આજે અને આવતીકાલે બંગાળ, ઓરિસ્સા, અંદામાન, કેરલ સહિત દેશનાં અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના
કોરોના વાયરસ સામે ઝઝુમી રહેલા ભારત સામે બંગાળની ખાડીમાં ઉદભવેલા એમ્ફાન વાવાઝોડાએ વધુ એક પડકારજનક પરિસ્થિતિ ઉભી કરી છે. એમ્ફાન ચક્રવાત આગામી ૧૨ કલાકમાં ભયંકર સ્વરૂપ ધારણ કરશે અને આગામી તા.૨૦મીની સાંજ સુધીમાં બંગાળના દીધા અને હાનીયા ટાપુઓ પર ટકરાવવાની આગાહી વ્યકત થઈ છે. આ વાવાઝોડુ ૧૫૫ થી ૧૬૬ કિમીની ગતિએ આગળ વધી રહ્યાનું અને ચરમસીમાએ પહોંચતા સુધીમાં તેની ગતિ ૧૮૫ કિમી થઈ જવાની સંભાવના હોય બંગાળમાં ભારે તારાજી સર્જશે તેમ મનાઈ રહ્યું છે. ગઈકાલથી સતત તીવ્ર બની રહેલા આ વાવાઝોડાનાં કારણે આંદામાન અને ઓરિસ્સાનાં દરિયાકાંઠાનાં વિસ્તારોમાં આંધી સાથે ભારે પવન અને વરસાદ પડયો હતો. જોકે, આ વાવાઝોડાનાં કારણે દેશમાં ચોમાસાની ગતિવિધિ જવા પામી છે. આજે અને કાલે બંગાળ, ઓરિસ્સા, અંદામાન, કેરલ સહિત દેશનાં અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
કેન્દ્રીય ગૃહસચિવ અજય ભલ્લાએ પશ્ર્ચિમ બંગાળ અને ઓરિસ્સાના મુખ્ય સચિવો રાજીવ સિન્હા અને આશિત ત્રિપાઠીને પત્ર લખીને વાવાઝોડા સામે તમામ વ્યવસ્થાનાં નિર્દેશો આપ્યા હતા. ભારતીય હવામાન વિભાગે અમ્ફાનનાં પગલે ૨૦મી મે સુધી પશ્ર્ચિમ બંગાળ અને ઓરિસ્સાના માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપી દીધી છે. રાજયનાં પૂર્વ કાઠાળ વિસ્તારમાં વાવાઝોડાની શકયતાનાં પગલે રેલવેએ પણ ભુનેશ્ર્વર, ખડકપુર રૂટની ટ્રેનો રદ કરવાનું નકકી કર્યું હતું. બંગાળની ખાડીમાંથી ઉદભવેલું આ વાવાઝોડુ દાયકાઓનું સૌથી ભયાનક વાવાઝોડુ બનવાની સંભાવના છે. એનડીઆરએફનાં મુખ્ય એસ.એન.પ્રધાને જણાવ્યું હતું કે, ડિઝાસ્ટર મેનેજમેન્ટે આ વાવાઝોડાને હળવાશથી લીધુ નથી. અમ્ફાન દાયકાનું આ સૌથી ભયાનક વાવાઝોડુ બની રહ્યું છે. આજે અને આવતીકાલે પ.બંગાળનાં દરિયાકાંઠા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને મોટી તારાજીની દહેશત ભારતીય હવામાન વિભાગનાં મહાનિર્દેશક એમ મહાપાત્રાએ વ્યકત કરી હતી. તંત્ર માટે કોરોનાની કટોકટી વચ્ચે આ વાવાઝોડુ બેવડો પડકાર બની રહ્યું છે. નબળા મકાનો, રેલવેના પાટા અને વીજલાઈનો આ વાવાઝોડુ ઉખાડી ફેંકે તેવી દહેશત વ્યકત કરવામાં આવી છે. પૂર્વ મહિનાપુર જીલ્લામાં ૩ થી ૪ મીટર ઉંચા મોજા ઉછળ્યા હતા. ઓરિસ્સામાં ૧૩ ટીમો તૈનાત કરવામાં આવી છે અને ૧૭ ટીમોને સાબદી રખાઈ છે. પ.બંગાળમાં એનડીઆરએફએ ૧૯ ટીમો તૈનાત કરી ૪ને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ભારે પવનની સાથે અતિભારે વરસાદની આગાહી ભુવનેશ્ર્વર હવામાન વિભાગે કરી છે. અમે પરિસ્થિતિને પર ૨૪ કલાકની નજર રાખી કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા મુખ્ય સચિવ રાજીવ સિન્હા, ગૃહસચિવ અલ્યન બદોપાધ્યાય અને ડિઝાસ્ટર મેનેજમેન્ટનાં મુખ્ય સચિવ વચ્ચે સતત સંકલન ઉભુ કરવામાં આવ્યું છે. આંધ્રપ્રદેશ શ્રી કાકલમ કલેકટર કચેરી ખાતે કંટ્રોલરૂમ ઉભો કરવામાં આવ્યો છે. તમામ જહાજોને પોર્ટ પર સલામત રીતે લાંગરી લેવામાં આવ્યા છે અને પોર્ટ દ્વારા તમામ માટે પીવાનું પાણી, જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ વાવાઝોડુ જગતસિંગપુર, કેન્દ્રપાડા, ભદક અને ઉતર ઓરિસ્સાનાં વિસ્તારોમાં પણ અસર કરશે. એનડીઆરએફએ ઓરિસ્સા, પં.