ભરનિંદ્રામાં સુતેલી પરિણીતાને ગળેટૂંપો આપી કાયમ માટે પોઢાડી દીધી
અમરેલીના મોટા ઉજાળા ગામે પતિએ જ પત્નીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. લગ્ન પ્રસંગમાં જવાની જીદ કરતી પત્નીનું પતિએ જ ઢીમ ઢાળી દીધું હતું. પોલીસની કડક પૂછતાછમાં પતિએ જ કબૂલાત આપી હતી કે ભરનિંદ્રામાં સુતેલી પત્નીને ગળેટૂંપો આપી કાયમ માટે સુવડાવી દીધી હતી.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મોટી ઢઢેલી ગામે રહેતા ચુનીયાભાઇ વજીયાભાઇ બારીયાએ આ બાબતે પોતાના જમાઇ હાલ વડીયા તાલુકાના મોટા ઉજળા ગામે રહેતા અને મુળ ફતેપુરા તાલુકાના ધણીખુટ સુખસર ગામના હિમત ઉર્ફે મેહુલ કાનજી મકવાણા સામે વડીયા પોલીસમા ફરિયાદ નોંધાવી છે. જેમા તેમણે જણાવ્યું હતું કે તેની પુત્રી આશા પતિ અને સાસુ સસરા સાથે મોટા ઉજળામા રહેતી હતી. જયાં તેમણે ખેતીની ભાગવી વાવવા રાખી છે. ફઇના દીકરાના લગ્ન હોય બે દિવસ પહેલા તેમણે આશાને લગ્નમા આવવા માટે ફોન કર્યો હતો. તે સમયે જ આશાના પતિ આ લગ્નમા આવવાની ના પાડતો હોવાનુ જણાવ્યું હતુ.
જેથી લગ્નમાં જવાની જીદ કરતા આશાબેન અને તેમના પતિ હિંમત ઉર્ફે મેહુલ મકવાણા વચ્ચે માથાકૂટ થઈ હતી. ત્યાર બાદ આશા જે ખાટલા પર સુતી હતી તે ખાટલાનુ વાણ છોડી તે દોરી વડે જ પતિએ ગળુ દબાવી દઇ પત્નીની હત્યા કરી નાખી હતી. પરંતુ પતિએ પત્નીને હાર્ટએટેક આવ્યો હોવાનુ જણાવ્યું હતુ. જો કે ગળા પર ફાંસાના ઇજાના નિશાન હોય નેથી પેનલ પીએમમાં મોત શંકાસ્પદ હોવાનું લાગતા પોલોસે હિમત મકવાણાને આકરી પૂછતાછ કરતા જ તેણે જ હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી.