શિયાળામાં મોટાભાગના વૃક્ષોના પાંદડાં પીળા પડવા લાગે છે. આખા પીળા થઇને ધીમેધીમે કેસરી કે ભૂખરા રંગના થઇ જાય છે અને સુકાઇને આખરે ખરી પડે છે. આવું કેમ થતું હશે અને શી રસતે થતું હશે ?
શિયાળો આવે એટલે હવામાંથી ભેજ ઓછો થવા લાગે છે. હવામાં ભેજ ઓછો થાય તો દરેક વસ્તુમાં રહેલું પાણી અને ભેજ એ વસ્તુને છોડીને વરાળ બનીને હવામાં ભળવા લાગે છે એ વસ્તુ સુકાઇ જાય છે. દરેક વૃક્ષના પાંદડાં મૂળમાંથી શોષાઇને આવેલા ભેજને સંઘરે છે. પાંદડાંમાં ભેજ રહેવો જરુરી છે. સૂર્યના પ્રકાશમાં એનું ક્લોરોફિલ નામનું તત્વ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ (અંગારવાયુ) શોષીને એને રાસાયણિક પ્રક્રિયા કરીને તોડે છે. આ પ્રક્રિયા માટે ભેજની જરુર હોય છે. એમાંથી કાર્બન અને ઓક્સિજન છૂટા પાડે છે. કાર્બન વૃક્ષને ખોરાક તરીકે જોઇએ છે. એમાંથી જ એ પોતાની ડાળીઓ અને થડ વગેરે બનાવે છે.
શિયાળામાં હવામાં ભેજ ન રહે તો પાંદડાંમાંથી ભેજ વધારે પ્રમાણમાં હવામાં ઉડવા લાગે. વૃક્ષ પાંદડાંને લીલું રાખવા માટે એટલું વધારાનું પાણી શોષીને પાંદડે-પાંદડે પહોંચાડવું પડે. આમ વધારે પાણીનો બગાડ વૃક્ષ કરી શકતું નથી. કારણ કે શિયાળા પછી ઉનાળો આવવાનો હોય છે. ઉનાળામાં પાણીની તંગી પડવાની હોય છે. જો શિયાળામાં પાંદડાં લીલાં રાખવા માટે વધારે પાણી વપરાઇ જાય તો ઉનાળામાં આખા વૃક્ષને પાણીની તંગી પડવા લાગે, પાણીના અભાવે તો વૃક્ષમાં ઘણી બધી કામગીરી અટકી જાય. એથી વૃક્ષને વિકાસ રોકાઇ શકે, આંખુ વૃક્ષ પાણી વગર મૃત્યુ પામે એવું પણ બની શકે . એટલે વૃક્ષ આપોઆપ નક્કી કરે છે કે ઉનાળા માટે પાણી બચાવવું હશે તો વધારે પડતા પાણીને હવામાં ઉડાડી દેતા પાંદડાંઓ ઓછા કરવા પડશે. જેટલા પાંદડાં ઓછા હશે એટલું પાણી બચશે. હા, પાંદડાં ઓછા હોય તો પ્રકારસંશ્ર્લેષણ ઓછું થાય અને વૃક્ષને કાર્બન ઓછો મળે એટલે વૃક્ષનો વિકાસ ધીમો પડી જાય, પરંતુ ઉનાળામાં સાવ મૃત્યુ પામવાનું જોખમ સર્જાય એના કરતાં થોડો વિકાસ ધીમો થાયએ વધારે સારું એમ નિર્ણય લેવાય છે. કુદરતે દરેક પશુ, પંખી, જીવ, જંતુ અને વનસ્પતિમાં આ ઓટોમેટિક સિસ્ટમ ગોઠવી છે કે એ પોતાને બચાવવા માટે કોઇપણ હદે ભોગ આપી દે છે.
એટલે જ શિયાળો આવે અને ઠંડી હવાઓ શરુ થાય કે તરત પાંદડાંમાંથી ક્લોરોફિલમાંથી જરુરી તત્વો પાછા ખેંચાવા લાગે છે. લીલા રંગના ક્લોરોફિલમાંથી જરુરી તત્વો પાછા ખેંચાતા જાય એટલે એનો રંગ પીળો અથવા કેસરી બનવા લાગે છે આખરે બધા જરુરી પોષકતત્વો પાછા ખેંચાઇ જાય છે અને માત્ર પીળો અથવા કેસરી જ રંગ બાકી રહે છે. હવે વૃક્ષ એ પાંદડાંને પાણીનો ભેજ પહોંચાડવાનું બંધ કરે છે. પાંદડું જ્યાંથી વૃક્ષ સાથે જોડાય છે એ ભાગના કોષ પોતાનું કામ બંધ કરી દે છે. પાંદડાંને ભેજ અને પોષણ મળતાં બંધ થઇ જાય તો એ શિયાળાની ઠંડી હવાના કારણે વધારે સુંકાતું જાય છે. પાંદડું સુકાતું જાય તો એના રંગ તપખિરિયો-ચોકલેટી બનતો જાય છે. એના બધા જ કોષ સુકાઇ જાય તો પાંદડું બરડ બની જાય છે. પછી હવાનો જરાક સરખો ધક્કો વાગે તો પણ એ ડાળી ઉપરથી છુટું પડીને ખરી પડે છે. ઘણા વૃક્ષો તો શિયાળામાં પોતાના બધા જ પાંદડાં ખેરવી નાખે છે. શિયાળા પછી હવામાં ઉષ્મા આવતી જાય ત્યારે તેને નવા પાંદડાં ફુટવા લાગે છે. આ સમયે હવામાં ભેજ આવવા લાગે છે, એટલે પાંદડાંમાંથી ભેજ ઉડતો નથી. એટલે વૃક્ષ નવા પાંદડાં ઉગાડીને તેને વિકસવા દે છે, એ પાંદડાં હવે સૂર્યપ્રકાશની હાજરીમાં હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ શોષીને તેને તોડીને તેમાંથી કાર્બન લઇ લેવાનું અને પાણીની વરાળ તથા પ્રાણવાયુ હવામાં પાછા છોડવાનું ચાલુ કરે છે. આગામી ઉનાળામાં પાણી ઓછું મળવાનું હોવાથી વૃક્ષ પોતાના મૂળ જમીનમાં ઉંડે સુધી ઉતારવા લાગે છે.