4 લાખ જેટલી રકમ ચડત થતા કોર્ટ બિનજામીન વોરંટ ઈશ્યુ કર્યું ’તું
રાજકોટમાં ઉપલાકાંઠા વિસ્તારમાં રહેતી મહિલાએ તેના પતિની હત્યા થયા અંગેની શંકા વ્યક્ત કરતી અરજી પોલીસમાં કરતા પોલીસ તંત્રમાં દોડધામ મચી છે. મિલકત મુદ્દે પતિની હત્યા તેના નાનાભાઇ અને બનેવીએ કર્યાની શંકા પણ વ્યક્ત કરાતા ચકચાર મચી ગઇ હતી.પેડક રોડ પર રહેતા અંજનાબેન ડોડિયાએ બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મંગળવારે અરજી આપી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે, તેના લગ્ન કુવાડવા રોડ પર પટેલ કોલોનીમાં રહેતા પંકજ ખેંગારભાઇ ડોડિયા સાથે થયા હતા અને તેને સંતાનમાં 10 વર્ષની પુત્રી છે.
પતિ સાથે મનમેળ નહીં થતાં કેટલાક વર્ષ પૂર્વે પતિ પંકજ ડોડિયા સામે ભરણપોષણનો કેસ કર્યો હતો, થોડો સમય ભરણપોષણની રકમ મળી હતી ત્યારબાદ વળતર આપવાનું બંધ કરી દીધું હતું. અંજનાબેને આ અંગે કોર્ટની મદદ લીધી હતી, અને કોર્ટે પંકજ ડોડિયાને કોર્ટમાં હાજર થવા આદેશ કર્યા હતા પરંતુ પંકજ કોર્ટમાં હાજર થતો નહોતો, અંતે કોર્ટે બિનજામીન વોરંટ ઇશ્યૂ કર્યું હતું. બી.ડિવિઝન પોલીસ પંકજના ઘરે પટેલ કોલોની વિસ્તારમાં અનેક વાર પહોંચી હતી પરંતુ પંકજ નહીં મળતાં વોરંટની બજવણી થતી નહોતી.
અંતે પીઆઇ ઔસુરા સહિતના સ્ટાફે સરદાર પટેલ કોલોની નજીકના સીસીટીવી ફૂટેજના ત્રણ મહિનાના ફૂટેજ ચેક કર્યા હતા જેમાં પંકજનો કોઇ પત્તો લાગ્યો નહોતો. પંકજના પરિવારના સભ્યોના કોલ ડિટેઇલ ચેક કરવામાં આવ્યા હતા તેમજ પંકજના નામે કોઇ બેંક એકાઉન્ટ કે વાહનો કે અન્ય કોઇ મિલકત છે કે નહીં તે અંગે તપાસ કરી હતી પરંતુ પંકજની ભાળ નહીં મળતાં પોલીસે અંતે આ અંગે કોર્ટમાં રિપોર્ટ કર્યો હતો.પોલીસ બે વર્ષથી પંકજને શોધી રહી છે અને વિવિધ દિશામાં તપાસ કરવા છતાં તેનો પત્તો નહીં લાગતાં અંજનાબેને પતિ પંકજની હત્યા થયાની શંકા વ્યક્ત કરી હતી.
અંજનાબેને અરજીમાં એવો પણ આક્ષેપ કર્યો હતો કે, તેના પતિના પરિવારજનો પાસે મકાન અને દુકાનો સહિતની મિલકતો છે, જેથી રૂ.4 લાખનું ભરણપોષણ નહીં આપવા માટે પંકજ લાપતા બને તેવી કોઇ શક્યતા નથી પરંતુ મિલકત પચાવી પાડવા માટે પકંજના નાનાભાઇ નૈમેષ ડોડિયા અને કૌટુંબિક જમાઇ જગદીશે પંકજની હત્યા કર્યાની દહેશત વ્યક્ત કરી હતી.જેથી પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.