આજે યોજાનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિન્ડીકેટની બેઠકમાં લેવાશે નિર્ણય
આજથી યુનિવર્સિટી ૧૦૦ ટકા કર્મચારીઓ સાથે ધમધમશે, વહીવટી કામ શરૂ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા સમયથી પ્લેસમેન્ટ કર્મચારીઓનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે આજે બપોરે ૫ કલાકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ દ્વારા તાબડતોબ સિન્ડીકેટની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરજ બજાવતા ૪૦૦ કર્મચારીઓને એજન્સીમાં મુકવા કે, યુનિવર્સિટીના પ્લેટમેન્ટ વિભાગમાં જ રાખવા તે અંગે નિર્ણય કરવામાં આવશે. આ એક મુદ્દાને લઈ આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિન્ડીકેટની બેઠક મળશે. સાથો સાથ બીજી બાજુ આજથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તમામ ભવનોમાં ટીચીંગ અને નોન ટીચીંગ સ્ટાફ સાથે ૧૦૦ ટકા કર્મચારીઓ હાજર રહ્યાં હતા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું વહીવટી ફરી કામ પાટે ચડયું હતું.
મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અગાઉ ઘણા સમયથી પ્લેસમેન્ટ કર્મચારીઓનો વિવાદ ચાલી રહ્યો છે. સૌપ્રથમ પ્લેસમેન્ટ કર્મચારીઓને યુનિવર્સિટીના પ્લેસમેન્ટ વિભાગ દ્વારા રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ વિવાદ થતાં એજન્સીમાં મુકાયા હતા. જો કે, તે બાદ નિર્ણય ફરીથી લેવાતા તેઓને પ્લેસમેન્ટમાં મુકવામાં આવ્યા હતા.
જો કે, અગાઉ યુનિવર્સિટીના પાંચ પ્લેસમેન્ટ કર્મચારીઓ કોર્ટમાં રીટ દાખલ કરતા ફરી વિવાદ સર્જાયો હતો અને ત્યારબાદ યુનિવર્સિટીના અધિકારીઓ દ્વારા કર્મચારીઓને પ્લેસમેન્ટમાં રાખવા કે એજન્સીમાં રાખવા તે અંગે અસમંજસ થઈ હતી. જે મામલે વકીલ ડો.જી.આર.ઠક્કર અને નરેન્દ્ર દવેનો રિપોર્ટ આવી જતાં આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડીકેટ બેઠક મળવાની છે જેમાં રિપોર્ટ ખોલ્યા બાદ સિન્ડીકેટ સભ્યો નક્કી કરશે કે, કર્મચારીઓને યુનિવર્સિટીમાં રાખવા કે એજન્સીમાં ?
બીજીબાજુ લોકડાઉન દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ૩૩ ટકા કર્મચારીઓ સાથે કામ ચલાવવામાં આવતું હતું. જો કે રાજ્ય સરકારના પરિપત્ર બાદ આજથી યુનિવર્સિટીમાં ૧૦૦ ટકા કર્મચારીઓ સાથે વહીવટી કામ શરૂ કરવામાં આવ્યું છે. જો કે, આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપ કુલપતિ વિજય દેસાણીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મુલાકાતીઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ રાખવામાં આવ્યો છે.
આ ઉપરાંત કચેરીમાં સોશિટલ ડિસ્ટન્સ અને અન્ય ધોરણસરની કાર્ય પધ્ધતિનું ચુસ્તપણે પાલન કરવા ટીચીંગ અને નોન ટીચીંગ સ્ટાફને સુચન કરી દેવાયું છે અને ક્ધટેઈનમેન્ટ ઝોનમાં રહેતા કર્મચારીઓને અધિકારીઓને વર્ક ફ્રોમ હોમ કરવાનો આદેશ અપાયો છે.