ધંટેશ્વર પાસે યુવતીએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું: પરિવારમાં આક્રંદ
આ આધુનિક અને ઝડપી યુગમાં લોકો પોતાની માનસિક સ્થિતિ પળવારમાં ગુમાવી બેસે છે. તેવા જુદા જુદા બે કિસ્સાઓ શહેરમાં સામે આવ્યા છે. જેમાં પોપટપરા માં આચકિની બીમારીથી કંટાળી આપઘાત કર્યાનું સામે આવ્યું છે તો બીજા બનાવમાં ધંટેશ્વર પાસે રહેતી યુવતીએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હોવાનુ જાણવા મળ્યું છે.
આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પોપટપરા – 7/12માં રહેતાં આરતીબેન વિશાલભાઈ ઝરવરિયા (ઉ.વ.25) ગઈકાલે સાંજે પોતાના ઘરે રૂમમાં પંખાના હુકમાં ચુંદડી વડે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે પ્ર.નગર પોલીસને જાણ થતાં સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આ બનાવ અંગે પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ વધુમાં મૃતકના પતિએ જણાવ્યું હતું કે, તેઓ મજૂરીકામ કરે છે, તેમના લગ્ન આરતીબેન સાથે પાંચ વર્ષ પહેલાં થયા હતાં. લગ્નજીવન દરમિયાન તેમણે સંતાનમાં ચાર વર્ષની પુત્રી અને આઠ માસનો પુત્ર છે. તેમની પત્ની લાંબા સમયથી આંચકીની બીમારીથી પીડિત હતાં.
ગઈકાલે તેની માતા સાથે તેની પુત્રી સબંધીને ત્યાં ગયા બાદ તેઓ પણ મજૂરીકામ માટે ઘરેથી નીકળી ગયા હતાં. તેઓ પાંચ વાગ્યે ઘરે આવી રૂમનો દરવાજો ખોલતાં પત્ની લટકેલી હાલતમાં જોવા મળી અને આઠ માસનો પુત્ર બાજુમાં રમતો જોવા મળતાં આક્રંદ મચાવ્યો હતો. આરતીબેને આંચકીની બીમારીથી પગલું ભર્યાનું સામે આવ્યું હતું. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.જ્યારે અન્ય બનાવમાં ઘંટેશ્વર પાસે દરગાહ નજીક આવેલ 25 વારીયામાં રહેતી મમતાબેન સુભાંષભાઈ ભટી (ઉ.વ.18) ગઈ રાત્રે પોતાના ઘરે બાથરૂમમાં જઈ હુકમાં ચુંદડી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
સવારે પરિવારજનો ઉઠતાં પુત્રી લટકેલી હાલતમાં જોવા મળતાં આક્રંદ મચાવ્યો હતો. પરિવારજનોએ 108ને જાણ કરતાં 108ના સ્ટાફે યુવતીને મૃત જાહેર કરી હતી. બનાવ અંગે જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આ અંગે વધુમાં મૃતકના પિતાએ જણાવ્યું હતું કે, તેઓ મૂળ રાજસ્થાનના વતની છે અને તેઓ કલરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. સંતાનમાં બે પુત્રી-એક પુત્ર છે. સૌથી નાની મમતા ગઈકાલે સાંજે અમે સાથે જમ્યા ત્યાં સુધી કોઈ તકલીફ ન હતી તેને ક્યાં કારણસર પગલું ભર્યું તે અંગે તેઓ પણ અજાણ હોવાનું કહ્યું હતું. બનાવથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પોલીસે ઘટનાની નો ધ કરી આપઘાત પાછળનું કારણ જાણવા તજવીજ હાથધરી છે.