સૌરાષ્ટ્રની આબોહવા જંગલી લીમડા માટે ખુબ જ અનુકુળ
પાણી કે જંતુનાશક દવા કે અન્ય સાર સંભાળની જરુર ન હોવાથી સૌરાષ્ટ્રમાં ૪૦ લાખથી વધુ માલાબાર લીમડાનો ઉછેર
માલાબાર લીમડો પ્લાયવુડ અને વિનિયર માર્ટ ખુબ જ ઉપયોગી
ખેડુતોને ૧ એકરે ૧ર લાખ જેટલું વળતર
અત્યાર સુધી કપાસ, મગફળી, ઘંઉ કે ચણાની ખેતી કરતા સૌરાષ્ટ્રના ખેડુતો હવે જંગલી લીમડાની ખેતી કરવા પ્રેરાયા છે. ફર્નીચર પ્લાયવુડ અને વિનિયર બનાવવા માટે જંગલી લીમડોનું (માલાબાર નીમ) લાકડુ ખુબ જ ઉપયોગમાં આવતું હોવાની સાથે પ્રતિ એકરે રૂપિયા ૧૨ લાખ જેટલા વળતરને કારણે વર્ષ ૨૦૧૭માં એકલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં ૪૦ લાખથી વધુ માલાબાર લીમડાનું વાવેતર કરવામાં આવ્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
આજના સમયમાં પ્રગતિ શીલ ખેડુતો ખેતીમાં અવનવા પ્રયોગ કરી રહ્યા છે. ત્યારે છેલ્લા વર્ષોમાં રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલી સહીતના સૌરાષ્ટ્રના જીલ્લાઓમાં જંગલી લીમડો એટલે કે માલાબારી લીમડાનાં વાવેતરમાં વધુને વધુ વધારો થઇ રહ્યો છે. ખેડુતો દ્વારા જંગલી લીમડાથી ખેતી કરવા પાછળનાં કારણો જોઇએ તો ઝડપી વૃઘ્ધિ પામતા આ લીમડાને પાણીની જરુરત ન રહેવાની સાથે સાથે પશુઓ આ લીમડો ખાતા નથી તેમજ વાવેતર બાદ કોઇ સારસંભાળ કે જંતુનાશક દવાનો ઉપયોગ પણ કરવો પડતો નથી.
વાડી ખેતરમાં દશ ફુટનાં અંતરે માલાબાર લીમડામાં વાવેતર બાદ બાકીની જમીનમાં આંતરઓ કરી ખેડુતો શાકભાજી કે અન્ય રોકડીયા પાકોનું પણ વાવેતર કરી શકે છે. અને ૮ વર્ષ બાદ ખેડુતોને પ્રત્યેક એકર દીઠ ૧ર લાખ જેટલું વળતર મળે છે.
ખાસ કરીને જંગલી લીમડામાં લાકડામાંથી પ્લાયવુડ અને વિનિયર બનતું હોય આવનાર દિવસોમાં ખેડુતો માટે માલાબાર લીમડો ટંકશાળ બની રહે તેવી શકયતા વચ્ચે ભારતીય પ્લાયવુડ ઇન્ડસ્ટ્રીઝ રીસર્વ ઇન્સ્ટીટયુટનાં સભ્ય જીકેશ ઠકકરે જણાવ્યું હતું કે હાલમાં પ્લાયવુડ બનાવવા માટે દક્ષિણના રાજયોમાંથી લાકડુ મંગાવવું પડે છે.
ઉલ્લેખનીય છે કે દક્ષિણના રાજયોમાં સરકાર દ્વારા જંગલી લીમડાનું વાવેતર કરવા ખેડુતોને પ્રોત્સાહીત પણ આપવામાં આવી રહ્યું છે. તે જોતા ગુજરાત સરકાર દ્વારા જંગલી લીમડાની ખેતીને પ્રોત્સાહન આપવામાં આવે તો આવનાર દિવસોમાં રાજયમાં બંધ પડેલા અનેક પ્લાયવુડ ઉત્પાદન એકમ અને કંડલા સહીતના વિસ્તારોમાં આવેલા મોટા લેન્સો પુન: ધમધમતા થવાની આશા વ્યકત કરી ફર્નીચરનાં ભાવમાં ૩૦ ટકા સુધીનો ધડાકો થાય તેમ હોવાનું ઉમેર્યુ હતું.
પ્રવર્તમાન સમયમાં સૌરાષ્ટ્રમાં માલાબાર લીમડાનું વાવેતર મોટા પાયે કરવામાં આવ્યું છે. ત્યારે અમરેલીમાં સાવરકુંડલા તાલુકાના ઘનશ્યામપુર ગામે ૧ર એકર જમીનમાં લીમડાનું વાવેતર કરનાર અંકલેશ્વરના ભાવેશ સાવલીયા કહે છે કે ધંધા રોજગારને કારણે અંકલેશ્વર સ્થાયી થયા બાદ ગામડે રહેલી જમીનની ખેતી માતા-પિતા સંભાળતા હતા પરંતુ તેમની તબિયત સારી રહેતી ન હોવાની સામે ખેતીનો ખર્ચ વધતા જમીન પડતર રહેતી હતું પરંતુ તેઓને માલાબારી લીમડાની જાણકારી મળતા હાલમાં ૧ર એકરમાં જંગલી લીમડા ઉગાવ્યા છે અને આ લીમડા ર૧ માસના થઇ ગયા છે.
ભાવેશભાઇ ઉમેરે છે કે આ લીમડાના ઝાડને જેટલી પશુઓને નીલગાય ખાતા નથી અને સાર સંભાળની કોઇ જ જરુરત નથી ગતવષ અમરેલીમાં ઓછો વરસાદ થવા છતાં તેમને વાવેલા બધા જ વૃક્ષો તંદુરસ્તી હોવાનું જણાવી આવનાર દિવસોમાં મોટુ વળતર મળવાની તેમણે આશા વ્યકત કરી હતી. નોંધનીય છે કે અગાઉ ખેડુતો ઇમારતી લાકડુ અને પ્લાયવુડ માટે નીલગીરીના વૃક્ષોનો ઉછેર કરતા હતા પરંતુ નલીગીરીના વૃક્ષો ભૂગર્ભ જળને ખેચી લેતા હોય ખેડુતોએ નીલગીરીનું વાવેતર છોડયું છે જેની સરખામણીએ જંગલી લીમડા ભૂતળને અસર ન કરતા હોવાનું પણ જાણકારો જણાવી રહ્યા છે.
આ અંગે વન વિભાગના સુત્રોએ જણાવ્યું હતું ક માલાબાર લીમડા ખેડુતોને સારુ વળતર આપે છે જો કે આ વૃક્ષો ઉછેરવા જંગલ વિભાગે હજુ યોજના હાથ ધરી ન હોવાનું જણાવતા સુત્રોએ ઉમેર્યુ હતું કે માલાબાર લીમડા વાવતા ખેડુતોની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે. જો કે ઘણા ખેડુતો માત્ર ચાર વર્ષ બાદ જ આ વૃક્ષ કાપી નાંખી લાકડુ વેચતા હોય છે. પરંતુ હકીકતમાં પ્લાયવુડ ઇન્ડસ્ટ્રીઝ માટે પરીપકવ લાકડાની જરુરત હોય જંગલ વિભાગ દ્વારા કમસેકમ સાત કે આઠ વર્ષ બાદ જ આ પરીપકવ લાકડાના ઉ૫યોગ માટે વૃક્ષો કાપવાથી ખેડુતોને ફાયદો મળે તેમ હોવાનું જણાવ્યું હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com