બંગાળ સરકારને સાબદે કર્યું છે. ૧૯૯૯માં ઓરિસ્સાને ધમરોળનાર મહાવાવાઝોડા પછી અમ્ફાન બીજુ ભયાનક ચક્રવાત બનીને આવતીકાલ સુધીમાં ત્રાટકનારું દરિયામાં તોફાન સાથે ઉતર મહિનાપુર, ૨૪ પટગણા, હાવરા, ફીગલીમાં ૧૨૦ થી ૧૩૦ કિમીની ઝડપે પવન અને બુધવારે બપોર પછી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ૨૦૦૯માં સુંદરવનમાં ત્રાટકેલા વાવાઝોડા જેમ જ અમ્ફાન પણ હાહાકાર મચાવે તેવી દહેશત વ્યકત કરવામાં આવી છે. પશ્ર્ચિમ બંગાળ અને ઓરિસ્સા સરકારોએ વાવાઝોડા સામે સંભવિત તમામ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સાબદે કરવામાં આવ્યું છે. આગામી ૨૪ કલાકમાં વાવાઝોડુ ત્રાટકે તે પહેલા પં.બંગાળ સરકારે દક્ષિણ ચોવિસ પટગણા, ઉતર ચોવિસ પટગણા, પૂર્વ-પશ્ર્ચિમ મહિનાપુર, હાવરા અને ઉગલીમાં સેના તૈનાત કરી દીધી છે. ૧૨.૫ ઉતર વિષૃવવૃત અને ૮૬.૪ અક્ષાંક્ષવૃત પર પ્રદિપથી દક્ષિણે ૮૭ કિમી દુર અમ્ફાન કેન્દ્રિત થયું છે. માછીમારોને દરિયો ન ખેડવા તાકિદ કરી દેવામાં આવી છે. તામિલનાડુના રામેશ્ર્વરમાં પણ દરિયાકાંઠે ૨ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે અને ભારે વરસાદના કારણે ૫૦ જેટલી માછીમારોની હોડીઓને નુકસાન થયું હતું. બંગાળની ખાડીમાં બપોરે ૨:૩૦ વાગ્યે આ વાવાઝોડુ ત્રાટકે અને આગામી ૧૨ કલાક ભારે તોફાન મચાવે તેવી આગાહી કરવામાં આવી છે. આ ચક્રવાત પં.બંગાળનાં ડિઘા અને બાંગ્લાદેશના હાતીયા ટાપુ વચ્ચે આગળ વધી રહ્યું છે. ૨૦મી મે સુધીમાં ૧૫૫ થી ૧૬૫ કિમીની ગતિ સાથે આ વાવાઝોડુ વિકરાળરૂપ ધારણ કરી ઓરિસ્સાનાં કાંઠાળા વિસ્તારને ધમરોળશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગૃહવિભાગની ઉચ્ચ સ્તરીય બેઠકો ગૃહમંત્રી અમિતભાઈ શાહની હાજરીમાં યોજી હતી. હવામાન વિભાગે ઓરિસ્સા, હિમાલય, પં.બંગાળ, સિકિકમ, આસામ અને મેઘાલયને ૨૧મી મે સુધીમાં ધમરોળી નાખે તેવી આગાહી કરવામાં આવી છે. રાષ્ટ્રીય હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ અમ્ફાન ભારે પ્રચંડ રીતે પં.બંગાળ, ઓરિસ્સામાં ત્રાટકશે. તમામ સંભવિત ખતરાવાળા વિસ્તારોમાંથી મોટાપાયે લોકોને સલામત સ્થળે ખસેડવાની કવાયત ચાલી રહી છે. ૨૩૦ થી ૨૬૫ કિમી સુધીની ઝડપે ત્રાટકનાર આ ચક્રવાત આગામી ૨૦મી પછી આપમેળે દરિયામાં સમાઈ જશે.
રેલવેએ પણ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયારીઓ કરી લીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહ મંત્રાલય, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિતની સંસ્થાઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. ઈસ્ટ કોસ્ટલ રેલવે, ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, કરદ રોડ અને સંબલપુરમાં રેલવે તંત્ર એલર્ટ બન્યું છે. જોકે, અમ્ફાન વાવાઝોડુ ભારે તારાજી સર્જવાની સાથે દેશમાં વહેલો વરસાદ લાવનારો સાબિત થશે.