ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતિ રવિની તાકીદે અસરથી બદલી થતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. જયંતિ રવિની તામિલનાડુમાં એરોવિલ ફાઉન્ડેશનમાં સચિવ તરીકે ૩ વર્ષ માટે બદલી થઈ હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યમાં કોરોનાની લહેર હળવી થતા જ તુરંત જયંતિ રવિની બદલીના આદેશ નિકળ્યા છે.
ગુજરાતમાં ગયા વર્ષે કોરોના મહામારીનો દોર શરૂ થયો ત્યારથી જ ડો.જયંતિ રવિને આરોગ્ય અગ્ર સચિવ તરીકે નિમણૂક કરી મહત્વની જવાબદારી સોંપી હતી. કોરોના કાળમાં રાજ્યભરના હોસ્પિટલમાં કોવિડના બેડની વ્યવસ્થા સહિતની કામગીરી ડો.જયંતિ રવિની અધ્યક્ષતામાં કરવામાં આવતું હતું. પરંતુ મહામારીની સાથે સચિવ અનેક વિવાદો પણ રહ્યા હતા. જેના કારણે કોરોના કેસ ઘટતાની સાથે જ અગ્ર સચિવની બદલી થતા ઉચ્ચ અધિકારી અને સચિવલયોમાં પણ ચર્ચાએ જોર પકડ્યું છે.
ગુજરાતમાં કોરોનાની પ્રથમ લહેર બાદ જયંતી રવિએ પોતાની બદલી ગુજરાત બહાર, ખાસ કરીને તામિલનાડુમાં કરવા માટેની રજૂઆતો કરી હતી, પરંતુ રાજ્યમાં કોરોનાની બીજી લહેર ભારે કહેર વર્તાવતાં કેન્દ્ર સરકારે પણ તેમની બદલી જે તે સમયે અટકાવી દીધી હતી. તો વર્તમાન સમયમાં બીજી લહેરમાં કોરોનાના કેસોમાં ધરખમ ઘટાડો થતાં અને ત્રીજી લહેર આવે એ પહેલાં તેમની આજે સવારે એકાએક બદલીના ઓર્ડર થઈ ગયા હોવાથી ચર્ચાનો વિષય બન્યો છે.
ડો.જયંતિ રવિ ૨૦૦૨માં પંચમહાલ જિલ્લાનાં કલેક્ટર હતાં. ત્યાર બાદ શિક્ષણ વિભાગ, ગ્રામવિકાસ પ્રધાનમંત્રી કાર્યાલય જેવા વિભાગોમાં પણ તેમનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે. તેઓએ મદ્રાસ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરી હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. ત્યાર બાદ તેમણે મેનેજમેન્ટ વિષયમાં પીએચડી પણ કર્યું છે. કોરોનાની લહેરમાં રાજ્યનાં આરોગ્ય અગ્ર સચિવ તરીકે સૌથી પહેલી જવાબદારી જયંતી રવિના માથે હોવાથી બીજી લહેરની મેડિકલ ઈમર્જન્સીમાં સરકારના તમામ વિભાગો અને રાજકીય આગેવાનોએ તેમના માથે માછલાં ધોયાં હતાં. તે સિવાય અનેક રાજકીય કારણોસર પણ ડો.જયંતિ રવિ નારાજ હોવાનું પણ સામે આવ્યું હતું.
તાજેતરમાં જ તામિલનાડુ બદલી થયક બાદ પણ આરોગ્ય અગ્ર સચિવ ડૉ.જયંતી રવિએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, “રાજ્યમાં ૧૮થી ૪૪ વયના લોકો માટે કોરોના વેક્સિનેશન હવે ઓનલાઇન રજિસ્ટ્રેશન વિના ઓન સ્પોટ રજિસ્ટ્રેશનથી થઇ શકશે એવા જે અહેવાલો પ્રચાર માધ્યમોમાં વહેતા થયા છે એમાં કોઇ તથ્ય નથી. રાજ્ય સરકાર દ્વારા હાલ જે રીતે વેક્સિનેશનની પ્રક્રિયા પ્રાયોર રજિસ્ટ્રેશનથી સ્થળ, સમય અને તારીખ આપીને કરવામાં આવે છે એ જ પ્રક્રિયા હાલ રાજ્યમાં યથાવત્ છે. સરકારે હાલના વેક્સિનેશન માટે વેબસાઇટ અને એપના માધ્યમથી રજિસ્ટ્રેશનની જે પદ્ધતિ છે એ જ યથાવત્ રાખેલી છે..