મોપેડને ખાનગી ટ્રાવેલ્સે પાછળથી ઠોકરે લઈ બસના ટાયરમાં આવી જતા પરિણીતાનું મોત
જેતપુરના રેશમડી ગાલોર ગામે એક ખાનગી ટ્રાવેલ્સના ચાલકે આગળ મોટર સાયકલ પર જતાં દંપતીને હડફેટે લેતા પત્નીનું બસના ટાયર હેઠળ ચગદાઈ જતા સ્થળ પર જ મોત થયું હતું. ગ્રામ્ય વિસ્તારમાં અકસ્માતને કારણે સમગ્ર ગ્રામજનો રોડ પર ઉતરી આવ્યા હતા અને બસ પર પથ્થર મારો કરી કાચનો કચ્ચરઘાણ વાળી નાખ્યો હતો.
તાલુકાના રેશમડી ગાલોર ગામે આજે સાંજના સમયે ગામના ગોરધનભાઇ ભલુ અને તેમના પત્ની રસિલાબેન બંને એક્ટિવા મોટર સાયકલ લઈને ભેડા પીપળીયાથી રેશમડી ગાલોર ગામે આવતા હતાં. ત્યારે શિવાલી ટ્રાવેલ્સની જીજે – 5 – ઇડ 7400 નંબરની બસ ભેડા પીપળીયા ગામથી જ એક્ટિવા પાછળ હતી અને શીંગલ પટ્ટીના ગ્રામ્ય વિસ્તારના રોડ પર પુરપાટ ઝડપે એક્ટિવાની સાઇડ કાપી આગળ નીકળવા જતાં એક્ટિવાને હડફેટે આવી ગયું અને દંપતી ઉલળતા રસિલાબેન બસના આગલા ટાયરમાં આવી ગયા તેમ છતાં ચાલકે બસ ઉભી ન રાખી ચાલુ જ રાખતા રસિલાબેન પર બસના પાછલા ટાયર પર પણ ફરી વળતા તેણી ચગદાઈ ગઈ અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ગોરધનભાઇને ગંભીર ઇજા પહોંચી હતી.
ગ્રામ્ય વિસ્તારના રોડ પર ખનીજ ભરેલ ડંપર વાહનો તેમજ ખાનગી ટ્રાવેલ્સ પુરપાટ ઝડપે ચાલતી હોવાથી ગામ લોકો દ્વારા આ વાહનોનો પેલાંથી જ વિરોધ કરતા હતાં. તેમાંય આજે જેની આશંકા સેવાતી હતી તેવો જ બનાવ બનતા ગામના લોકો સ્થળ પર એકઠા થઇ ગયા હતાં
અને પથ્થર મારો કરી ટ્રાવેલ્સના કાચનો કચ્ચરઘાણ કાઢી નાંખ્યો હતો. અને ગ્રામજનોએ ટ્રાવેલ્સના માલિકને સ્થળ પર લાવો તો જ રસિલાબેનનો મૃતદેહ સ્થળ પરથી ઉપાડવા દેશે તેવું સ્થળ પર આવેલ પોલીસ સમક્ષ માંગ મૂકી હતી. પોલીસે સૂઝબૂઝથી કામ લઈને અકસ્માત સર્જી નાશી ગયેલ ટ્રાવેલ્સ ચાલક અને માલિક બંને પર પગલાં ભરવાની બાંહેધરી આપતા ગ્રામજનોએ મૃતદેહ ઉપાડવા દીધો હતો.