પતિએ ચારિત્ર્યની શંકા કરી તિક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો’તો: પોલીસે મૃતકના પતિની કરી ધરપકડ
જસદણના આંબેડકરનગરમાં રહેતી પરિણીતાના ચારિત્ર્ય અંગે શંકા કરી પતિએ ગઇકાલે તિક્ષ્ણ હથિયારથી ખૂની હુમલો કરતા ગંભીર રીતે ઘવાયેલી પત્નીનું સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. જ્યાં તેણીનું મોત નીપજતા બનાવ હત્યામાં પલ્ટાયો છે. પોલીસે પતિ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ આંબેડકરનગરમાં રહેતી દયાબેન સુનિલભાઇ પરમારને તેણીના પતિ સુનિલ વાલજી પરમારે તિક્ષ્ણ હથિયારથી હુમલો કર્યાની ગંભીર રીતે ઘવાયેલી જયાબેનના પિતા જીવાભાઇ ડાભાઇ ખેતરીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સારવાર દરમિયાન દયાબેન પરમારનું મોત નીપજતા પોલીસે મૃતકના પતિ સુનિલ પરમાર સામે હત્યાની કલમનો ઉમેરો કરી તપાસ હાથધરી છે.
દયાબેન પરમારના ચારિત્ર્ય અંગે શંકા કરી પતિ સુનિલ પરમાર અવાર નવાર ઝઘડો કરતો હોવાનું અને ગઇકાલે બંને વચ્ચે થયેલી બોલાચાલીમાં ઉશ્કેરાયેલા સુનિલ પરમારે તેની પત્ની જયાબેન પરમાર પર તિક્ષ્ણ હથિયારથી હુમલો કરતા ગંભીર રીતે ઘવાતા તેણીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
મૃતક દયાબેન પરમારના લગ્ન 11 વર્ષ પહેલાં જસદણના વાલજી પરમારના પુત્ર સુનિલ પરમાર સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન બે પુત્ર છે. જેમાં મયંક છ વર્ષ અને જસવીર બે વર્ષનો છે. દયાબેનના મોતથી બંને બાળકોએ માતાની મમતા ગુમાવી છે.
ગત તા.28મીએ દિયા રાતે ઘરે હતી ત્યારે પતિ સુનિલ પરમારે તિક્ષ્ણ હથિયારથી માથામાં અને ગરદન પર ઘા ઝીંકી દીધા હતા. આ બનાવની જાણ દયાના દિયરે જીવાભાઇ અને પરિવારજનોને જાણ કરતા તેઓ જસદણ બાદ રાજકોટ હોસ્પિટલે દોડી આવ્યા હતા. દયા પરમારનું વહેલી સવારે સારવાર દરમિયાન મોત નીપજતા બનાવ હત્યામાં પલ્ટાતા પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. પોલીસે મૃતક દયાબેનના પતિ સુનિલ પરમારની હત્યાના ગુનામાં ધરપકડ કરી છે.