આજે મઘ્યઝોનની બેઠકોના ઉમેદવારો સામે સમીક્ષા બેઠક: 1પમીએ સૌરાષ્ટ્રનો વારો
ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસને સૌથી મોટી હાર મળી છે. 2017માં 77 બેઠકો જીતનારી કોંગ્રેસને આ વખત 60 બેઠકો ઓછી મળી છે. માત્ર 17 બેઠકો પર સમેટાય ગઇ છે. માન્ય વિરોધ પક્ષની લાયકાત મળે તેટલી બેઠકો પણ કોંગ્રેસ જીતી શકી નથી. પરિણામના 7ર કલાક બાદ પંજાને થોડી કળ વળી છે. આવી કારમી હાર કયાં કારણોસર મળી? તેના કારણો જાણવા અને ભવિષ્યની રૂપરેખા તૈયાર કરવા માટે કોંગ્રેસ દ્વારા પરાજયનું પોસ્ટ મોર્ટમ શરુ કરવામાં આવ્યું છે. ગઇકાલથી શરુ કરવામાં આવેલી સમીક્ષા સતત ચાર દિવસ ચાલશે આજે મઘ્ય ગુજરાત ઝોનમાંથી પંજાના પ્રતિક પરથી લડેલા અને પરાજીત થયેલા ઉમેદવારો સાથે પ્રદેશના નેતાઓ વન-ટુ – વન બેઠક યોજાશે.
ુગુજરાત વિધાનસભાની ચુંટણીમાં આમ આદમી પાર્ટીના કારણે કોંગ્રેસનો કારમો પરાજય મળ્યો છે. પાંચ વર્ષમાં જ કોંગ્રેસની 60 બેઠકો ઘટી જવા પામી છે. પ્રદેશના નેતાઓ એવી વાતો કરતા હતા કે, કોંગે્રસ 125 થી વધુ બેઠકો જીતી ગુજરાતમાં સત્તારૂઢ થશે. પરંતુ કોંગ્રેસને 1રપ બેઠકો મળવાની વાત દુર નહી માત્ર રપ બેઠકો પણ મળી નથી. ગુજરાત વિધાનસભામાં માન્ય વિપક્ષ બનવા માટે ઓછામાં ઓછી 18 બેઠકો જીતવી જરુરી છે. કોંગ્રેસ માત્ર 17 બેઠકો જ જીતી શકયું છે. વિપક્ષી નેતા પર માટે પણ કોંગ્રેસે ભાજપ સરકારની રહેમરાહે જીવવું પડશે.
ગુજરાતમાં મળેલી કારમી હારનું પોસ્ટમોર્ટમ કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા શરુ કરી દેવામાં આવ્યું છે. ગઇકાલે પ્રદેશ કાર્યાલય ખાતે સમીક્ષા બેઠકનો ધમધમાટ શરુ થઇ ગયો છે. જેમાં પ્રથમ દિવસે ઉત્તર ઝોનના પરાજીત ઉમેદવારો સાથે બેઠક યોજવામાં આવી હતી. આજે બીજા દિવસે મઘ્યઝોનના પરાજીત ઉમેદવારો સાથે વન-ટુ-વન બેઠક યોજાઇ રહી છે. આવતીકાલે દક્ષિણ ગુજરાત ઝોન અને 1પમીએ સૌરાષ્ટ્ર ઝોનની સમીક્ષા કરવામાં આવશે સ્થાનીક સ્વરાજયથી લઇ લોકસભાની ચુંટણી સુધી જયારે જયારે કોંગ્રેસ હારે છે ત્યારે ત્યારે તે ચોકકસ પરાજયની સમીક્ષા કરે છે. પરંતુ ભવિષ્યની કોઇ સચોટ વ્યુહ રચના ઘડતી નથી. જેના કારણે ગુજરાતમાં કોંગ્રેસ સતત નબળી પડી રહી છે. ખરેખર હવે કોંગ્રેસ ચિંતન નહી પરંતુ ચિંતા કરવાની આવશ્યકતા નથી.