ભાજપે ત્રણ સાંસદોની ટીકીટ કાપી: ગુજરાતનાં વધુ ચાર ઉમેદવારોના નામોની જાહેરાત કરી
ગુજરાતમાં ૨૩મી એપ્રીલે યોજાનારી લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરાવવાનો પ્રારંભ થઈ ચૂકયો છે. ત્યારે રાજકીય ગૂંચોના કારણે ભાજપ અને કોંગ્રેસ બંને મુખ્ય રાજકીય પક્ષો અનેક બેઠકોપર પોતાના ઉમેદવારો જાહેર કરવામાં ઢીલ રાખી રહ્યા છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસને મજબુત બનાવવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ રાજયસભાના સાંસદ અને રાષ્ટ્રીય કોંગ્રેસના ખજાનચી અહેમદભાઈ પટેલને ભરૂચમાંથી ચૂંટણી લડવા વિનંતી કરી છે. દક્ષિણ ગુજરાતના મુસ્લિમ મતદારો પર ભારે પ્રભુત્વ ધરાવતા અહેમદભાઈ આ બેઠક પર ત્રણ વખત સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે. જો કે, આ અંગે અહેમદભાઈ નિર્ણય બાદ પાર્ટી તેની વિધિવત જાહેરાત કરશે.
પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે આ અંગેની જાહેરાત કરતા જણાવ્યું હતુ કે ગુજરાત કોંગ્રેસે પાર્ટીના વરિષ્ટ કેન્દ્રીય નેતા અહેમદભાઈ પટેલને ભ‚ચ બેઠક પરથી ચૂંટણી લડવા વિનંતી કરી છે. પાર્ટીના નેતાઓ અને કાર્યકરોની લાગણી છે કે અહેમદભાઈ ભરૂચમાંથી લડે તેમના લડવાની આ બેઠક કોંગ્રેસ જીતવા ઉપરાંત ગુજરાતની અનેક બેઠકો પર તેનો પ્રભાવ પડશે તેમણે ઉમેર્યું હતુ આ અંગે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતુ કે અહેમદભાઈ પાર્ટીના લોકપ્રિય વરિષ્ટ નેતા છે તેઓ ભ‚ચ કે દેશની કોઈપણ બેઠક પરથી સરળતાથી ચૂંટાઈ આવે તેવી ક્ષમતા ધરાવે છે. તેઓ નાત, જાત કે સંપ્રદાયના વાડાથી ઉપર હોય સર્વ સમાજના મતદારોમાં સર્વસ્વીકૃત નેતા છે.
ઉલ્લેખનીય છે કે, અહેમદભાઈ પટેલે લોકસભાની ભ‚ચ બેઠક પરથી ૧૯૭૭, ૧૯૮૦ અને ૧૯૮૪માં ચૂંટાય આવ્યા હતા. પરંતુ, ૧૯૯૧માં રાજયમાં ફેલાયેલા હિન્દુત્વના મોજામાં ભાજપના ચંદુભાઈ દેશમુખ સામે હારી ગયા હતા. જે બાદ તેઓ કોંગ્રેસમાંથી રાષ્ટ્રીય કક્ષાએ સક્રિય બનીને લાંબા સમય સુધી સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર તરીકે ફરજ બજાવવા ઉપરાંત ગુજરાતની રાજયસભા બેઠક પર ચૂંટાતા આવ્યા છે. તાજેતરમાં થયેલી રાજયસભાની ચૂંટણીમાં પણ ભારે રસાકસી બાદ બળવંતસિંહ રાજપુત સામે વિજેતા થયા હતા. ગુજરાતમાં ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તા. ૪ એપ્રીલ છે જયારે કોંગ્રેસે ૨૬માંથી તેના ૧૩ ઉમેદવારોની જાહેરાત કરી છે. બાકી રહેલા ૧૩ ઉમેદવારોની એક બે દિવસમાં જાહેરાત થાય તેવી સંભાવના છે.
ભાજપે પણ ગઈકાલે તેના વધુ ઉમેદવારોની જાહેરાત કરી છે જેમાં જૂનાગઢ બેઠક પર સાંસદ રાજેશભાઈ ચુડાસમાની પાટણ બેઠક પર ખેરાલુના ધારાસભ્ય ભરતસિંહ ડાભીની આણંદ બેઠક પર મિતેષ પટેલની છોટાઉદેપૂરની એસટી અનામત બેઠકપર ગીતાબેન રાઠોડની જયારે તાલાલા વિધાનસભાની પેટા ચૂંટણી માટે જશાભાઈ બારડની ટીકીય ફાયનલ કરવામા આવી છે. ભાજપની આ જાહેરાતમાં ત્રણ વર્તમાન સાંસદો, લીલાધર વાઘેલા, રામસિંહ રાઠવા અને દિલીપ પટેલની ટીકીટો કાપી નાખવામાં આવી છે. આ સાથે રાજયમાં ૨૬ બેઠકોમાંથી ૨૩ બેઠકો પર ભાજપે પોતાના ઉમેદવારો જાહેર કરી દીધી છે.