YES કે ‘નો’ બેંક!!!
બેંકનાં ખાતેદારો ૫૦,૦૦૦ રૂપિયા જ ખાતામાંથી પ્રતિ માસ ઉપાડી શકશે : ઉચ્ચ અભ્યાસ, લગ્ન અને અન્ય મહત્વપૂર્ણ પ્રસંગોમાં ૫ લાખ રૂપિયાની અપાઈ છૂટ
પૈસા ઉપાડવા મુદ્દે આરબીઆઇએ મુકેલા પ્રતિબંધના પગલે ખાતાધારકોમાં ફફડાટ : રાજકોટની યસ બેંક બહાર ટોળે ટોળા ઉમટ્યા : પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
નાણાના ઉપાડ પર મુકવામાં આવેલા નિયંત્રણને ‘રીવાઈવલ’ પ્લાન પછી દુર કરાશે : રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા મર્જર અથવા રિવાઈવલ પ્લાનને અમલી બનાવવા કાર્યરત
રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગુરૂવારે મોડી સાંજે સંકટમાં ઘેરાયેલી યશ બેંક પર નાણા ઉપાડ પરની મર્યાદા મુકી છે ત્યારે હવે બેંકનાં ખાતાધારકો પ્રતિ માસ ૫૦,૦૦૦ રૂપિયા જ બેંકમાંથી ઉપાડી શકશે. જયારે બીજી તરફ ખાતેદાર એટીએમ અથવા ઓનલાઈન વ્યવહાર નહીં કરી શકે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ઓગસ્ટ-૨૦૧૮માં બેંકનાં સંચાલન અને લોનના મામલે ખામી જણાવી હતી અને તાકિદે આરબીઆઈએ યશ બેંકનાં વડાની હકાલપટ્ટી કરી હતી. યશ બેંકની વાત કરવામાં આવે તો બેડ લોનનું પ્રમાણ ખુબ જ વધી જતા જે નુકસાની પહોંચી હતી તેની ભરપાઈ કરવામાં બેંક ઉણી ઉતરતા રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા આ પગલુ લેવામાં આવ્યું છે. સાથોસાથ આરબીઆઈએ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ ચીફ ફાયનાન્સ ઓફિસર પ્રશાંત કુમારને યશ બેંકનાં એડમિનિસ્ટ્રેટર તરીકે નિયુકત કર્યા છે. હાલ જે કોઈ યશ બેંકનાં ખાતેદારો છે તેઓને મેડિકલ ઈમરજન્સી, લગ્ન પ્રસંગ અને ઉચ્ચ અભ્યાસ માટે વધુ ઉપાડની મંજુરી આપવામાં આવી છે.
ભારતીય રિઝર્વ બેંકે નાણાકીય સંકટનો સામનો કરી રહેલી ખાનગી ક્ષેત્રની યસ બેંકના બોર્ડને વિખેરી નાંખીને વહીવટદારની નિમણૂક કરી દીધી છે. તે સાથે જ આરબીઆઈએ ગુરુવારે બેંકના ગ્રાહકો પર ઉપાડની મર્યાદા સહિત આ બેંકના બિઝનેસ પર ઘણા પ્રકારના પ્રતિબંધો મૂકી દીધા છે. આરબીઆઈએ આગામી આદેશ સુધી બેંકના ગ્રાહકો માટે ઉપાડની મર્યાદા ૫૦,૦૦૦ રૂપિયા નક્કી કરી છે. હવે આ બેંકના ગ્રાહકો આગામી એક મહિનામાં ૫૦ હજાર રૂપિયાથી વધુ પોતાના
