Abtak Media Google News
  • અલીબાબા-ચાલીસ ચોર!!
  • એસીબી અને એસઆઈટી સંયુક્તપણે ઊંડી તપાસ આરંભે તો ટીઆરપીના દરવાજાથી માંડી કોર્પોરેશન કચેરી સુધી અનેકને રેલો આવવાની પ્રબળ શક્યતા

અગ્નિકાંડની ગોઝારી ઘટનામાં જયારે 27 લોકો જીવતા ભડથું થયાં હતા. ત્યારે રાજ્ય સરકાર દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી હતી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કોલ આપ્યો હતો કે, જવાબદાર કોઈને પણ છોડવામાં નહિ આવે. એસઆઈટીએ તપાસ શરૂ કરતા અનેક અધિકારીઓની ગુનાહિત લાપરવાહી સામે આવતા સસ્પેન્શનની સાથોસાથ ફોજદારી ફરિયાદો પણ દાખલ કરવામાં આવી હતી. મનપાના ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ ડી સાગઠીયા, એટીપી, ચીફ ફાયર ઓફિસર- ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, એટીપી, ફાયર સ્ટેશન ઓફિસર સહીતના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરાંત સસ્પેન્ડેડ ટીપીઓ સાગઠીયા અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બી જે ઠેબા વિરુદ્ધ એસીબીમાં પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલામાં જયારે હવે સસ્પેન્ડેડ ટીપીઓ સાગઠીયા વિરુદ્ધ એસીબીમાં ગુનો દાખલ કરીને ગાળિયો કસવામાં આવ્યો છે ત્યારે જો ઊંડી તપાસ કરવામાં આવે તો સાગઠીયા સુધી પહોંચેલી આગ અનેક અધિકારીઓ અને પદાધિકારીઓને પણ દઝાડે તેવી પુરેપુરી શક્યતા છે.

જયારે ટીઆરપી ગેમઝોન દુર્ઘટનાની તપાસમાં ટીપીઓ સાગઠીયાને સસ્પેન્ડ કરીને અલગથી બે ગુના નોંધવામાં આવ્યા ત્યારે અનેક અધિકારીઓ અને પદાધિકારીઓના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. સાગઠીયા વિરુદ્ધ જયારે એસીબીએ ગુનો નોંધી તપાસ શરૂ કરી ત્યારે આવક કરતા 410% વધુ સંપત્તિ હોવાનું જાહેર કર્યું ત્યારે કૌભાંડમાં શું ફક્ત સાગઠીયાએ એકલા જ ગઠીયાગીરી કરી હશે કે પછી અન્ય કોઈની પણ સંડોવણી હશે? સંડોવણી હશે તો પણ તે સામે આવશે કે પછી આંખ આડા કાન ધરી દેવામાં આવશે?

હવે આ દિશામાં સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત અનુસાર ભાજપના એક કહેવાતા સુપ્રીમો કે જેમની છાપ ’ગોડફાધર’ જેવી છે તેમની છત્રછાંયા નીચે મનપાની મહત્વની ખુરશી શોભાવતા પદાધિકારીની પણ ભૂંડી ભૂમિકા ખુલી શકે તેમ છે. જો એસીબી અને એસઆઈટી સંયુક્તપણે ઊંડી તપાસ આરંભે તો ટીઆરપીના દરવાજાથી માંડી કોર્પોરેશન કચેરી સુધી અનેકને રેલો આવી શકે તેમ છે. જો કે, સૂત્રો એવુ પણ જણાવી રહ્યા છે કે, તપાસમાં તો અનેક મોટામાથાના પણ નામ સામે આવી શકે છે પણ હવે ’ઠાકર કરે ઈ ઠીક’ જેવો ઘાટ ઘડાઈ ચુક્યો છે.

બીજી બાજુ જયારે સાગઠીયા વિરુદ્ધ એસીબીમાં ગુનો નોંધાયો છે. અગાઉ આવક કરતા 410% વધુ સંપત્તિ મળી આવ્યા બાદ ગઈકાલે જ વધુ 18 કરોડની અપ્રમાણસર મિલ્કત ટ્વીનસ્ટાર કોમ્પ્લેક્ષમાંથી મળી આવી છે. સાથોસાથ કોમ્પ્યુટર અને દસ્તાવેજી પુરાવા પણ મળી આવ્યા છે પણ સા’ગઠીયા’ની ગઠીયાગીરી સમાન અનેક દસ્તાવેજી પુરાવા ટીઆરપી ગેમઝોન નજીક એકાદ મકાનમાં છુપાવી દેવામાં આવ્યા હોય તેવું સૂત્રો જણાવી રહ્યા છે.

એક ગણગણાટ એવો પણ છે કે, જે રોકડ રકમ અને સોના-ચાંદી-ડાયમંડના દાગીના મળી આવ્યા છે તેટલી જ અથવા તેનાથી પણ વધુનો કુબેરનો ભંડાર એક ગોર મારાજના ઘરે સંતાડી દેવામાં આવ્યો છે. જો કે, આ તમામ વાતોનો ગણગણાટ જાણકારો અને લોકમુખે છે જે સૂત્રો જણાવી રહ્યા છે હવે આ તમામ બાબતોના કેટલું તથ્ય છે તે તો ઊંડી તપાસ થાય તો જ સ્પષ્ટ થઇ શકે ટર્મ છે.

