સરકાર મોડી મોડી જાગી ને ‘રાત થોડી વેશ જાજા’ની ભૂમિકા બજવે છે
સરકાર જેમ ચૂંટણી માટે નક્કર આયોજન કરે છે તેમ જળ સંચય માટે કેમ નહિં? ખેડૂતોનો સો મણનો સવાલ
દર વર્ષે એક જ ચિત્ર, ઉનાળાના મધ્યમાં કામો શરૂ થાય અને વરસાદ આવ્યે કામ અધૂરૂં રહી જાય
જળ છે તો જ જીવન છે. આ ઉક્તિને સરકાર ગંભીરતાથી ન લેતી હોય તેવું લાગી રહ્યું છે. જળ સંચયના કામોમાં સરકાર મોડી મોડી જાગીને રાત થોડી વેશ જાજાની ભૂમિકા ભજવે છે. દર વર્ષે કામ મોડા શરૂ કરવાની સરકારની કુટેવથી ખેડૂતો પાયમાલ થવા તરફ છે. દર વર્ષે કામ ઉનાળાના મધ્યમાં શરૂ થાય છે અને વરસાદ આવ્યે કામ ખોરંભે ચડી જાય છે. સરકારની આ ઢીલાશથી હાલ તો ખેડૂતો પાયમાલ થવા તરફ છે. સરકાર દ્વારા દર ઉનાળે જળસંચયના કામો શરૂ કરવામાં આવે છે. જે ચોમાસા સુધી ચાલુ રહે છે. આ કામોમાં સરકાર મસમોટી જાહેરાતો અને ઉદ્ઘાટન કાર્યક્રમમાં સમય વેડફી નાખે છે. આવું કરવાને બદલે સરકાર જો શિયાળામાં જેમ ડેમ ખાલી થતા જાય તેમ કામ શરૂ કરવાનું આયોજન હાથ ધરે તો ખેડૂતોને ક્યારેય પાણીની તંગી સર્જાશે નહિ. ગુજરાત રાજ્યમાં એકંદરે વરસાદ પણ સારો પડે છે. પણ આ વરસાદનું પાણી વ્યવસ્થિત રીતે સંગ્રહ ન થવાથી દર વર્ષે પાણીની મોકાણ સર્જાઈ છે. મોટા ભાગના ખેડૂતોને પોતાની જમીનમાં જે કૂવો હોય છે તેના આધારે જ ખેતી કરવી પડે છે.
સરકાર દ્વારા જળ સંચય માટે અભિયાનની દર વર્ષે મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે. પણ ગ્રામ્ય કક્ષાએથી જળ સંચાયના પ્રશ્નો દર વર્ષે ઉભાને ઉભા જ હોય છે. મતલબ કે ખેડૂતોને વિશ્વાસમાં લઈને કે ખેડૂતોની રજૂઆતને ધ્યાનમાં રાખીને કોઈ કામ થતા નથી તે સ્પષ્ટ વાત છે. અધુરામાં પૂરું સ્થાનિક તંત્ર જળસંચયના કામો માટે આયોજન ઘડવા બેઠકો યોજે છે. તેમાં ખેડૂત આગેવાનોને બોલાવે છે. બાદમાં આ જ ખેડૂત આગેવાનો જળસંચય જળ સંચાયના કામોને લઈને સ્થાનિક તંત્ર સમક્ષ વિરોધનો સુર ઉઠાવે છે. એનો મતલબ પણ એ જ થાય છે કે ખેડૂત આગેવાનોને માત્રને માત્ર દેખીતી રીતે જ હાજર રાખવામાં આવે છે. તેઓના સૂચન અંગે જરા પણ ધ્યાન દેવાતું નથી.
જળ સમસ્યા દૂર કરવા પ્રથમ વરસાદી પાણી માટે યોગ્ય સંગ્રહ વ્યવસ્થા કરવી જરૂરી છે. માત્ર સૌની યોજના ઉપર આધાર રાખવો તે અયોગ્ય છે. રાજ્યમાં પૂરતો વરસાદ પડે જ છે. છતાં પણ ખેડૂતોને પાણીની સમસ્યા સર્જાય તો તે સરકારની નિતિમાં ખોટ દર્શાવે છે.
શિયાળામાં જેમ ચેકડેમો અને તળાવો ખાલી થતા જાય તેમ કામ શરૂ કરવું જોઈએ
શિયાળામાં જેમ ચેકડેમો ખાલી થતા જાય તેમ સરકારે કામ શરૂ કરી દેવું જોઈએ.કારણકે ઉનાળામાં કામ શરૂ કરવામાં આવતા સમય ખૂબ ઓછો મળે છે સામે વરસાદ આવતા જ કામ બંધ કરવાની નોબત આવે છે. માટે સરકારે આયોજનબદ્ધ રીતે જળ સંચય અભિયાનને શિયાળાથી જ શરૂ કરી દેવું જોઈએ તેવી ખેડૂતોએ માંગણી ઉઠાવી છે.
જેટલા ચેકડેમોનું રીપેરીંગ થાય છે તેનાથી વધુ તો તૂટી જાય છે!!
દર વર્ષે સરકાર જળ સંચય અભિયાન શરૂ કરી ચેકડેમોનું રીપેરીંગ કામ, તેને ઊંડા ઉતારવાનું કામ અને નવા ચેકડેમો બનાવવાનું કામ શરૂ કરે છે. પણ સમસ્યા એ છે કે જેટલા ચેકડેમોનું રિપેરીંગ કામ થાય છે. તેનાથી વધુ ચેકડેમો તો તૂટી જાય છે. આ વેદના ખેડૂતો સ્થાનિક કક્ષાએ વારંવાર રજૂ કરે છે પણ તેની રજૂઆતો સામે આંખ આડા કાન કરી દેવામાં આવે છે.
ડેમ ક્યાં વિભાગમાં આવે છે તે શોધવામાં જ ખેડૂતોના ચપ્પલ ઘસાઈ જાય છે!
કોઈ ખેડૂત પોતાના નજીકના ડેમના કામ અંગે રજુઆત કરવા ઈચ્છે તો સરકારી કચેરીઓ તેઓના ચપ્પલના તળિયા ઘસાવી નાખે છે. ખેડૂત મહિનાઓ સુધી કચેરીઓમાં ભટકે તો પણ ડેમ કયા વિભાગમાં આવે છે તે જાણી શકતો નથી. કદાચ જો ખેડૂતને જે તે વિભાગ અંગે જાણકારી મળી જાય તો પણ તેનું કામ થતું નથી.
ખેડૂત સ્વખર્ચે તળાવ ઊંડા ઉતારવા માંગે તો પણ ઓફિસના ધક્કા થાય છે
સરકારની ઢીલી નીતિથી કંટાળેલા ઘણા ખેડૂતો તળાવ કે ડેમના કામો સ્વખર્ચે કરાવાનું નક્કી કરી લ્યે છે. પણ સમસ્યા એ થાય છે કે ખેડૂતોને સ્વખર્ચે પણ કામ કરવાની મંજૂરી મળતી નથી. સ્થાનિક કચેરીઓમાં તે ધક્કા ખાઈ ખાઈને થાકી જાય છે પણ તેને મંજૂરી મળતી નથી. આ સમસ્યા અંગે ખેડૂત સંગઠને અવાજ પણ ઉઠાવ્યો છે. જેનું નિરાકરણ આવે છે કે કેમ તે જોવું રહ્યું.