લોકોના સુખે સુખી અને લોકોના દુ:ખે દુખી, એ પ્રજાવત્સલ લોકસેવકનું આગવું લક્ષણ છે. ગુજરાત રાજયમાં હાલમાં જ પસાર થયેલ તાઉતે વાવાઝોડા અને હાલની કોરોના મહામારીના સમયમાં લોકોને વિપદામાં પડતી મુશ્કેલીઓનું જાત નિરીક્ષણ કરી તેનો ઉકેલ લાવવા રાજયના પાણીપુરવઠા અને પશુપાલન ખાતાના મંત્રી કુંવરજીભાઇ બાવળિયા સતત જનસંપર્કમાં રહે છે.
તાજેતરમાં મંત્રી બાવળીયાએ જસદણ તાલુકાના ચીતલીયા, નાની લાખાવડ, કોઠી, ખડવાવડી, ગઢીયા(જામ), આધીયા સહિત વિવિધ ગામોની જાત મુલાકાત લીધી હતી. આ તકે તેઓેએ વાવાઝોડા સંદર્ભે થયેલ નુકશાની, કોરોના અંગેના આરોગ્યલક્ષી પશ્નો, રસીકરણ સહિત દરેક ગામના આગેવાનો અને ગ્રામજનો સાથે પાયાના પ્રશ્નો જેવા કે પીવાના પાણી, આરોગ્ય, કોરોના રસીકરણ, વીજળી વગેરે બાબતોને લઈને વિસ્તૃત ચર્ચા કરી આગામી દિવસોમાં આ પ્રશ્નોનો ઝડપી ઉકેલ આવે એ માટે સંલગ્ન અધિકારીઓને સ્થળ પરથી જ સૂચના આપી હતી.
જસદણ પંથકના ગામડાઓમાં પીવાના પાણી સહિતના પ્રશ્ર્નોની માહિતી મેળવી ત્વરીત ઉકેલવા મંત્રીની અધિકારીઓને સૂચના
મંત્રી બાવળિયાએ કોરોનાને અટકાવવા રસીકરણ એ એક માત્ર અમોઘ શસ્ત્ર હોવાનું અને સરકારી ધોરણો અનુસાર ગામના તમામ લોકો અને ખાસ કરીને યુવાનોએ રસીકરણ અવશ્ય કરાવવું તે બાબતે ભાર મુકતા રાજય સરકાર છેવાડાના ગામોમાં વસતા લોકોની સુખાકારી માટે સતત ચિંતીત હોવાનું જણાવ્યું હતું. આથી ઝડપી અને દરેકનું રસીકરણ થવું ખૂબ જરૂરી છે. તેઓએ ઉમેર્યુ હતું કે કોરોનાની વિકટ પરીસ્થિતિ હોવા છતાં રાજય સરકાર દ્વારા વિકાસના કામો સતત ચાલુ રાખી દરેક ગામનો પીવાના પાણી, રસ્તા, કેનાલ, વીજળી, ગટર સહિતના તમામ કામોથી સર્વાંગી વિકાસ થાય તે માટે સતત કાર્યરત છે.
આ પ્રસંગે વિવિધ ગામોના સરપંચશ્રીઓ અને અગ્રણીઓ સર્વશ્રી જેન્તીભાઇ રાજોસરા, વાલજીભાઇ જાપડીયા, હમીરભાઇ સરીયા, છગનભાઇ વેજીયા, રાજુભાઇ જાપડીયા, જેન્તીભાઇ બાવળીયા, ભાણજીભાઇ માલકીયા, મુનાભાઇ ખીમાભાઇ સીતાપરા સહિત ગ્રામજનો અને આગેવાનો વગેરે ઉપસ્થિત રહયા હતા.