જૂનાગઢમાં શિક્ષણ સેવાની આડમાં શિક્ષણ વેચી, માલેતુજાર બનવા માંગતા અમૂક કહેવાતા કેળવણીકારો દ્વારા ફી ભરી ન શકનાર વાલીઓને તેમના સંતાનોના લીવીંગ સર્ટી ન આપી ભારે મૂંઝવણમાં મૂકી રહ્યા છે. ત્યારે આ પેધીને પાર ગયેલા કહેવાતા સેવાભાવી કેળવણીકારો સામે તંત્રએ હવે લાલ આંખ નહીં, પરંતુ કમર કસી સેવાના પાઠ ભણાવવા કડક અને કાયદેસરની કાર્યવાહી કરવી જોઇએ તેવું જૂનાગઢ શહેર સહિત સમગ્ર જૂનાગઢ જિલ્લામાં અત્ર-તત્ર-સર્વત્ર સંભળાઈ રહ્યું છે.
કોઈપણ વ્યક્તિને શાળા શરૂ કરવી હોય ત્યારે એક ટ્રસ્ટની જરૂરી હોય છે, અને આ ટ્રસ્ટ સેવાના ભાગરૂપે બાળકોને સારૂં શિક્ષણ મળે તે માટે શાળાઓની મંજૂરી લેતા હોય છે. પરંતુ આજકાલ લાખો અને કરોડોના ખર્ચે ઊભી થઈ રહેલી અને વર્ષોથી નામાંકિત બની ગયેલી અમુક શાળાઓના સંચાલકો હવે સેવાને નેવે મૂકી, પૈસો મારો પરમેશ્વરની યુક્તિ મુજબ વાલીઓના ખિસ્સા જેટલા હળવા થાય એટલા હળવા કરવા ગમે તે યુક્તિ અને પ્રકૃતિ કરી રહ્યા છે, અને તેમાંના અમુક સંચાલકો શિક્ષણ સેવાના નામે માલોતુંજાર બની ગયા હોવાનું પણ જૂનાગઢમાં ચર્ચાઇ છે, ત્યારે જુનાગઢના વાલીઓમાંથી કોરોનાના સમયમાં ફી ભરી ન શકતા તેમના સંતાનોને લીવીંગ સર્ટી ન અપાતું હોવાની વ્યાપક પ્રમાણમાં ફરિયાદો ઉઠવા પામી છે.
છેલ્લા ઘણા સમયથી કોરોના એ સમગ્ર દેશનું અર્થતંત્ર ડામાડોળ કરી નાખ્યું છે અને કોરોનાના કારણે લોક ડાઉન થતાં નાના, મોટા વેપારી, ધંધાર્થીઓના ધંધા ચોપટ થઇ જવા પામ્યા છે. બીજી બાજુ મોંઘવારી અને ઉપરથી કોરોનાના કારણે ખર્ચાયેલ હજારો, લાખો રૂપિયાના કારણે ઘર કેમ ચલાવવું તે સામાન્ય અને મધ્યમ વર્ગ માટે ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે જ શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીના વાલીઓ ફીના રૂપિયા ન ભરી શકતા તેમના આગળ અભ્યાસ માટે જરૂરી એવા લિવિંગ સર્ટી રોકી દેવામાં આવ્યા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. જે શિક્ષણ સમાજ માટે એક શરમજનક બાબત ગણાવાઈ રહી છે.
સામાન્ય લાગતી આ બાબત અનેક પરિવારો માટે અત્યારે મુશ્કેલી પેદા કરી છે, ત્યારે સેવાના નામે મેવા મેળવતાં કહેવાતા કેળવણીકારો એ થોડી માનવતા દાખવી, વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે ધ્યાન એ રાખવું હાલના સંજોગોમાં ખૂબ જ જરૂર છે ત્યારે વિદ્યાર્થીઓના રૂપિયા બાકી રાખી, થોડીક મોટો બતાવે તેવી બિચારા બની ગયેલા વાલીઓમાંથી બે હાથ જોડી વિનંતી ઉઠવા પામી છે અને જો આવા સંચાલકો વાલીઓને સર્ટી ન આપી, દબાવવાનો કે બ્લેકમેઇલ કરવાનો ધંધો કરતા હોય તો, તેમની સામે સખતમાં સખત પગલાં ભરવામાં આવે તેવી પણ શિક્ષિત અને પ્રબુદ્ધ લોકોમાંથી માંગ ઉઠવા પામી છે.