એરપોર્ટ સંચાલનમાં કાઠુ કાઢયા બાદ હવે એર ઈન્ડિયા ઉડાડવા અદાણીને રસ
વર્ષોથી ખોટમાં ઉડી રહેલી એર ઈન્ડિયાને ખાનગી સંસ્થાઓના હવાલે કરવા સરકાર લાંબા સમયથી નજર દોડાવી રહી છે. બીજી તરફ એર ઈન્ડિયા થકી મલાઈદાર નફો કમાવવા માટે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કંપનીઓ પણ મેદાને આવી છે જોકે આ કંપનીઓને એર ઈન્ડિયા ખુબ સસ્તા દરે હસ્તગત કરવી હોય તેવી સ્થિતિ છે. આવા સંજોગોમાં ખોટમાં રહેલી એર ઈન્ડિયાને નવી પાંખો આપવા અદાણી ગ્રુપે પણ ઝંપલાવ્યું હોય તેવું સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ એર ઈન્ડિયા હસ્તગત કરવા માટે અદાણી ગ્રુપ દ્વારા તૈયારીઓ થઈ છે. એર ઈન્ડિયાની નિલામી સમયે અદાણી ગ્રુપ પણ ભાગ લેશે તેવું જાણવા મળે છે. અલબત આ તૈયારી હજુ પ્રારંભિક તબકકામાં જ છે. એકસપ્રેશન ઓફ ઈન્ટ્રેસ્ટ માટે અદાણી ગ્રુપ દ્વારા વિચારણા થઈ રહી હોવાનું જાણવા મળે છે. વર્તમાન સમયે અદાણી ગ્રુપ ઓઈલ, ફુડ, માઈનીંગ અને મીનરલ્સ સહિતનાં સેકટરમાં કામ કરી રહ્યું છે આ સાથે જ એરપોર્ટના સંચાલન અને મેનટેનન્સ બિઝનેસમાં પણ અદાણી ગ્રુુપે ઝંપલાવ્યું હતું. અમદાવાદ, લખનઉ, જયપુર, ગોહાટી, તિરૂવનંતપુરમ અને મેગલોર સહિતના ૬ એરપોર્ટની બીડ પણ મેળવી હતી.
અહીં નોંધનીય છે કે, એર ઈન્ડિયાને ઉડાડવી સરકારને મોંઘી પડી રહી છે. એર ઈન્ડિયાના સંચાલનમાં બેદરકારીના કારણે વર્ષોથી કરોડો રૂપિયાની ખોટ સરકારને જાય છે માટે કોઈ ખાનગી સંસ્થાને એર ઈન્ડિયા સોંપી દેવામાં આવે તેવા પ્રયાસો સરકાર લાંબા સમયથી કરી રહી છે. વર્ષ ૨૦૧૮માં સરકારે એર ઈન્ડિયાને વહેંચવાનો નાકામ પ્રયાસ કર્યો હતો.