આજકાલ સમયના અભાવે દરેક ગૃહિણીઓ ખોરાક રાંધવા કે ગરમ કરવા માઈક્રોવેવનો ઉપયોગ કરી રહી છે. આ ઉપરાંત ઓવનમાં બેકરીની પણ અનેક આઈટમો બનાવાય છે. એટલે એવું કહેવામા જરા પણ અતિશ્યોકિત નથી કે બેકિંગની દુનિયાનું સામ્રાજય ઓવનની મદદ વગર આગળ વધી શકતું નથી. ઓવન તેના અનેકવિધ ઉપયોગ માટે રસોડામાં મહત્વનું સ્થાન ધરાવે છે. ત્યારે આ માઈક્રોવેવમાં સ્વાદિષ્ટ વાનગી બનાવવાની સાથે તેની યોગ્ય જાળવણી કરવી પણ એટલી જ જરૂરી છે. હજુ પણ ધણા લોકો એવું માને છે કે ઓવન માત્ર કેક કે હાંડવો બનાવવા જ ઉપયોગી છે પરંતુ તેના સિવાયની પણ અનેકવિધ આઈટમો જેવી કે બિસ્કીટ, નાનખટાઈ, કટલેસ, રોલ્સ, બ્રેડ વગેરે બનાવી શકાય છે.
સ્વાદિષ્ટ રસોઈની સાથે ઓવનની યોગ્ય કાળજી લેવા ગૃહિણીઓએ અજમાવવા જેવી ટીપ્સ
ઓવનમાં પ્રવાહી ન રહે તેમજ વાનગી બન્યા બાદ યોગ્ય સફાઈ કરી થોડી મિનિટો ચાલુ રાખવું જોઈએ
સ્વાદિષ્ટ રસોઈની સાથે રાંધેલો ખોરાક ગરમ રહે તે માટે ગરમ ઓવનમાં કેટલીક વાનગીઓ ઢાંકીને રાખવાની હોય છે. જેથી વધુ પડતી સુકાતી અટકે છે. કટલેસ, પેટીસ વગેરે ઢાંકીને રાખવાની જરૂર નથી. પરંતુ કોઈપણ બેક ડિશ, પુલાવ, પીત્ઝા વગેરે ગરમ રાખવા જરૂરી છે.
ઓવન વાપરતી વખતે ધ્યાનમાં લેવા જેવી ટીપ્સ જાણીએ. જેમાં ઓવનમાં શાકને બાફો ત્યારે તેને એક સિરેમિક બાઉલમાં મૂકો. તેમાં બે કે ત્રણ ચમચી પાણી મિકસ કરો અને તેની ઉપર પ્લેટ ઢાંકો, તેને ચારેક મિનિટ રહેવા દો, ખોરાક રંધાઈ જાય ત્યારે થોડીવાર માઈક્રોવેવનો દરવાજો ખુલ્લો રહેવા દો. અને પ્રવાહી ન રહે તેનું ખાસ ધ્યાન રાખો. માઈક્રોવેવનો દરવાજો ખુલ્લો રાખતા ભેજ બહાર નીકળી જશે. પ્રવાહી કે પાણી અંદર રહેશે તો માઈક્રોવેવ જલ્દી ખરાબ થઈ જશે.
જો તમે ઓવનમાં કંઈ ખાવાનું બનાવો છો અને પછી તેની સ્મેલ આવે છે તો તેને એક બાઉલમાં કૂદીનાના પાન નાખો અને સાથે તેને ઓવનમાં દસેક મિનિટ રહેવા દો. ત્યારબાદ પાનને ઓવનમાં એક કલાક રાખી કાઢી લ્યો જેથી સ્મેલ દૂર થઈ જશે. ઓવનમાં ખાસ કરીને ગોળાકાર કે ઓવલ શેપના વાસણનો પ્રયોગ કરવો જોઈએ. આ ઉપરાંત માઈક્રોવેવમાં ખાવાનું ઢાંકવા માટે પ્લાસ્ટિક રેપનો ઉપયોગ કરવો જોઈએ.
ઉપરોકત તમામ ટિપ્સ ગૃહિણીઓ ધ્યાને લેશે તો માઈક્રોવેવ લાંબો સમય ખરાબ નહિ થાય અને દરેક વાનગીઓ પણ સ્વાદિષ્ટ બનશે.