- રાજકોટ એઇમ્સનું સુવર્ણ સપનું રોળવાઇ રહ્યું છે?
- કોંગ્રેસ મહિલા અગ્રણી ગાયત્રીબા વાઘેલાએ રાજકોટ એઇમ્સના વિવિધ પ્રશ્ર્નોને લઇ ચિંતા વ્યક્ત કરી: એઇમ્સના પ્રશ્ર્નોને લઇ મુખ્યમંત્રી અને રાજકોટ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરાય
રાજકોટ એઇમ્સ હોસ્પિટલ સૌરાષ્ટ્ર અને ગુજરાતની જનતા માટે આશિર્વાદરૂપ સમાન છે. પરંતુ ક્યાકને ક્યાક રાજકોટ એઇમ્સને કોઇકની નજર લાગી ગઇ હોય તેમ એઇમ્સનું ડ્રીમ સ્વપ્ન રોળવાઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટ સ્થિત આવેલ એઇમ્સ સૌરાષ્ટ્રવાસીઓ માટે મહત્વનું છે.
પરંતુ હાલની સ્થિતિ જોતા ધણીધોરી વગરનું બની ગયેલું એઇમ્સ લોકોના સ્વાસ્થ્યને પીડા ઉભી કરશે? તે પ્રશ્ર્ન છે. રાજકોટ એઇમ્સના વિવિધ પ્રશ્ર્નોને લઇ કોંગ્રેસ મહિલા અગ્રણી ગાયત્રીબા વાઘેલાએ ચિંતા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે એઇમ્સ હોસ્પિટલમાં બાંધકામથી માંડીને વહિવટી કામગીરી સુધીની અનેક ખામીઓ જોવા મળી રહી છે. કેન્દ્રના અમલદાર શાહી વ્યવસ્થાના કારણે આગામી પાંચ વર્ષ સુધી એઇમ્સ સંપૂર્ણ સાકાર થઇ શકે તેવું લાગતું નથી જેના કારણે સૌરાષ્ટ્રના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને હજુપણ સુવિધાઓ માટે રાહ જોવી પડશે. અધૂરા બાંધકામ અને અધૂરી સુવિધાઓ સાથે શરૂ થયેલા પ્રોજેક્ટના નિર્માણમાં ટેન્ડરની શરતો મુજબના સમયગાળામાં જ ભ્રષ્ટાચાર, નબળી ગુણવત્તા અને કામ પૂર્ણ ન થવાના કારણે અનેક ફરિયાદો ઉઠી રહી છે તેમજ એઇમ્સના વહિવટમાં ભ્રષ્ટાચાર અને ભરતીમાં પણ ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી છે. માટે એઇમ્સની કાર્યપધ્ધતિ સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
ગુજરાતની જનતાને સારી અને જરૂરી તબીબી સેવાઓ પૂરી પાડવાના વિઝન સાથે એઇમ્સ હોસ્પિટલનો વિકાસ થયો નથી. બિનજરૂરી ભરતી, સરકારી સંશાધનોના બિન કાર્યક્ષમ ઉપયોગને પરિણામે સૌરાષ્ટ્ર અને ગુજરાતની જનતા સારા જાહેર પ્રોજેક્ટને સમય મર્યાદામાં પૂર્ણ થાય તેની રાહ જોઇ રહ્યા છે અને આના માટે એઇમ્સ હોસ્પિટલને લઇ સરકાર તાકીદે યોગ્ય પગલાં લેવી મારી માંગ છે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ મહિલા અગ્રણી ગાયત્રીબા વાઘેલાએ રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યસભાના સાંસદ શક્તિસિંહજી ગોહિલ અને રાજકોટ જિલ્લા કલેક્ટરને આ અંગે લેખિતમાં રજૂઆત કરી તમામ પ્રશ્ર્નોનું યોગ્ય નિવારણ લાવવા માંગ કરી છે.
કોંગ્રેસ મહિલા અગ્રણી ગાયત્રીબાના એઇમ્સને સણસણતા સવાલ
- એઇમ્સ હોસ્પિટલનું નિર્માણકાર્ય ધીમી ગતિએ ચાલી રહ્યું છે, ટેન્ડરોની શરતો મુજબ વર્ક એજન્સી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા અને જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવા માંગ
- કોન્ટ્રાક્ટરની 85 થી 87 ટકા રકમનું નોંધપાત્ર ભંડોળ વર્ક એજન્સીને ફાળવવા છતાં બાંધકામમાં વિલંબ તેના કારણો જણાવો અને કાર્યવાહી કરો.
- એઇમ્સના બાંધકામની નબળી ગુણવત્તા અંગે સરકારે સુધારાત્મક પગલાં લીધા છે, આ મામલે તપાસ કરી સ્પષ્ટતા કરવી.
- એઇમ્સના કેમ્પસમાં સેન્ટ્રલાઇઝ એર ક્ધડીશનીંગ સિસ્ટમ છે પરંતુ તેમાં વારંવાર ખામી સર્જાય તેના જવાબદાર કોણ
- એઇમ્સ હોસ્પિટલમાં પાર્કિંગ વિસ્તાર હોસ્પિટલની ઇમારતથી દૂર હોય ઇમરજર્ન્સીં આવતા દર્દીઓને મુશ્કેલી સર્જાય તેની યોગ્ય વ્યવસ્થા કરવી.
- એઇમ્સ હોસ્પિટલને ચાર વર્ષ બાદ પણ સુપર સ્પેશ્યાલીસ્ટ સેવાઓ વચન મુજબ શરૂ થઇ નથી તો આ સેવા ક્યારે શરૂ થશે.
- રાજકોટ શહેરથી એઇમ્સ દૂર હોય દર્દીઓના સગાના એઇમ્સ હોસ્પિટલમાં રહેવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે.
- એન્ડોસ્કોપી અને સીટી સ્કેન મશીન જેવી આવશ્યક નિદાન સુવિધાઓનો હજુ અભાવ છે તેને દૂર કરવા તાત્કાલિક પગલાં લ્યો.
- હોસ્પિટલમાં વરિષ્ઠ ડોક્ટરો અને તબીબી સ્ટાફની ભારે અછત છે જેથી સારવારમાં વિલંબ થાય છે.
- એઇમ્સના સુપર સ્પેશ્યાલીસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવા છતાં વહિવટી સમજદારીના અભાવે નર્સિંગ સ્ટાફ વધુ પડતો કેમ દર્શાવવામાં આવે છે.
- એઇમ્સ રાજકોટ માટે અદ્યતન ફેકલ્ટી રીક્રૂટમેન્ટ ફોર એઇમ્સ રાજકોટની ભરતીના 7-ડિસેમ્બર, 2024ના રોજ સત્તાવાર વેબસાઇટ પર સૂચિત કરવામાં આવેલા પરિણામ અને મળેલી માહિતી પ્રમાણે ડો.વિક્રમ વર્ધનને એનેસ્થેસિયોલોજી વિભાગમાં પ્રોફેસરની પોસ્ટ માટે પસંદ કરવામાં આવ્યા હતા. તેઓ હાલ એઇમ્સ ગોરખપુરમાં ફરજ બજાવી રહ્યા છે. જો કે સીસીએસ નિયમ મુજબ સરકારી કર્મચારીઓએ ઇન્ટરવ્યૂ સુધી ભરતી માટે અરજી કરવા વર્તમાન એમ્પ્લોયર પાસેથી એનઓસી રજૂ કરવું આવશ્યક છે. જો કે, આ ભરતીમાં મોટી બેદરકારી થઇ હોય અને તમામ વિગત વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે. તેની સચોટ તપાસ કરવામાં આવે.