કંપની ઉપર 22 લાખ કરોડનું દેવું, હવે નદાર જાહેર થવાની તૈયારીમાં : 16 લાખ એપાર્ટમેન્ટ વેચાવામાં પેન્ડિંગ
વિશ્વની બીજી સૌથી મોટી અર્થ વ્યવસ્થા ઉપર માત્ર એક કંપનીના કારણે જોખમ ઉભું થયું : ભારતે પણ ચેતવા જેવું
અબતક, નવી દિલ્હી :
ચીની રિયલ એસ્ટેટ કંપની એવરગ્રાન્ડે નાદારીના ભયને કારણે લગભગ સમગ્ર વિશ્વના શેરબજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ કંપનીના નાદાર થવાની અસર વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા સાથે વિશ્વભરમાં માર્કેટ પડવાનો ભય ઉદ્દભવીત થઇ રહ્યો છે.
એવરગ્રાન્ડ ઉપર લગભગ 300 અબજ ડોલરનું મોટું દેવું છે. એવરગ્રાન્ડે પહેલા તો આ હકીકત છુપાવી રાખી અને કહેતા રહ્યા કે તેની બેલેન્સશીટ મજબૂત છે. જો કે વાત હાથમાંથી નીકળી ગયા પછી તેણે સ્વીકાર્યું કે તેની પાસે 300 અબજ ડોલરનું દેવું છે અને કંપની તેની ચૂકવણી કરવામાં અસમર્થ છે. ભારતીય રૂપિયામાં આ રકમ લગભગ 22 લાખ કરોડ રૂપિયા જેટલી થાય. આ રકમ વિશ્વના ઘણા દેશોના કુલ જીડીપી કરતા પણ વધારે છે.
એક નિષ્ણાતે કહ્યું કે જો એવરગ્રાન્ડ જેવી મોટી કંપની ડિફોલ્ટ થાય તો તેની અસર ચીનના સમગ્ર રિયલ એસ્ટેટ ક્ષેત્ર પર પડી શકે છે.આ સાથે અન્ય તમામ ક્ષેત્રોના વિકાસને પણ ધીમો કરી શકે છે. વૈશ્વિક સ્તરે આ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે કારણ કે ચીન વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. જો ત્યાં કંઈક થાય છે તો તેની અસર સમગ્ર વિશ્વના અર્થતંત્ર પર પડશે આજ સ્થિતિમાં કોરોનાના સમયમાં જોવા મળી હતી.
એવરગ્રાન્ડે ચીનની સૌથી મોટી રિયલ એસ્ટેટ કંપનીઓમાંની એક છે. તેની સ્થાપના 1996 માં ગુઆંગઝોઉ શહેરમાં થઈ હતી. એક સમયે આ વિશાળ કંપની ચીનના રિયલ એસ્ટેટ ઉદ્યોગનો ચહેરો હતી. તેણે ચીનના લગભગ 280 શહેરોમાં કરોડો લોકોને રહેવાનું સપનું પૂરું કર્યું છે પરંતુ હવે તેના પર 300 અબજ ડોલરનું દેવું છે જેણે તેના શેરની કિંમત, ક્રેડિટ રેટિંગ અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું છે.
એવરગ્રાન્ડ સાથે સંકળાયેલા ઘણા ચીની લોકો પણ ડૂબવાના આરે આવ્યા છે. તેના કારણે શેનઝેન શહેરમાં સ્થિત એવરગ્રાન્ડેની ઓફિસની બહાર મોટી સંખ્યામાં લોકોએ વિરોધ કર્યો હતો. પ્રદર્શનમાં એવરગ્રાન્ડેના કર્મચારીઓ, એજન્ટો, રોકાણકારો અને કોન્ટ્રાક્ટરોનો સમાવેશ થાય છે. એવરગ્રાન્ડેની નાદારી હવે ચોક્કસ લાગે છે. આવી સ્થિતિમાં ચીન અને હોંગકોંગની અન્ય રિયલ એસ્ટેટ કંપનીઓ હવે ભારે દબાણ હેઠળ જોવા મળી રહી છે કારણ કે એવરગ્રાન્ડનું ડૂબવું વર્ષોથી રિયલ એસ્ટેટ માર્કેટને મોટો ફટકો આપવા જઈ રહ્યું છે.
માઠી અસરથી બચવા ચીને બજારમાં 14 અબજ ડોલર ઠાલવ્યા
એવરગ્રાન્ડની સંભવિત કટોકટીને પારખી ચીને તેના બેન્કિંગ સિસ્ટમમાં 14 અબજ ડોલરની રોકડ ઠાલવી છે. આ કવાયતનો ઉદ્દેશ્ય એવરગ્રાન્ડ જો દેવાળુ ફૂંકે તો તેની પ્રતિકુળ અસરોને ટાળવાનો છે. પીપલ્સ બેન્ક ઓફ ચાઇનાને શુક્રવારે સાત દિવસ અને 14 દિવસના રિવર્સ પર્ચેઝ એગ્રીમેન્ટ્સ મારફતે 90 અબજ યુઆન એટલે કે લગભગ 14 અબજ ડોલરની રકમ ઠાલવી છે, જે ફેબુ્રઆરી બાદ સૌથી વધારે છે. ઉપરાંત બેન્કે આજે પહેલીવાર ચાલુ મહિને એક જ દિવસમાં બેન્કિંગ સિસ્ટમમાં 10 અબજ યુઆનની શોર્ટ ટર્મ લિક્વિડિટી વધારી છે.
દુબઈએ પણ કરી ભૂલ : ઈન્ફ્રાસ્ટ્રક્ચર બેફામ ડેવલપ કર્યું, પણ લેવાલ નથી મળતું
દુબઈએ પણ ચીની કંપની જેવી જ ભુલ કરી છે. દુબઇએ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું સમજ્યા વિચાર્યા વગર જ બેફામ ડેવલપમેન્ટ કરી નાખ્યું છે. હવે પ્રશ્ન એ થયો કે જેટલું ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ થયું છે. હકીકતમાં તેટલો પરચેસ પાવર ન હતો. અંતે પરિણામ એ મળ્યું કે પ્રોપર્ટી વેચવાના પુરજોશમાં પ્રયાસો થઈ રહ્યા છે પણ કોઈ લેવા વાળું મળતું નથી. હવે દુબઇએ આ પ્રશ્નને હલ કરવા એક્સપોનું આયોજન કર્યું છે. સાથે એવી યોજના પણ જાહેર કરી છે કે પ્રોપર્ટી ખરીદનારને વિઝામાં પણ ખૂબ રાહત આપવામાં આવનાર છે.