શહેરમાં બે દિવસ દરમિયાન પડેલા 8 ઈંચ વરસાદમાં કોર્પોરેશને રાજમાર્ગો પર ખાડા ઢાંકવા માટે લગાવેલા પેચવર્કના થીંગડા તુટી ગયા હતા. મેટલીંગ કરાયેલા રોડની દશા તો ગામડાના રસ્તાઓથી પણ વધુ બદતર બની જવા પામી છે. ખૂબજ ટૂંકા સમયમાં અને સામાન્ય વરસાદમાં પેચવર્કના થીંગડા ક્યાં કારણોસર તૂટી ગયા તેનો રિપોર્ટ આપવા મેયર ડો.પ્રદિપ ડવે મ્યુનિ.કમિશનર અમિત અરોરા પાસે કડક ઉઘરાણી કરી છે. જરૂરી પડે એજન્સી સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની સુચના આપી દેવામાં આવી છે.
શહેરમાં દર વર્ષે ચોમાસાની સીઝનમાં રાજમાર્ગોની દશા બિસ્માર હાલતમાં ફેરવાય જાય છે. તંત્ર દ્વારા એક જ કારણ આપવામાં આવી રહ્યું છે કે, પાણી અને ડામરને હાડવેર હોવાના કારણે રોડનું ધોવાણ થઈ જાય છે. દર વર્ષે ડામર તૂટે નહીં અને નવા બનાવવાની નોબત ન આવે તે માટે હવે ગેરંટીવાળા રોડ બનાવવામાં આવી રહ્યાં છે તેના પણ માઠા પરિણામો પ્રાપ્ત થઈ રહ્યાં છે. અગાઉ તાઉતે વાવાઝોડુ અને સામાન્ય વરસાદના કારણે શહેરના અલગ અલગ રાજમાર્ગો પર રોડ પર પડેલા ખાડાઓ બુરવા માટે કોર્પોરેશન દ્વારા પેચવર્ક કરવામાં આવ્યા હતા.
દરમિયાન શનિ-રવિમાં પડેલા 8 ઈંચ જેટલા વરસાદમાં પેચવર્કના થીંગડા રોડ પરથી ઉખડી ગયા હતા અને પાણીમાં તણાઈ ગયા હતા. અનેક રાજમાર્ગોની દશા ફરી ખાડાનગરમાં ફેરવાઈ જવા પામી છે. સામાન્ય વરસાદ અને ખૂબજ ટૂંકાગાળામાં પેચવર્કના થીંગડાનું ધોવાણ થતાં મેયર ડો.પ્રદિપ ડવે આ અંગે મ્યુનિ.કમિશનર અમિત અરોરાને તાત્કાલીક અસરથી રિપોર્ટ આપવા તાકીદ કરી છે. ત્રણેય ઝોનમાં પેચવર્ક કરવામાં આવેલા રાજમાર્ગો પર વરસાદના કારણે ક્યાં ક્યાં સ્થળે થીંગડા ફરી ઉખડી ગયા છે તેની યાદી આપવામાં પણ જણાવવામાં આવ્યું છે. થીંગડા મારનાર એજન્સી કે ઝોનલ કોન્ટ્રાકટર સામે જરૂર પડે તો શિક્ષાત્મક કાર્યવાહી કરવા પણ તાકીદ કરવામાં આવી છે.
શહેરના અનેક રાજમાર્ગો પર સ્ટોર્મ વોટર ડ્રેનેજ પાઈપ લાઈન નાખવા, ડીઆઈ પાઈપ લાઈન નાખવા, ગેસની પાઈપ લાઈન નાખવા સહિતના વિવિધ કામો માટે રોડનું ખોદાણ કરવામાં આવ્યું છે. આ રોડ પર મેટરીંગ કરાયું છે. ચોમાસાની સીઝનમાં જે રાજમાર્ગો પર મેટલીંગ કરવામાં આવ્યું છે તેની દશા અત્યંત દયનીય થવા પામી છે. મેટલીંગ કરાયેલા રોડ ગામડાના કાચા રસ્તાથી પણ બદતર થઈ ગયા છે.
અહીં કાદવ, કિચડના કારણે બેફામ ગંદકી વધી છે અને વરસાદી પાણી ભરાવાના કારણે હવે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે. આવામાં રોગચાળો પણ ફાટી નીકળવાનો ભય રહેલો છે. સ્માર્ટ સિટી બનવા તરફ આગળ વધી રહેલા રાજકોટમાં સામાન્ય વરસાદમાં ગોઠણડુબ પાણી ભરાવાની અને વરસાદ બાદ રોડ પર મસમોટા ખાડા પડવાની વણલખી પરંપરા દર વર્ષે જોવા મળે જ છે. લાખો પ્રયાસો કરવા છતાં શહેરીજનોને આ સમસ્યામાંથી ક્યારેય મુક્તિ મળતી નથી.