીધો છે. સૂર્ય કિરણ વિમાનો જ્યારે વિક્ટરી ફોર્મેશનમાં લૂપ બનાવે છે ત્યારે તેને જોનારાઓ દંગ રહી જતા હોય છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મુકાબલો જોવા માટે આવવાના છે. તેમની સાથે ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે. આ મેચ માટે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અને ડેપ્યુટી વડાપ્રધાનોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. સૂત્રોના કહેવા પ્રમાણે કદાચ ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી વડાપ્રધાન રિચર્ડ માલ્ર્સ આ મેચ જોવા માટે સ્ટેડિયમમાં આવશે. હજુ સુધી આ અંગે કોઈ પુષ્ટિ થઈ શકી નથી. ઓસ્ટ્રેલિયા અત્યાર પાંચ વખત વર્લ્ડકપ જીત્યું છે જ્યારે ભારત બે વખત જીત્યું છે.