રાજુલા અને ઉના વિધાનસભાની બેઠકો કબ્જે કરવા ભાજપની જબ્બરી વ્યૂરચના: ડેરને કેસરીયો ખેસ ધારણ કરાવી રાજુલા બેઠક પર આહિર સમાજને સાચવી લેવાશે ત્યારે ઉનામાં પરસોત્તમભાઇ સોલંકીની પુત્રી દિપાબેન બાંભણીયાને ટિકિટ આપી એક કાંકરે અનેક પક્ષીઓનો શિકાર કરાશે?
ગુજરાત વિધાનસભાની આગામી ચુંટણીમાં સૌથી વધુ બેઠકો જીતવાનો રેકોર્ડ બનાવવાની મહત્વકાંક્ષા સાથે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ ચુંટણીલક્ષી વ્યૂરચના ગોઠવી રહ્યાં છે. જે બેઠકો પર ભાજપ મજબૂત નથી ત્યાં કોંગ્રેસની વિકેટો ખેડવી બેઠક અંકે કરવાના સોખઠા ગોઠવાઇ રહ્યાં છે.
કોંગ્રેસના દિગ્ગજ ધારાસભ્ય અંબરીશ ડેરને કેસરીયા કરાવવા માટે તનતોડ મહેનત થઇ રહી છે. ગઇકાલે અમરેલી જિલ્લામાં એક કાર્યક્રમ દરમિયાન ખુદ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે એવું નિવેદન આપ્યું હતું કે જેમ રૂમાલ રાખી એસ.ટી. બસમાં સીટ અનામત રાખી શકાય છે તે રીતે કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર માટે ભાજપમાં જગ્યા ખાલી પડી છે. તેઓના આ નિવેદનથી સૌરાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ નિવેદન પાછળ ઘણો મોટો તર્ક છે. ઉના વિધાનસભા બેઠક પર આ વખતે ભાજપે કોઇપણ સંજોગોમાં કોળી સમાજને ટીકીટ આપવી પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. આવા આ બેઠક પર પૂર્વ મંત્રી પરષોત્તમભાઇ સોલંકીની પુત્રી દિપાબેન બાંભણીયાનું નામ ફાઇનલ માનવામાં આવી રહ્યું છે. કે.સી. રાઠોડનું નામ પણ ચાલી રહ્યું છે પરંતુ તેઓના સ્થાને દિપાબેનને ટીકીટ આપવામાં આવશે. આ માટે ઓપરેશન રાજુલાથી પાર પાડવું પડે તેમ છે કારણ કે ત્યાં આહિર સમાજનું વર્ચસ્વ છે.
જો હિરાભાઇ સોલંકીને ટીકીટથી વંચિત રાખવા હોય તો તેઓના પરિવાર સભ્ય દિપાબેનને ઉનાથી ટીકીટ આપી દેવામાં આવે તો કોઇ મોટો વિવાદ ઉભો ન થાય અને હાલ કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેરને પક્ષપલટો કરાવી ભાજપમાં લઇ લેવામાં આવે અને તેઓને રાજુલા બેઠક પરથી ટીકીટ આપવામાં આવે તો હાલ ઉના અને રાજુલાની જે બેઠકો ભાજપ પાસેથી નથી તે બેઠકો આસાનીથી હાંસલ કરી શકાય અને તમામ સમાજને સાચવી પણ શકાય. હાલ સ્થિતિ સંપૂર્ણ પ્રવાહીતામાં છે.
નબળી બેઠકો કે જે હાલ કોંગ્રેસ પાસે છે તે અંકે કરવા માટે વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપ દ્વારા ખૂબ જ નજીકના દિવસમાં મોટ ઓપરેશનો પાર પાડવામાં આવે તેવી શક્યતા પણ નકારી શકાતી નથી. જે રીતે પક્ષ દ્વારા દિવાળી બાદ રાજ્યના તમામ જિલ્લામાં સ્નેહ મિલનો યોજાયા તેમાં મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ અને પ્રભારીની હાજરી પણ એક ચુંટણીનો ભાગ માનવામાં આવી રહ્યો છે. ટૂંક સમયમાં કોંગી ધારાસભ્ય અંબરીશ ડેર કેસરીયા કરી લે તો તે પણ નવાઇ નહીં.
રાજુલાના લડાયક કોંગી ધારાસભ્ય અંબરીશ ડેર તાજેતરમાં રાજ્ય સરકારના ઉર્જામંત્રી મુકેશભાઇ પટેલને મળતા નવા જ સમીકરણો રચાયા છે. દરમિયાન ગઇકાલે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે એવું નિવેદન આપ્યું હતું કે, અંબરીશ ડેરનો રાજકીય ઉદય ભાજપમાંથી થયો છે. જેમાં બસમાં રૂમાલ રાખી સીટ રાખી શકાય છે તેમ અંબરીશ ડેર માટે ભાજપમાં જગ્યા ખાલી છે.
રાજુલા તાલુકાના બાબરીયાધાર ગામે આહિર સમાજના સમુહ લગ્ન મહોત્સવમાં હાજરી આપતા સી.આર.પાટીલ દ્વારા એવું નિવેદન કરવામાં આવે છે કે મારે ધારાસભ્ય અંબરીશ ડેરને ખખડાવવા છે મારો તેના પર અધિકાર છે મારી પાર્ટીના ઘણા લોકો તેના ખાસ મિત્રો છે અને તેનો ઉદય પણ ત્યાંથી થયો છે આપણે પણ બસમાં બેસીએ ત્યારે રૂમાલ રાખે છે, અમે પણ તેની માટે ખાસ જગ્યા રાખેલ છે.
આમ રાજુલા તાલુકામાં એક સમૂહ લગ્નમાં ભાગ લેતા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા કોંગ્રેસી ધારાસભ્યો અંગે આવું નિવેદન કરતાં રાજકીય માહોલ ગરમાયો છે અને ધારાસભ્ય અંબરીશ ડેર ભાજપમાં જાય તેવી અટકળો તેજ બનેલ છે. તાજેતરમાં જ ગુજરાત સરકારના ઉર્જા મંત્રી મુકેશ પટેલ દ્વારા પણ તાજેતરમાં જ અંબરીશ ડેરના ફાર્મ હાઉસ પર ગુફતેગુ કરતા જોવા મળેલ ત્યારબાદ સી.આર. પાટીલનું નિવેદન સૂચક છે. આમ પ્રદેશ પ્રમુખના નિવેદનના કારણે ધારાસભ્ય અંબરીશ ડેર ભાજપમાં જોડાય તેવી અટકળો તેજ બનેલ છે અને આ અંગેની ચર્ચાઓ ટોક ઓફ ટાઉન બનેલ છે તો આવનારા સમયમાં શું બને છે તે જોવાનું રહ્યું.