આજના આધુનિક યુગમાં મોટાભાગની સેવાઓ ડિજિટલ બનતા રિટેલ માર્કેટ વધુ ને વધુ વિસ્તરીત થઈ રહ્યું છે. ઓનલાઈન શોપિંગનો ક્રેઝ વધતા રિટેલ માર્કેટ એક વિશાળ માર્કેટ બન્યું છે. સમય અને ગ્રાહકોની જરૂરિયાતને પહોંચી વળી લાભ ખાટવા ઈ-કોમર્સ અને રિટેલ કંપનીઓ મેદાને ઉતરી છે. જે કારણસર હરીફાઈ વધુ તીવ્ર બની છે. એમાં પણ દેશની ટોચની કંપની રિલાયન્સ હવે રિટેલ ક્ષેત્રે હરણફાળ ભરવા કમર કસી રહી છે. તો સામે અમેરિકાની મલ્ટીનેશનલ કંપની એમેઝોન પણ ભારતમાં પોતાનો પગદંડો જમાવવા પ્રયત્નશીલ છે. રિટેલ માર્કેટમાં રિલાયન્સ અને એમેઝોન વચ્ચેની હરીફાઇ વધુને વધુ તીવ્ર બનતી જઈ રહી છે.
લોસ મેકિંગ બીઝનેશની સ્ટ્રેટેજી થકી અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ મસમોટા ક્ષેત્રોમાં પ્રતિસ્પર્ધીઓને હંફાવી દીધા છે. પરંતુ રીટેલ અને ઇ-કોમર્સ ક્ષેત્રની એમેઝોન સામેની હરીફાઈ મુકેશ અંબાણીને હંફાવે તો નવાઈ નહીં..!! કારણ કે એમેઝોનને અમેરિકા સહિતના વિશ્વના મોટાભાગના દેશોમાં અગાઉથી જ પોતાનો પગદંડો જમાવી રાખ્યો છે. ભારતમાં પણ રિટેલ માર્કેટને કબ્જે કર્યુ છે.
જેને પોતાના હાથમાં લેવા રિલાયન્સ માટે અઘરું પડશે. એમાં પણ એમેઝોને રિલાયન્સ સામે વધુ એક જીત હાંસલ કરી છે. રિલાયન્સ રિટેલની ફ્યુચર ગ્રુપ સાથેની તેની 24 હજાર કરોડથી વધુની ડીલ કેન્સલ કરાવી છે. એમેઝોને રિલાયન્સનો ફ્યુચર ગ્રુપ સાથેનો સોદો બગાડ્યો છે અને હવે શું રિટેલ માર્કેટમાં રિલાયન્સનું “ફ્યુચર” જ બગાડી નાખશે..??
જણાવી દઈએ કે રિલાયન્સને સુપ્રીમ કોર્ટ તરફથી ગઈકાલે મોટો ઝટકો લાગ્યો છે. ફ્યુચર ગ્રૂપ સાથેના રિલાયન્સના સોદાનો વિરોધ કરતી એમેઝોનની સુપ્રીમમાં મોટી જીત થઈ છે. રિલાયન્સ રિટેલ અને ફ્યુચર ગ્રૂપ વચ્ચે હિસ્સો ખરીદવાને લઈને રૂપિયા 24,731 કરોડનો સોદો થયો હતો. જેની સામે એમેઝોને વાંધો ઉઠાવી સિંગાપોર સ્થિત ઈમરજન્સી આર્બિટ્રેશન સમક્ષ ફરિયાદ કરી હતી. આ ઈમરજન્સી આર્બિટ્રેશન દ્વારા ફ્યુચર અને રિલાયન્સના ઈલું-ઈલું પર રોક લગાવી દેવાઈ હતી.
જો કે ત્યારબાદ ફ્યુચર અને રિલાયન્સે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી ઈએના નિર્ણયને પડકાર્યો હતો. જેની સામે દિલ્હી હાઇકોર્ટે એ તારણ આપી રિલાયન્સ અને ફ્યુચરના સોદાને આગળ વધારવાની મંજૂરી આપી દીધી કે સિંગાપોરની ઈએનો નિર્ણય ભારતમાં લાગુ થઈ શકે નહીં. જો કે દિલ્હી હાઈકોર્ટના આ નિર્ણયને એમેઝોને સુપ્રીમમાં પડકારી બંને કંપનીઓના કરારને રોકવાની માંગ કરી. જેમાં એમેઝોનની મોટી જીત થઈ છે. અને રિટેલ માર્કેટમાં પગદંડો જમાવવાને લઇ રિલાયન્સ અને ફ્યુચરને સુપ્રિમનો મોટો ઝટકો લાગ્યો છે.
આ આ અંગે બજાર વિશ્લેષકોનું કહેવું છે કે એમેઝોન અને રિલાયન્સ વચ્ચેની હરીફાઈ વધુ તીવ્ર બનશે તો સાથે મલ્ટી નેશનલ લેવલની કંપની એમેઝોન એમ કંઈ સરળતાથી ભારતમાંથી ઉંચાળા ન જ ભરે. તો સામે ટોચના ઉધોગપતિ મુકેશ અંબાણી પણ રિટેલ માર્કેટ ક્ષેત્રે પોતાની સ્ટ્રેટેજી વધુ મજબૂત બનાવી રહયા છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાએ રિલાયન્સ અને એમેઝોનની ભારતીય રિટેઈલ માર્કેટમાં હરણફાળ ભરવાની લડાઈમાં એક નવો ટ્વિસ્ટ લાવી દીધો છે.