ગુજરાતમાં ૩૨,૨૧૧ પ્રાથમિક શાળાઓ સામે ૧૦,૨૦૦ માધ્યમિક શાળાઓ: એડમિશન લેવા માટે પડતી મુશ્કેલીમાં વિદ્યાર્થીઓ શાળા છોડે છે
શિક્ષણ વિભાગ એકતરફ ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવાની અને વિદ્યાર્થીઓ અધવચ્ચેથી શિક્ષણ છોડીને જતા ન રહે તે માટે પૂરતી વ્યવસ્થા હોવાના દાવા કરે છે પરંતુ રાષ્ટ્રીય સ્તરે ઉચ્ચ પ્રાથમિક શાળાઓ સામે માધ્યમિક શાળાઓ જેટલી હોવી જોઇએ તેના રેશિયામાં દેશમાં અન્ય રાજ્યો સાથેની સરખામણીમાં ૨૫મા ક્રમે આવે છે. નાના અને અવિકસિત કહેવાય તેવા રાજ્યો પણ આ બાબતમાં ગુજરાત કરતા આગળ છે. ગુજરાતમાં સરકારી ૩૨૨૧૧ ઉચ્ચ પ્રાથમિક શાળાઓની સંખ્યા સામે ૧૦,૨૦૦ માધ્યમિક શાળા છે જે રેશિયો ૩.૧૬નો આવે છે જયારે ચંદીગઢમાં તે પ્રમાણ ૧.૧૮ અને ગોવામાં તે ૧.૧૯ છે.
બજેટનું વિશ્લેષણ કરતી પાથેય સંસ્થાના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓને શાળા જેટલી સરળતાથી ઉપલબ્ધ હશે તેટલું જ તેમનું શાળા છોડવાનું પ્રમાણ પણ ઘટશે. સ્કૂલમાં એડમીશન લેવામાં મુશ્કેલી અને ખાનગી શાળામાં વધુ ફી હોવાના ભારણના કારણે પણ ખાસ કરીને ગ્રામ્યના અને તેમાં પણ વિદ્યાર્થિનીઓ શિક્ષણ વ્યવસ્થામાંથી બહાર નીકળી જતા હોય છે. શિક્ષણનું નવું બજેટ ૨૨,૫૨૨ કરોડ રૂપિયા થવા જાય છે ત્યારે તેમાં નવી માધ્યમિક શાળાઓ પર ભાર મૂકવામાં આવે અને બાંધકામ મૂડી ખર્ચ વધે તે જરૂરી છે. ૨૦૧૪-૧૫ના વર્ષમાં કુલ બજેટમાં શિક્ષણના બજેટની ટકાવારી ૧૪.૨૪ ટકા હતી તે વર્ષ ૨૦૧૭-૧૮માં ઘટીને ૧૧.૯૪ ટકા થઇ જવા પામી છે. તે સાથે ગણિત-વિજ્ઞાન જેવા વિષયના શિક્ષકોની ઘટ, અપૂરતા વર્ગખંડ અને શિક્ષણની પધ્ધતિ વિગેરે પણ પ્રશ્નો ઉકેલાવા જરૂરી છે. ગુજરાતમાં પ્રાથમિકથી ઉચ્ચ પ્રાથમિક શાળાઓનો રેશિયો ૧:૩નો છે જેમાં ગુજરાત રાષ્ટ્રીય સ્તરે ચોથા ક્રમે છે. વર્ષ ૨૦૧૫-૧૬માં કુલ પ્રાથમિક શાળા ૪૨,૮૫૦ સામે ઉચ્ચ પ્રાથમિક શાળા ૩૨,૨૧૧ છે. તેથી માધ્યમિક શાળાની સંખ્યામાં ઝડપી ઉમેરો થાય તે જરૂરી છે.