ખાતામાંથી ઉપાડી શકશે નહીં. આ આદેશ ૫ માર્ચ, ૨૦૨૦ એટલે કે આજે સાંજે ૬ વાગ્યાથી પ્રભાવી થઈ ગયો છે અને તે ૩ એપ્રિલ, ૨૦૨૦ સુધી પ્રભાવી રહેશે. બેંકનું નિયંત્રણ ભારતીય સ્ટેટ બેંકના નેતૃત્વમાં નાણાકીય ઈન્સ્ટિટ્યૂસન્સના એક જૂથના હાથમાં આપવાની તૈયારી કરવામાં આવી છે. આરબીઆઈએ મોડી સાંજે સ્ટેટમેન્ટમાં કહ્યું કે, યસ બેંકના બોર્ડને તાત્કાલિક પ્રભાવથી ભંગ કરી દેવાયું છે અને ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઈ)ના પૂર્વ સીએફઓ પ્રશાંત કુમારને યસ બેંકના એડમિનિસ્ટ્રેટર નિયુક્ત કરાયા છે. આ પહેલા લગભગ છ મહિના અગાઉ આરબીઆઈએ મોટું કૌભાંડ બહાર આવ્યા બાદ પીએમસી બેંક (પંજાબ એન્ડ મહારાષ્ટ્રા કો-ઓ બેંક)ના મામલામાં પણ આ જ પ્રકારનું પગલું ઉઠાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, યસ બેંક ઘણા સમયથી એનપીએની સમસ્યાનો સામનો કરી રહી છે. એક દિવસ પહેલા જ સરકારે એસબીઆઈ અને અન્ય અન્ય નાણાકીય સંસ્થાઓને યસ બેંકને ઉગારવાની મંજૂરી આપી હતી. આ દરમિયાન અહેવાલ છે કે, એસબીઆઈ અને અન્ય નાણાકીય સંસ્થાઓ રોકડ સંકટનો સામનો કરી રહેલી ખાનગી ક્ષેત્રની યસ બેંકને સંકટમાંથી ઉગારશે. સૂત્રોએ ગુરુવાર આ જાણકારી આપતા કહ્યું કે, સરકારે એસબીઆઈની આગેવાનીવાળા બેંકોના સમૂહને યસ બેંકના અધિગ્રહણની મંજૂરી આપી દીધી છે. દિવસભર યસ બેંકને લઈને ગતિવિધિઓ ચાલતી રહી. આ દરમિયાન એસબીઆઈનાા બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠખ પણ મળી.
એવી પણ ચર્ચાઓ છે કે, એલઆઈસીને જાહેર ક્ષેત્રની બેંકો સાથે મળીને ભાગીદારી ખરીદવાની યોજના પર કામ કરવા કહેવાયું છે. કુલ મળીને બંનેની યસ બેંકમાં ભાગીદારી ૪૯ ટકા રહી શકે છે. યસ બેંકમાં એલઆઈસી પહેલા જ ૮ ટકા ભાગીદાર છે. ઉલ્લેખનીય છે કે, કેટલાક સપ્તાહ પહેલા એ પ્રકારની અટકળો હતી કે, યસ બેંકને સરકાર બહાર આવવામાં મદદ કરશે. એ સમયે એસબીઆઈના ચેરમેન રજનીસ કુમારે પણ કહ્યું હતું કે, સંકટમાં ફસાયેલી બેંકને બંધ નહીં થવા દેવાય. મુંબઈ હેડક્વાર્ટર ધરાવતી યસ બેંક ઓગસ્ટ ૨૦૧૮થી સંકટમાં છે. એ સમયે રિઝર્વ બેંકે બેંકના સંચાલન અને લોન સાથે સંલગ્ન ખામીઓના કારણે તાત્કાલીન ચીફ રાણા કપૂરને ૩૧ જાન્યુઆરી, ૨૦૧૯ સુધી પદ છોડવા કહ્યું હતું. તેમના ઉત્તરાધિકારી રવનીત ગિલના નેતૃત્વમાં બેંકે સંકટગ્રસ્ત લોનની યાદી પ્રકાશિત કરી. બેંકને માર્ચ ૨૦૧૯ની ક્વાર્ટરમાં પહેલી વખત ખોટ થઈ. યસ બેંકે શરૂઆતમાં બે અબજ ડોલરની પૂંજી એકત્ર કરવાની યોજના બનાવી હતી. આ અંગે ઘણા પ્રસ્તાવો પર વિચાર-વિમર્શ થયો હતો, પરંતુ કોઈના પર અમલી થઈ શક્યો નહીં.