અબતક, નવી દિલ્હીઃ
પ્રદૂષણના જટિલ પ્રશ્નને હલ કરવા હાલ સરકાર સહિત મોટાભાગના લોકો ઈ-વ્હીકલનો ઉપયોગ કરવા પર ભાર મૂકી રહ્યા છે પરંતુ ટેક્નોલોજીના જમાનામાં સાથે ચિંતા પણ વધી છે. જો તમે પહેલાથી જ સ્માર્ટફોનની બેટરીના વિસ્ફોટના સમાચારોથી પરિચીત છોવ તો આ એક નવી ચિંતા છે. ઇલેક્ટ્રિક વાહનો, ખાસ કરીને દ્વિચક્રી વાહનો અપનાવવા તરફ આપણે ખૂબ ભાર મૂકી રહ્યા છીએ. પણ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જે આપણને ચિંતા ઉપજાવે છે. વીડિયોમાં એક ઈલેક્ટ્રિક સ્કૂટરમાં વિસ્ફોટ થતો દેખાય છે. ટ્વિટર પર શેર કરવામાં આવેલ એક વિડીયોમાં જ્વાળામુખી ફાટ્યો હોય તેમ હવામાં રાખ અને ધુમાડો ઉડી રહ્યો છે. મોબાઈલની જેમ આ ઈલેક્ટ્રીક સ્કૂટરની બેટરી ફાટતા આગ ભભૂકી ઉઠી હતી.
આ વીડિયો જોઈ એમ થાય કે આમાં ઇલેક્ટ્રિક વાહનો પર ભરોસો કેમ કરવો..?? પાર્ક કરેલા એક ઇલેક્ટ્રિક સ્કૂટરમાં ઓચિંતી આગ લાગી હતી. ઇલેક્ટ્રિક સ્કૂટરમાં કેવી રીતે આગ લાગી તે અંગે કોઈ પુષ્ટિ થયેલ નથી. અથવા એમ પણ બની શકે કે કોઈએ આ ઇલેક્ટ્રિક સર્કિટ અથવા સ્કૂટરના બેટરી યુનિટ સાથે છેડછાડ કરી હોય. તેથી, સામાન્ય રીતે ઇલેક્ટ્રિક સ્કૂટરની સલામતી પર સવાલ ઉઠાવવો એ ખોટું ગણાય પરંતુ એક એવી વસ્તુ છે જે સોશિયલ મીડિયામાં દરેકને ડરાવે છે-જો ઇલેક્ટ્રિક સ્કૂટરની બેટરી ફૂટે તો તે જીવલેણ બની શકે છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં દેશભરમાં ઘણી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર કંપનીઓ સ્પર્ધાત્મક ભાવે ઇલેક્ટ્રિક સ્કૂટર ઓફર કરી રહી છે. આ સ્કૂટરને શક્તિ આપતી વિશાળ લિથિયમ આયન બેટરીઓ સાથે, દેશમાં ખૂબ ઓછી વિશ્વસનીય માહિતી અથવા બેન્ચમાર્ક ઉપલબ્ધ છે જે આ વાહનોની સલામતીની ખાતરી આપી શકે છે.