ભારતની ખાનગી યુનિવર્સિટીમાં MBBSનો ખર્ચ કરોડોમાં, તેની સામે રશિયા અને યુક્રેનની યુનિવર્સિટીની ફી માત્ર 20 લાખ જેટલી
અબતક, નવી દિલ્હી
રશિયાએ યુક્રેન સામે સૈન્ય કાર્યવાહી કરતા ત્યાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાઈ ગયા છે. જે ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાઈ ગયા છે તે પૈકી મોટાભાગના વિદ્યાર્થીઓ મેડિકલમાં અભ્યાસ કરવા માટે ત્યાં ગયા હતા. સરકારી આંકડા પ્રમાણે યુક્રેનમાં આશરે 18 હજાર ભારતીય વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે.જ્યારે રશિયામાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 14 હજાર છે. આ બન્ને દેશમાં લગભગ 32 હજાર વિદ્યાર્થી છે. હવે પ્રશ્ન એ છે કે આટલી મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વિદેશમાં અને ખાસ કરીને યુક્રેન તથા રશિયા જ શા માટે જાય છે.
ભારતમાં કેટલીક પ્રાઈવેટ કોલેજો અને ડીમ્ડ યુનિવર્સિટીમાં તો આશરે પાંચ વર્ષના કોર્સ માટે રૂપિયા 90 લાખથી એક કરોડ સુધી પણ ખર્ચ થઈ જતો હોય છે. આ ઉપરાંત ભારતમાં આશરે એક લાખ બેઠકો માટે 16 લાખ વિદ્યાર્થી પરીક્ષા આપે છે. વિદ્યાર્થીઓને કોચિંગ માટે પણ લાખો રૂપિયા ખર્ચ કરવો પડે છે.અનેક ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેન, રશિયા, ફિલિપાઈન્સ અને બાંગ્લાદેશ જેવા દેશોમાં જાય છે. ભારતની તુલનામાં આ દેશોમાં મેડિકલનો અભ્યાસ ઘણો સસ્તો છે.અલબત દેશમાં અંડરગ્રેજ્યુએટ લેવલના મેડિકલની કેટલી સીટ છે તે અંગે કોઈ ચોક્કસ આંકડા નથી. કોચિંગ ઈન્સ્ટિટ્યુટના મતે દેશની સરકારી કોલેજોમાં અંડરગ્રેજ્યુએટ લેવલની 40,000 બેઠક છે. આ પૈકી પાંચ વર્ષના એમબીબીએસ કોર્સ માટે રૂપિયા 1 લાખથી ઓછી છે.
રશિયામાં અંદાજે 20 લાખ જેટલા ખર્ચમાં ડોકટર બની જવાય છે
બીજી બાજુ મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ ડોક્ટર તરીકે પોતાની કારકિર્દી ઘડવા માટે અન્ય દેશોમાં જાય છે. યુક્રેન, રશિયા, કઝાકસ્તાન વગેરે દેશો વિદ્યાર્થીઓ માટે સૌથી પસંદગીના દેશ છે. આ ઉપરાંત હવે મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ ફિલિપાઈન્સ અને બાંગ્લાદેશ પણ જઈ રહ્યા છે. બાંગ્લાદેશમાં ડોક્ટર બનવા પાછળ રૂપિયા 25થી રૂપિયા 40 લાખ ખર્ચ થાય છે. ફિલિપાઈન્સમાં એમબીબીએસ અભ્યાસ ક્રમ પાછળ રૂપિયા 35 લાખ અને રશિયામાં રૂપિયા 20 લાખ ખર્ચ થાય છે. આ ખર્ચમાં હોસ્ટેલ ખર્ચનો પણ સમાવેશ થઈ જાય છે.
યુક્રેનની ડિગ્રીથી વિશ્વના ગમે તે દેશમાં પ્રેક્ટિસ થઈ શકે છે
ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેન મેડિકલ ક્ષેત્રમાં શિક્ષણ મેળવવા સૌથી પસંદગીનો દેશ છે. આ દેશમાં મેડિકલમાં ભારત જેવી કોઈ જ ગળાકાપ સ્પર્ધાનો સામનો કરવો પડતો નથી. આ ઉપરાંત આ દેશમાંથી મેડિકલ ક્ષેત્રે જે ડિગ્રી મળે છે તે ભારત ઉપરાંત વિશ્વ સ્વાસ્થ સંસ્થા,યુરોપ અને બ્રિટનમાં માન્યતા ધરાવે છે. એટલે કે યુક્રેનથી તબીબી શિક્ષણ મેળવનાર વિદ્યાર્થી વિશ્વમાં ગમે ત્યાં પ્રેક્ટિસ કરી શકે છે. આ ઉપરાંત મેડિકલ ક્ષેત્રનું શિક્ષણ આર્થિક દ્રષ્ટિએ પણ ભારતની તુલનામાં યુક્રેનમાં ઘણુ સસ્તુ છે.
યુક્રેનની કોલેજોમાં વાર્ષીક ફી માત્ર 4થી 5 લાખ
યુક્રેનની કોલેજોમાં એમબીબીએસના અભ્યાસની વાર્ષિક ફી રૂપિયા 4-5 લાખ છે, જે ભારતની તુલનામાં ઘણી ઓછી છે. ભારતમાં સરકારી કોલેજોમાં 4.5 વર્ષના અભ્યાસ માટે રૂપિયા 10થી 12 લાખનો ખર્ચ થાય છે જ્યારે પ્રાઈવેટ કોલેજમાં આ ખર્ચ રૂપિયા 50 લાખથી પણ વધારે થઈ જાય છે,જે દરેક વિદ્યાર્થીને પરવડે તેમ હોતો નથી.
ગવર્નમેન્ટ કોલેજમાં એડમિશન ન મળતા વિદ્યાર્થીઓ વિદેશની યુનિવર્સિટીનો વિકલ્પ શોધે છે
દેશમાં પ્રત્યેક વર્ષ લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ નિટની પરીક્ષા આપે છે. આ પૈકી અનેક વિદ્યાર્થીઓ કટ ઓફ લિસ્ટમાં આવી જાય છે. પણ તેમને સરકારી મેડિકલ કોલેજોમાં પ્રવેશ મળતો નથી. આ પ્રકારના વિદ્યાર્થીઓને ડોક્ટર બનવાનું સ્વપ્ન પૂરું કરવા માટે ખાનગી મેડિકલ કોલેજમાં એક કરોડ કરતા વધારે ફી ચુકવવી પડે છે. પણ દરેક વિદ્યાર્થી આટલી મોટી રકમની ફી ચુકવી શકે તેવી સ્થિતિ ધરાવતા નથી. આ સંજોગોમાં તેમનું ડોક્ટર બનવાનું સ્વપ્ન અધુરું રહી જાય છે.