ભુતકાળમાં પુસ્તકોએ કરેલી મદદનું ઋણ ચુકવવા નિવૃત પ્રિન્સીપાલ શેખ મહમદ અમદાવાદના આશ્રમ રોડ પર પુસ્તકોનું વેચાણ કરે છે
અમદાવાદના આશ્રમ રોડ ઉપર સંન્યાસ આશ્રમ નજીક ખુણાપર શેખ મોહમદ હુસૈન નામના એક વ્યકિત પુસ્તકો વેચે છે. જે કોઈ સામાન્ય માણસ નથી પરંતુ તે એક નિવૃત પ્રિન્સીપાલ છે. ખરેખર, જાણીતે આશ્ર્ચર્ય થાય કે, શાળાના પ્રિન્સીપાલ થઈને કોઈ ફુટપાથ ઉપર પુસ્તકો શા માટે વેચે ? પરંતુ શેખ મોહમદના વિચારો તદન અલગ છે. તેઓએ તેમના પાછલા જીવનકાળમાંથી ઘણીખરી શીખ મેળવી છે. જેને તેઓ કાયમ સાથે રાખવા માંગે છે. ભૂતકાળમાં તેમને જે ચીજ-વસ્તુઓ આગળ વધવા માટે ઉપયોગી થઈ છે તેને ભુલવા નથી માંગતા.
શેખ મહમદ ધંધુકા જીલ્લાની મોર્ડન સ્કૂલમાં પ્રિન્સીપાલ હતા. તેના માતા-પિતા અભણ અને ગરીબ હતા. તેઓએ બાળપણમાં ખુબ જ સંઘર્ષ કર્યો છે. હાલ તેમનો પુત્ર પણ સ્કૂલમાં પ્રિન્સીપાલ છે. જો તે ઈચ્છે તો એસોઆરામથી જિંદગી જીવી શકે છે પરંતુ તેમનું માનવું છે કે, તેમણે જે કંઈપણ મેળવ્યું છે તે પુસ્તકો દ્વારા જ મેળવ્યું છે. પુસ્તકો વાંચીને અમુલ્ય જ્ઞાન મેળવી શાળાના આચાર્યનું પદ પ્રાપ્ત કર્યું હતું. આથી તેઓ પુસ્તકોનો આભાર ભુલવા નથી માંગતા અને વર્ષ ૨૦૦૫ થી ફુટપાથ ઉપર એકદમ રાહતદરે પુસ્તકો વેચે છે.
શેખ મોહમદે જણાવ્યું કે, મને સફળતા મેળવવામાં પુસ્તકોનો મોટો સંગાથ છે. આજના યુગમાં સ્માર્ટફોન આવવાથી લોકો પુસ્તકોથી દુર ભાગતા જાય છે તેમ છતા પણ તેઓ હાર માનતા નથી અને વધુને વધુ લોકો પુસ્તકો વાંચી જ્ઞાન કેળવે તેવા પ્રયત્નો કરે છે.ઘણીવાર એવું પણ બને છે કે, એક દિવસમાં એક પણ પુસ્તક વેચાય નહી તેમ છતા પણ તેઓ નિરાશ થતા નથી અને આનંદ-જુસ્સાની સાથે તેમનું કાર્ય ચાલુ રાખે છે.
શેખ મોહમદ્ એમ.જે.લાયબ્રેરી નજીક તેમની રસપ્રદ પુસ્તકોનું વેચાણ કરવા ઉભા રહે છે. તે પોતે ઉત્સુક વાચક છે. તે ખાસ પુસ્તકોની ખરીદી માટે દિલ્હી અને મુંબઈ જાય છે. તેમના જુના ગ્રાહકોની માંગ અનુસાર પુસ્તકો લાવી આપે છે.