ગાંધીજી જેવું નામ ધરાવતા વિસ્તારમાં રહેતા એક સરકારી કર્મચારી પણ શંકાના દાયરામાં

ટીપીઓ સાગઠીયા એકલો પાપનો ભાગીદાર ન હતો. તે અનેક સરકારી કર્મચારીઓને સાથે રાખી મોટા નેતાઓના ઈશારે ભ્રસ્ટાચાર આચરવામાં આવતો હતો. ત્યારે ટાઉન પ્લાનિંગ સાથે સંકળાયેલ અને સાગઠીયાના વિશ્વાસુ તેમજ તદ્દન યુવાન કર્મચારીએ રાતોરાત મોટો શો રૂમ, બંગલો અને ફ્લેટ ખરીદી લેતા સ્થાનિકોમાં પણ પૈસા ક્યાંથી આવ્યા હશે તેવો ગણ ગણાટ છે. જો તપાસ એજન્સી ગાંધીજી જેવું નામ ધરાવતા વિસ્તારમાં રહેતા સરકારી કર્મચારીની તપાસ કરવામાં આવે તો તેની પાસેથી પણ મોટી અપ્રમાણસર મિલ્કત તો મળી જ આવશે સાથોસાથ સાગઠીયા મના ભ્રસ્ટાચારના પણ પુરાવા મળી શકે તેમ છે.

ગેમઝોનમાં સારા એવા હોદા શોભાવતા નેતાઓની હાજરીમાં શરાબની મહેફિલો મંડાતી?

સૂત્રો એવુ જણાવી રહ્યા છે કે, ટીઆરપી ગેમઝોનમાં ફક્ત ગેમ રમાતી હતી એવુ ન હતું. તેની સાથોસાથ ટીઆરપીમાં શરાબની મહેફિલ મંડાતી અને આ મહેફિલમાં સારા એવા હોદા ધરાવતા નેતાઓ પણ હાજર રહીને છાંટાપાણીનો લાભ લેતા હતા. આ તમામ ઘટનાક્રમથી સ્થાનિકો વાકેફ છે સૂત્રો એવુ પણ જણાવી રહ્યા છે. જો કે, હાલ સુધીમાં આ દિશામાં પોલીસ દ્વારા કોઈ વિગત અપાઈ નથી.

ઊંડી તપાસ થાય તો અનેક પદાધિકારીઓના રોટલા અભડાય અને ખુરશી છીનવાય તેવો ઘાટ!!

ટીઆરપી ગેમઝોનનો હવામહેલ જેવો હજીરો ગેરકાયદે હોવા છતાં હવામાં લટકતો રહેવા દેવામાં આવ્યો હતો. આ બાંધકામ ગેરકાયદે હતો તેમ છતાં નોટીસ આપવા સિવાય કોઈ કાર્યવાહી કરાઈ ન હતી. ફાયર એનઓસી પણ ન હતી તેમ છતાં આંખ આડા કાન ધરી દેવામાં આવ્યા હતા. આ બધું એસઆઈટીની તપાસમાં ખુલ્યું અને જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરી ફોજદારી પગલાં પણ લેવામાં આવ્યા પરંતુ આ કૃત્ય ફક્ત અધિકારીઓનું હતું એવુ સહેજ પણ ન હતું. આ તમામ ઘટનાક્રમમાં અનેક પદાધિકારીઓની પણ ભૂમિકા અત્યંત ભૂંડી હતી. પદાધિકારીઓની ભૂમિકા – ભલામણ અને ભાગ બટ્ટાઈ પર ધ્યાન કેન્દ્રિત થાય તો અનેકના રોટલા અભળાય અને ખુરશી છીનવાય જેવો ઘાટ ઘડાયો છે.

સા‘ગઠીયા’નું ‘રૂડા’ એવા નગર સાથે જબરૂં કનેક્શન

સસ્પેન્ડેડ ટીપીઓ સાગઠીયાનું ટીઆરપી ગેમઝોન નજીક આવેલ એક રૂડા એવા નગર સાથે જબરું કનેક્શન હોય તેવું સૂત્રો જણાવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અગાઉ સાગઠીયા સાથે કામ કરી ચૂકેલા એક કર્મચારીના ઘરે સાગઠીયાના બેનામી વ્યવહારના પુરાવાઓ સંતાડી દેવામાં આવ્યા છે. એકસમયે સાગઠીયાના અત્યંત વિશ્વાસુ ગણાતા અને નિવૃત થઇ ગયેલા કર્મચારીના ઘરે દસ્તાવેજી પુરાવા અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો છુપાવવામાં આવ્યા હોય તેવું સૂત્રો જણાવી રહ્યા છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.