હોસ્પિટલે દલિત સમાજના ટોળા એકઠા થયા: માગણી સ્વીકારતા અંતિમ વિધી કરાઇ
ઘોઘા તાલુકાના સાણોદર ગામે છેલ્લા આઠેક વર્ષથી ચાલતી જૂની અદાવતના કારણે દસ જેટલા શખ્સોએ પ્રૌઢના મકાન પર તલવાર, ધારિયા અને પાઇપથી હુમલો કરી તોડફોડ કરી પોલીસ રક્ષણ હેઠળ રહેલા પ્રૌઢની થયેલી હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ફરજમાં બેદરકારી દાખવતા પીએસઆઇને તાકીદની અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હત્યાના ગુનામાં સંડોવાયેલા દસ પૈકી ચારને પોલીસે ધરપકડ કરતા મૃતદેહ સ્વીકારી અંતિમ વિધી કરવામાં આવી છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સાણોદર ગામના અમરાભાઇ મેઘાભાઇ બોરીચા નામના દલિત પ્રૌઢની ભયલુભા નિરૂભા ગોહિલ, શક્તિસિંહ નિરૂભા, જયરાજસિંહ રાજુભા, કનકસિંહ હારિતસિંહ, પદુભા હારિતસિંહ, મુન્નાભાઇ ગોહિલ, મનોહરસિંહ જગદીશસિંહ, મનોહરસિંહ છોટુભા, હરપાલસિંહ ગીરીરાજસિંહ અને વિરમદેવસિંહ હરદેવસિંહે તલવાર, ધારિયા, કુહાડી, પાઇપ અને ધોકાથી હુમલો કરી હત્યા કર્યાની મૃતકની પુત્રી નિર્મળાબેન બોરીચાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મૃતક અમરાભાઇ બોરીચાને 2013માં દરબારો સાથે મારામારીના કેસમાં સમાધાન થયુ ન હતુ અને કેસની સુનાવણી પુરી થતા આગામી તા,8મીએ ચુકાદો આવે તે પૂર્વે અમરાભાઇ બોરીચાએ પોલીસમાં અરજી કરી રક્ષણની માગણી કરતા ગત જાન્યુઆરી માસમાં બે જીઆરડી જવાનનું રક્ષણ આપવામાં આવ્યું હતું.
ગઇકાલે ચૂંટણીના વિજય સરઘસ દરમિયાન અમરાભાઇ બોરીચાના ઘર પાસેથી પસાર થયું ત્યારે દસ જેટલા દરબારોએ ઘાતક હથિયાર સાથે તેના મકાનમાં ઘુસી ગયા હતા અને હુમલો કરતા પિતાને બચાવવા વચ્ચે પડેલી પુત્રી નિર્મળાબેન બોરીચાના માથામાં ધારિયું લાગ્યું હતું. જ્યારે રક્ષણ માટે રહેલા બે જીઆરડી જવાનોએ સમગ્ર બનાવ મોબાઇલમાં રેકોર્ડીગ કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.
અમરાભાઇ બોરીચાની હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા મોટી સંખ્યામાં દલિત સમાજ હોસ્પિટલ એકઠો થયા બાદ ફરજમાં બેદરકારી દાખવતા પીએસઆઇ સામે કાર્યવાહી કરવા અને હત્યાના ગુનામાં સંડોવાયેલા તમામને તાકીદે ઝડપી લેવાની માગણી કરતા રેન્જ આઇજી અશોકકુમાર યાદવે ફરજમાં બેદરકારી દાખવતા પીએસઆઇ સોલંકીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હત્યાના ગુનામાં સંડોવાયેલા ચારની ધરપકડ કરી અન્યની શોધખોળ હાથધરી છે.