મકરસંક્રાંતિ હોયને ગુજરાતીઓના ઘરમાં ખીચડોના બનેએ વાતતો કઈ હજમના થાય, ગુજરાતમાં ખાસ કરીને કાઠિયાવાડમાં ઘરેઘરે સાતધાની ખીચડો બને છે. દાળચોખા ભેળવેલી ખીચડી પરથી બન્યો સાત ધાન ભેળવેલો ખીચડો.
જુવારથી અડધા ભાગના ચોખા અને પા ભાગના ઘઉં, દેશી ચણા, મગ, મઠ અને તુવેરદાણા એક-એક ચમચો. જુવાર ખાસ ધાન છે.
તેને રાતે પલાળી રાખો, ચોખા-તુવેરદાણા સિવાયનું ધાન સવારે છડીને એના ફોતરા કાઢીને તડકે સૂકવી લો.
હવે જ્યારે ખીચડો રાંધવો હોય ત્યારે ફરીથી 5-7 કલાક પાણીમાં પલાળીને એમાં સૂકાયેલા ચોખા-તુવેરદાણા ઉમેરીને એને ઊકળતા પાણીમાં ઓરીને બાફી લો.
બફાઈ ગયા પછી તલના તેલમાં ડુંગળી-લસણથી સાત ધાનને વઘારીને મસાલો કરો. ખીચડો તૈયાર. એની મજા માણો મિત્રો સાથે.
આ રીતે આ જ સાતધાનનો લાપશી જેવો ગળ્યો ખીચડો પણ અતિ સ્વાદિષ્ટ બની શકે.
એને પણ શીરાની જેમ આગળ પડતા ઘી અને સૂકામેવાથી લસલસતો બનાવી શકાય. આ સાત ધાનનાં પૌષ્ટિક તત્ત્વો બહારની ઠંડી સામે શરીરને ટકાવી રાખે છે.
તેમાં કાર્બોહાઇડ્રેટ્સ ભરપૂર માત્રામાં હોય છે. આ સાતેય ધાન ઊર્જાની સાથે સાથે શરીરની પુષ્ટિ કરનારા ગણાય છે, જેમાં ફાઇબર્સ, પ્રોટીન પણ પુષ્કળ માત્રામાં રહેલાં છે.
બધા જ તેલોનો રાજા એટલે તલનું તેલ. શિયાળે શરીરની અંદરબહાર તલનું તેલ ગુણકારી, આરોગ્યવર્ધક અને ઉષ્માદાયક ગણાય છે.
કાળા તલનું શક્તિપ્રદ કચરિયું પણ સૌરાષ્ટ્રમાં વખણાય છે.