સમાજે અસ્પૃશ્ય ગણેલી માસીઓ હવે ‘દાદા’ બની જશે
કિન્નરોને કાયદાની મળેલી સ્વીકૃતિને સમાજ સ્વીકારી શકશે
એક સમયે સમાજમાં ‘કિન્નરો’ એટલે કે માસીઓને અશ્પૃશ્ય ગણવામાં આવતી હતી કુદરતે તેમને નર કે નારી ન બનાવીને તેના પૂર્વજન્મના પાપોની સજ આપી હોવાની માન્યતા સાથે સમાજ કિન્નરો સાથે હિન્ન અને ધૃણાની નજરે જોતા હતા જેના કારણે કિન્નરોને અભ્યાસથી માંડીને ધંધો વ્યવસાય કે નોકરી પણ કરવાની છૂટ આપવામાં આવતી ન હતી જેથી અત્યાર સુધી કિન્નરોએ સમાજમાંથી માંગીને પોતાનું જીવન ગુજરાન ચલાવવું પડતુ હતુ પરંતુ હવે કિન્નરોમાં આવેલી જાગૃત્તિના કારણે સરકારે તેમને સમાજમાં સમાન હકક આપવાનો પ્રારંભ કર્યો છે. જેના ભાગરૂ પે ચાલુ વર્ષનાં અંતે યોજાનારી કેન્દ્રીય પોલીસ દળની પરીક્ષામાં કિન્નરો પણ ઉમેદવારી નોંધાવી શકશે. જેથી સમાજે અશ્પૃશ્ય ગણેલી માસીઓ હવે પોલીસ ‘દાદ’ બની શકશે.
સદીઓથી સમાજમાં તિરસ્કૃત રહેલા કિન્નરો અત્યાર સુધી સમાજની દયાની પર અલગ સ્થાને રહીને જીવતા હતા અને લોકો પાસેથી માંગીને પોતાનું ગુજરાન ચલાવતા હતા પરંતુ વિશ્ર્વના અન્ય દેશોમાં કિન્નરોને સમાજમાં સમાન સ્થાન અપાતું હોય ભારતના કિન્નરોએ પણ પોતાના હકક માટે અવાજ ઉઠાવ્યો હતો. જેથી કેન્દ્ર સરકારે ગત વર્ષના ડીસેમ્બર માસમાં ટ્રાન્સજેન્ડર પર્સન (પ્રોટેકશન ઓફ રાઈટસ) ૨૦૧૯ કાયદો બનાવ્યો હતો. આ કાયદા મુજબ ટ્રાન્સજેન્ડર એટલે કે કિન્નરો સાથે અભ્યાસ, નોકરી, આરોગ્ય રહેઠાણ, મિલકત વસાવવા સહિતના હકક અન્ય લિંગના લોકો જેટલા આપવામાં આવ્યા હતા આવા હકકોમાં કિન્નરો સાથે ભેદભાવ કરવો આ કાયદાના ભંગ બદલ સજાપાત્ર ગુન્હો ગણવામાં આવ્યો છે.
કિન્નો હવે સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાઈ શકે તે માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ચાલુ વર્ષનાં અંતે યોજાનારી કેન્દ્રીય પોલીસ દળની આસીસ્ટન્ટ કમાન્ડન્ટની પરીક્ષામાં ટ્રાન્સજેન્ડર પણ ઉમેદવારી નોંધાવી શકશેનો નિર્ણય કર્યો છે. જે માટે ગૃહ મંત્રાલયે ૨૦મી એપ્રિલે એક પરિપત્ર કરીને આ પરિક્ષા અને પોલીસ દળની આગામી તમામ પરિક્ષાઓનાં નિયમોમાં ફેરફાર કરવાનો તથા ઉમેદવારી ફોર્મમાં ટ્રાન્સજેન્ડર માટે ત્રીજી કેટેગરી બનાવવાની સૂચના અપાઈ છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય પોલીસ દળ બીએસએફ, સીઆરપીએફ, આઈટીબીપી, સીઆઈએસએફ અને એસએસબીમાં આસીસટન્ટ કમાન્ડન્ટ માટે આ પરિક્ષા યોજાનારી છે. જોકે, ગૃહમંત્રાલયના આ નિર્ણય અંગે બીએસએફે તુરંત હકારાત્મક પ્રતિભાવો આપ્યા હતા. જયારે સીઆરપીએફ, આઈટીબીટી, એસએમબી અને સીઆઈએસએફના સહિતના દળોએ ૩૦ જૂન સુધી ગૃહ મંત્રાલયને આ મુદે કોઈ પ્રતિભાવો આપ્યા નહતા જેથી ગઈકાલે ગૃહમંત્રાલય પ્રતિભાવો આપનારી દળોને રિમાન્ડર લખીને આ અંગેના પ્રતિભાવો આપવા તાકિદ કરી છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય પેરામીલીટરી ફોર્સમાં ૧૦ લાખ જવાનો ફરજ બજાવે છે. આ પહેલા છતીસગઢક સરકારે ગત વર્ષે તેમના પોલીસ દળમાં કિન્નરોને ઉમેદવારી કરવા માટે તક આપી હતી આ પહેલા વર્ષે ૨૦૧૭માં તામિલનાડુમાં કે.પ્રાથીકા યાસીની નામના કિન્નર દેશના પ્રથમ પોલીસ સબ ઈન્સ્પેકટર બન્યા હતા તેમને પણ આ નોકરી મેળવવા માટે ન્યાય તંત્રનો સહારો લેવો પડયો હતો.