જૂનાગઢ વેટનરી કોલેજના નિષ્ણાંતો સૂચવે છે ઉપાયો
ચોમાસું આવે એટલે પાણીજન્ય આવે. ચોમાસામાં લોકોએ પોતાના આરોગ્યની તકેદારી રાખવી પડે છે. તેવી રીતે પાલતું પ્રાણીઓની પણ વિશેષ સાર સંભાળ રાખવી પડે છે. આ ઉપરાંત હાલના કોરોના રોગવાળા સમયે પણ ખાસ કાળજી લેવી જરૂરી છે. પાલતું પ્રાણીઓની ચોમાસામાં કેવી સાર સંભાળ રાખશો અંગે જૂનાગઢ કૃષિ યુનિ. વેટનરી કોલેજના આચાર્ય પી.એચ. ટાંક તથા સહ પ્રાધ્યાણપક ડો. એ.આર. અહલાવતે કેટલીક માહિતી રજૂ કરી છે તે અત્રે પ્રસ્તુત છે.
વિશ્વભરમાં કોરોના વાયરસથી અસરગ્રસ્ત થયેલા પ્રાણીઓની સંખ્યા ઓછી છે. આ રોગ વિશેની વર્તમાન સમજ મુજબ શ્વાન અને બિલાડી કોરોના વાયરસનાં વાહક નથી, છતા પાલતું પ્રાણીઓને સલામત અને સુરક્ષિત રાખવા આ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ.
કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિએ ઘરના કે બીજા પાલતું પ્રાણીઓ સાથેનો સંપર્ક, પ્રાણીઓને પમ્પાળવાનું, માવજત(ગ્રૂમિંગ), પ્રાણીઓ દ્વારા ચાટવું, શરીરને ઘસવું, પુંછડીને સ્પર્શ કરવો તેમજ તમારો ખોરાક અને તમારી પથારી વહેંચવી વગેરે ટાળવું જોઈએ, તેમજ તેમના ટુવાલ, બ્રશ, ખોરાક, પાંજરા કે અન્ય વસ્તુઓ સાથેનો સંપર્ક પણ ટાળવો જોઈએ. આ માટે પરીવારના અન્ય કોઈ પણ સ્વસ્થ સભ્યનેઆ જવાબદારી સોંપી શકાય છે.
જો તમે બીમાર છો તો માસ્ક પહેરો અથવા કાપડ વડે ચહેરાને ઢાંકો અનેહાના મોજાં (ગ્લોવ્ઝ)નો ઉપયોગ કરો. પ્રાણીઓ સાથે સંપર્ક કર્યા પહેલા અને પછી તમારા હાથ કોઈપણ સાબુ કે હેન્ડવોશથી ધોવા અથવા તો સેનીટાઈઝરનો ઉપયોગ કરવો.
જો તમે કોવિડ-૧૯ થી સંક્રમિત છો અને તમારું પાલતું પ્રાણી બીમાર થાય તો તમારે તેને પશુ ચિકિત્સાલય/વેટેરીનરી કલીનીક પર લઇ જવું નહિ. આવી પરિસ્થિતિમાં તમારા પશુ ચિકિત્સકને ફોન કરીને જણાવો કે તમે કોવિડ-૧૯ થી સંક્રમિત છો. કોરોના સંક્રમિત વ્યક્તિઓના સીધા સંપર્કમાં આવેલા પાલતું પશુ(પેટ)ને ગેસ્ટ્રોઇન્ટેન્સ્ટીનલ (પેટ અને આંતરડાની બીમારી) કે રેસ્પાઈરેટરી(શ્વાચ્છોશ્વાસની બીમારી) ને લગતા ચિહ્નો માટે દેખરેખ હેઠળ રાખવા જોઈએ. જો તમારા પ્રાણીઓને કફ જણાય તો તુરંત જ પશુચિકિત્સકનો સંપર્ક કરવો.જો તમારા પાલતું પ્રાણીઓને હોસ્પિટલે લઇ જવા જ પડે તેમ હોય તો એક કે બે વ્યક્તિએજ પ્રાણીઓને હોસ્પિટલે લઇ જવા. પરંતુ તેવા સમયે પશુપાલકે હેન્ડ ગ્લોવ્સ અને માસ્ક પહેરવા તથા સામાજિક દુરી જેવી બાબતોની ખાસ સાવચેતી રાખવી.
શક્ય હોય ત્યાં સુધી આપનાં પાલતું પશુ(પેટ) ને ઘરની અંદર જ રાખો.જો તમારે તમારા શ્વાન ને વોક પર બહાર લઇ જવાનું થાય તો બીજા વ્યક્તિઓથી તમારા શ્વાનનું અંતર ૬ ફૂટ જેટલું દુર જાળવવા પ્રયત્ન કરવો અને એકલતા વાળા એવા બગીચા કે અન્ય જાહેર સ્થળો કે લઇ જાઓ જ્યાં વધુ માણસો તથા પ્રાણીઓ ભેગા થવાની શક્યતા ન હોય. તમારા પાલતું પશુના બીજા પશુ સાથની સામાજિક દુરીનું ધ્યાન રાખવું જોઈએ.
બહારથી ઘરની અંદર આવતા પહેલા તમારાપાલતું પશુ(પેટ) સ્વચ્છ છે કે નહિ તે સુનિશ્ચિત કર્યા પછી જ અંદર આવવા દેવું. કારણ કે તે બહારથી સંક્રમિત જીવાણુંઓનો ચેપ ઘરની અંદર લાવી શકે છે.તેમના ઘરમાં પ્રવેશ કરતા પહેલા પગના પંજા જંતુનાશક દ્રાવણ દ્વારા ચોખ્ખાં કરી લૂંછવા અને તેમના શરીરના વાળ બરાબર બ્રશ વડે સાફ કરવા જોઈએ. આપનાં પશુ(પેટ)નાં પાંજરા તથા ઘર સાત કે દસ દિવસે એક વાર જંતુરહિત/ડીસઇન્ફેક્ટેડ કરવા.
બાળકો તથા વૃધ્ધો ને પાલતું પશુ(પેટ)થી દૂર રાખવાનો પ્રયત્ન કરો.
જો તમારે તમારા પાલતું પશુ(પેટ)થી થોડા સમય માટે દૂર જવું પડે તો તેમની સલામતી અને સાર-સંભાળ માટે આગોતરૂ આયોજન કરો. આ માટે એક ઈમરજન્સી કિટ તૈયાર રાખો કે જેમાં તમારા પાલતું પશુમાટે જરૂરી દવાઓ હોય.
પ્રાણીઓમાંથી માણસમાં સંક્રમણ થવાનું જોખમ ઘણું ઓછુ છે. પરંતુ આજની તારીખમાં તેના વિષે પુરતી માહિતી ઉપલબ્ધ નથી. અને છેલ્લે, જો ભવિષ્યમાં તમને સંક્રમણ થાય તો તમારી પાસે તમારા પશુ(પેટ)ની સાર સંભાળ કરી શકે તેવા ભરોસાપાત્ર મિત્રો, ઘરના સભ્યો કે બોર્ડિંગની સુવિધાઓ પૂર્વ નિર્ધારિત હોવી જોઈએ.