મૃતક પુત્રને બિનવારસાઇ ગણી બોગસ કાગળો કરી પ્લોટ વેચવાનું કૌંભાંડ ઝડપાયું
બોટાદ ગામે રહેતી મહિલાના પતિના અવસાન બાદ સાસરીયાઓએ પુત્રને અપરિણિત હોવાના કાગળો બોગસ બનાવી લાખોની કિંમતનો પ્લોટ બારોબાર વેચી નાખતા બોટાદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગેની વિગત મુજબ બોટાદમાં આવેલા ભાવનગર રોડ પર રેલવે ફાટક બહાર ઝવેરનગર સોસાયટીમાં રહેતી હંસાબેન હિમતભાઈ કણઝારીયા (ઉ.વ.૪૨) નામની મહિલાએ બોટાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપીમાં બોટાદનાં મોટી વાવડી ગામે રહેતા પૂર્વ સસરા હરજીભાઈ છગનભાઈ કણઝારીયા, સાસુ મંસાબેન, દિયર રસિક, અશોક અને નણંદ નિતાના નામ આપ્યા છે.
મહિલાએ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે હંસાબેનના પૂર્વ પતિ જયંતિભાઈ હરજીભાઈ કણઝારીયાનું ૨૦૦૭માં અકસ્માતે મોત થયું હતું તેને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હોય ત્યારબાદ ૨૦૦૯માં તેણીએ કૌટુબિંક દિયર હિંમતભાઈ ભીખાભાઈ કણઝારીયા સાથે બીજા લગ્ન કર્યા હતા. અવસાન પામનાર પૂર્વ પતિ જયંતિભાઈનો ૧૧૫ વારનો કિંમતી પ્લોટ બોટાદમાં આવેલા હોય આ પ્લોટ તેના પૂર્વ સસરા સહિતના સાસરીયાઓએ ખોટા કાગળો ઉભા કરી જયંતિભાઈ પરિણિત હોય સંતાનમાં એક દિકરી અને એક દિકરો હોવા છતાં સાસરીયાઓએ તેને અવસાન પછી અપરિણીત બનાવી બોગસ કાગળો ઉભા કરી લાખોની કિંમતનો પ્લોટ બારોબાર વેચી નાખતા મહિલાએ સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવતા બોટાદ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.બી.કરમટીયા સહિતના સ્ટાફે પ્રાથમિક તપાસ હાથધરી છે.