રાજકીય વહીવટ અને દેશ ચલાવવા માટે થતાં મહેસુલી ખર્ચ અને આવકનું સંતુલન સમૃધ્ધ રાષ્ટ્રના નિર્માણ માટે જરૂરી હોય છે. વહીવટી ખર્ચમાં કરકસર લાંબાગાળે ફાયદારૂપ હોય છે. આ કરકસરમાં કસર રહી જાય તો રાજને લાંબાગાળે બેહાલીનો સામનો કરવો પડે છે. મોટી રીયાસતો અને રજવાડાઓના પતનના અલગ અલગ કારણોમાં ભારતના ઈતિહાસની બદલાયેલી રાજકીય તાસીર અને ત્વારીખમાં એક કહેવત સામાન્ય બની છે કે, મોગલ શાસનનો અંત તગારે મરાઠા શાસનનો અંત નગારે એટલે કે, મુગલ શાસનમાં આવક કરતા બાંધકામનો ખર્ચ વધુ હતો અને મરાઠા શાસકોને યુદ્ધના ખર્ચાએ ક્યારેય ઉભા થવા દીધા ન હતા. આપણી વર્તમાન વ્યવસ્થા વિશે એવું કહેવાય છે કે, મોગલોના તગારે, મરાઠાઓના નગારે અને હવે પગારે રાજને ભારે પડી ગયું છે.
કેન્દ્ર સરકારે મહેસુલી ખાદ્ય કાબુમાં લેવા માટે કરકસરનું શસ્ત્ર અપનાવ્યું છે. તાજેતરમાં આવેલા એક સર્વેમાં કેન્દ્ર સરકારની નોકરીઓમાં દસેક લાખ જગ્યાઓ પર ખાલી પડેલી જગ્યાઓની ભરતી ન કરીને કરકસરનો અભિગમ અપનાવાયો છે. કેન્દ્ર સરકારની કુલ મહેકમી વ્યવસ્થામાં 22.7 ટકા જેટલી 10 લાખ કર્મચારીઓની જગ્યાઓ ખાલી છે. માર્ચ 2019ની પરિસ્થિતિએ કુલ 40 લાખ જગ્યાઓમાંથી 10 લાખ જગ્યાઓ પર કર્મચારીઓ નથી. 2018-19ની પરિસ્થિતિ અંગે કરવામાં આવેલી જાહેરાતમાં રેલવે મંત્રાલયમાં 12 લાખ જગ્યાઓ ખાલી છે. આજ રીતે ગૃહ મંત્રાલયમાં કુલ 10 લાખની જગ્યાઓ સામે 963086થી કામ ચલાવવમાં આવે છે.
સૌથી વધુ રોજગારી આપતા કેન્દ્ર સરકારના સંરક્ષણ મંત્રાલયમાં પણ 60 ટકા જેટલી જગ્યાઓ ખાલી હોવાનું અહેવાલમાં જણાવાયું છે. નાણાકીય વર્ષ 2019માં કર્મચારીઓને પગાર ચૂકવવાનો ખર્ચ 2 લાખ કરોડ રૂપિયા હતો જે 7.4 ટકા જેટલો વધુ હતો. 5 મહત્વના મંત્રાલયો અને વિભાગ, રેલવે, સંરક્ષણ, નાગરિક, ગૃહ બાબતો, પોસ્ટ, મહેસુલ, વહીવટના કર્મચારીઓ પાછળ 80 ટકા જેટલો ખર્ચો થાય છે. રેલવે મંત્રાલયે 36.7 ટકાનો ખર્ચ દર્શાવ્યો હતો જે ગૃહ વિભાગની 24 ટકા અને પોસ્ટ વિભાગના 5.7 ટકાથી વધુ છે. સરકાર દ્વારા મહેસુલી ખર્ચની બચત માટે સરકારી કર્મચારીઓની ભરતીમાં કરકસરની નીતિ અપનાવી છે. પગાર ચૂકવણાનો ખર્ચ છેલ્લા 10 વર્ષમાં 13 ટકા વધ્યો છે. છેલ્લા 10 વર્ષમાં ખર્ચ વધવાની ટકાવારી 33 ટકા જેટલી થવા જાય છે. 10 લાખ જેટલી નોકરીઓમાં ખાલી જગ્યાથી મહેસુલી ખર્ચમાં મોટાપાયે અસર થઈ રહી છે.
મોગલોના તગારે, મરાઠાઓના નગારે રાજ ગયા હવે આપણી સરકાર પગારમાં કરે છે કરકસર
મોગલ સલતનતમાં આવક કરતા બાંધકામનો ખર્ચ વધી ગયો હતો. મરાઠા શાસકોએ યુદ્ધ કરવા પાછળ ખર્ચામાં પાછુ વળી જોયુ ન હતું અને રાજપાઠ ગયા. લોકતંત્રમાં પગાર ભારણની લક્ષમણ રેખા ઓળંગાવી ન જોઈએ. આથી સરકારે વહીવટી કરકસરના ભાગરૂપે કેન્દ્રીય કર્મચારીઓની 10 લાખ ખાલી જગ્યાઓથી વહીવટ ચલાવવાનું વલણ અપનાવ્યું છે.