મુખ્ય ચૂંટણી અધિકારી અચલકુમાર જોતીએ રાજકીય દબાણમાં આવ્યા વિના કર્યો તટસ્થ નિર્ણય

રાજયસભાની ચૂંટણીમાં કોંગ્રેસના બે દાગી નેતાઓના મત રદ્દ થતા પરિણામો બદલી ગયા હતા. ત્યારે આ બે મત રદ્દ કેવી રીતે અને શા માટે થયા તે જાણવા જેવી બાબત છે. મુખ્ય ચૂંટણી અધિકારી અચલકુમાર જોતીએ શાસક ભાજપના દબાણમાં આવ્યા વિના કોંગ્રેસના બે ધારાસભ્યોના મત રદ્દ કરવાનો નિર્ણય કર્યો હતો. ગુજરાતના મુખ્ય અધિકારીઓ કે જે, જોતી સાથે કામ કરી ચૂકયા છે તેઓના મતે જોતી ખુબ નિર્મળ સ્વભાવના છે અને ચૂંટણી બાબતે નિયમાવલીનું પૂરેપૂરું ધ્યાન રાખીને તેના ઉપરથી જ નિર્ણય કરે છે.

રાજયસભામાં બે મત રદ્દ કરવા બાબતે મુખ્ય ચૂંટણી અધિકારી અચલકુમાર જોતીએ કહ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી મત રદ્દ કરવાની અરજી અંગે પુરતો અભ્યાસ કરવામાં આવ્યો હતો. વધુમાં કોંગ્રેસ અને ભાજપ બન્ને પક્ષમાંથી આવેલા પ્રતિનિધિ મંડળને પણ ધ્યાનથી સાંભળવામાં આવ્યા હતા. આ ઉપરાંત રીટર્નીંગ ઓફિસરનો અહેવાલ અને મતદાનના વિડિયો રેકોર્ડીંગનો સંપૂર્ણ અભ્યાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મત રદ્દ કરવાના નિર્ણય માટે કાયદાની જોગવાઈઓનો પાયો લેવામાં આવ્યો હતો.

વધુમાં ઈલેકશન કમિશને મત પેટીમાં ગયા પછી કોઈ નિર્ણય થઈ શકે નહીં તેવી ભાજપની દલીલોને પણ ફગાવી હતી અને સંપૂર્ણપણે ચૂંટણીની માર્ગદર્શીકા અને નિયમાવલીનો આશરો લેવામાં આવ્યો હતો. વધુમાં કોઈના દબાણમાં આવ્યા વિના જે વાત શકય છે અને કાયદા મુજબ છે તેનું જ પાલન કરીને બન્ને કોંગ્રેસી ધારાસભ્યોના મતને રદ્દ કરી દેવામાં આવ્યા હતા.

ભાજપે એવી ગણતરી મુકી હતી કે રાજ્યસભાની ચૂંટણીમાં આંકડાકીય ગણિત મુજબ વિધાનસભામાં કુલ ૧૭૬ ધારાસભ્યો છે. તેમાં ભાજપના ૧૨૧ મત છે. એક ધારાસભ્યના મતનું મૂલ્ય ૧૦૦ ગણાય છે. એ જોતા જે ઉમેદવારોને ૪૪ એકડા મળે તે વિજેતા બને. ભાજપના ગણિત મુજબ અમિત શાહને ૪૬ એકડા, સ્મૃતિ ઈરાનીને ૪૫ એકડા મળે જેમાંથી બાકી રહેલા ૩૦ એકડા બલવંતસિંહ રાજપૂતને મળે. ભાજપના દાવા મુજબ એનસીપીના ૨, જીપીપીનો એક, જેડીયુનો એક અને શંકરસિંહ સાથેના ૭ની ગણતરી કરતાં ૩૦ વત્તા ૧૨ એટલે કે ૪૨ એકડા બલવંતસિંહને મળે છે. અમિત શાહને મળનાર ૪૬૦૦ મતમાંથી જીત માટેના ૪૪૦૧ મત બાદ કરતાં ૧૯૯ મત વધે. તે જ રીતે સ્મૃતિ ઈરાનીના ૪૫૦૦ મતમાંથી ૪૪૦૧ બાદ કરવામાં આવે તો ૯૯ મત વધે. આમ અમિત શાહના ૧૯૯ અને સ્મૃતિ ઈરાનીના ૯૯ મત ગણતાં કુલ ૨૯૮ મત વધે. તે મત બલવંતસિંહને મળતાં ૪૨૦૦માં ૨૯૮ મત ઉમેરવામાં આવે તો ૪૪૯૮ મત બલવંતસિંહને મળે તેમાંથી જીત માટેના ૪૪૦૧ મત બાદ કરવામાં આવે તો ભાજપને ૯૭ મત વધારાના મળે. ભાજપના ત્રણેય ઉમેદવારો વિજેતા બને.ચૂંટણી પંચે બે વોટ રદ જાહેર કરતાં સમગ્ર ગણિત બદલાયા હતા. બીજી તરફ જેડી યુ, એનસીપીના મતમાંથી જેડી યુનો મત કોંગ્રેસમાં પડતાં એહમદ પટેલને કોંગ્રેસના ૪૩ મત મળી સળંગ ૪૪ એકડા મળી ગયા હતા. ભાજપના ત્રીજા ઉમેદવાર બળવંતસિંહ રાજપૂત ૦.૪૮ મતથી હારી ગયા હતા. આથી અડધી રાત્રે જ્યારે પંચે મત રદ કરતો ચુકાદો જાહેર કરતાં ભાજપ કેમ્પમાં માયુસી છવાઇ ગઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.