મકરસંક્રાંતિ એ ભારતનો કૃષિક તહેવાર છે. ભારત અને એશિયાનાં અન્ય દેશોમાં પણ આ દિવસને પાકની લણણી સાથે જોડવામાં આવ્યો છે.
સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે. પરંતુ સૂર્ય ધનુ રાશી માંથી મકર રાશીમાં સ્થાનાંતર કરે છે. ત્યારે મકરસંક્રાંતિ શરૂ થાય છે જે ૧૪ જાન્યુઆરીની આસપાસ નો સમય હોય છે. ઇ.સ.૨૦૧૬નાં જાન્યુઆરી મહિનામાં ખગોળીય દૃષ્ટીએ મકરસંક્રાંતિ ૧૪ જાન્યુઆરીના બદલે ૧૫ જાન્યુઆરીના દિવસે હતી.
આ સમયે સૂર્ય પૃથ્વી આજુ બાજુની પોતાની પરિભ્રમણ ની દિશામાં પણ પરિવર્તન કરી થોડોક ઉત્તર દિશા તરફ ખસે છે. આમ, સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરાયણ નો પ્રારંભ ૨૧ થી ૨૨ ડીસેમ્બર થી થાય છે
મોટા ભાગ ના લોકો મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ એકજ દિવસે હોય તેમ માને છે. લગભગ 1800 વર્ષ પહેલા મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ એકજ સાથે થતી હતી, તેથી હાલ પણ લોકોમાં મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ માટે ગેરસમજ હોય શકે છે.
મકર સંક્રાતિને શુભ મુહુર્ત માનવામાં આવે છે, આથી મકર સંક્રાતિને આ શુભ સમયની શરૂઆત રૂપે ઉજવવામાં આવે છે. અલગ અલગ સંસ્કૃતિઓમાં આ ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે. ભારત સરકાર દ્વારા મકર સંક્રાતિને પણ રાષ્ટ્રીય તહેવારોમાં ગણવામાં આવ્યો છે.
14 અને 15 જાન્યુઆરીએ આ ઉત્સાહ અને જુસ્સો આપણને ધાબા પર જોવા મળશે. બાળકો હોય, યુવાનો હોય કે વૃદ્ધો હોય સૌ કોઈ ભેગા મળીને આનંદ અને ઉલ્લાસથી જો કોઈ ઉત્સવ ઊજવાતો હોય તો તે ઉત્સવ ઉત્તરાયણનો છે. ઉત્તરાયણ કે પતંગનો કોઈ ધર્મ નથી. આ જ એક એવું પર્વ છે જેને ધર્મ સાથે કોઈ લેવા-દેવા નથી…
ઉત્તરાયણ એટલે મકરસંક્રાંતિ અને પતંગનું ઋતુવિજ્ઞાન..
ઉત્તરાયણ શબ્દની ઉત્પત્તિ સમજવા જેવી છે. આ શબ્દનો સંસ્કૃત અર્થ એટલે ‘ઉત્તરાયન’. ઉત્તર + અયન = ઉત્તરાયન અર્થાત્ ઉત્તર તરફનું પ્રમાણ. આ દિવસે સૂર્ય પૃથ્વીની આજુબાજુની પોતાની પરિભ્રમણની દિશામાં પણ પરિવર્તન કરી ઉત્તર દિશા તરફ ખસે છે, માટે ઉત્તરાયણ એટલે સૂર્યનું ઉત્તર તરફનું પ્રયાણ.
સૂર્યના આ પરિવર્તનથી આ દિવસે રાત-દિવસ સરખા એટલે કે 12-12 કલાકના હોય છે અને બીજા દિવસથી શિયાળાની લાંબી રાત ટૂંકી બને છે. એટલે કે ઉત્તરાયણ પછી દિવસ લાંબો અને રાત ટૂંકી બની જાય છે. આ ઉપરાંત ઉત્તરાયણને મકરસંક્રાંતિ પણ કહે છે. આ દિવસે સૂર્ય ઉત્તરની સાથે સાથે એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થાનાંતર કરે છે. સૂર્યની આ ક્રિયાને સંક્રાંતિ કહેવાય છે. આ પ્રમાણે બાર રાશિ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે. 14 જાન્યુઆરીએ સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં સ્થાનાંતર કરે છે માટે આ તહેવારને મકરસંક્રાંતિ પણ કહેવાય છે.
ઉત્તરાયણનો પર્યાય એટલે પતંગ…
ગુજરાત આખું આ દિવસે પતંગ ચગાવી આ પર્વને ઊજવે છે. ગુજરાત સરકાર તો આ સમયે પાંચ-પાંચ દિવસ સુધી વાઇબ્રન્ટ કાઇટ ફેસ્ટિવલ ઊજવે છે. દેશ-વિદેશના પતંગરસિયાઓ આ પાંચ દિવસ ગુજરાતમાં આવી જાય છે. આજે ઉત્તરાયણનો પર્યાય પતંગ બની ગયો છે પણ પતંગનો ઇતિહાસ ખૂબ જૂનો છે.
ઉત્તરાયણનો ઇતિહાસ જાણવો હોય તો પતંગનો ઇતિહાસ પણ જાણવો પડે.
એન્સાઇક્લોપીડિયાનું સાચું માનીએ તો પતંગની શરૂઆત ચીનમાં આશરે ત્રણ હજાર વર્ષ પહેલાં થયેલી. પતંગ બનાવવા સિલ્કના કાપડનો ઉપયોગ થયેલો અને લાકડી માટે વાંસનો ઉપયોગ થયેલો. ઇન્ડોનેશિયાની ગુફાઓમાં પણ પતંગનાં ચિત્રો જોવા મળ્યાં છે. તે વખતે વનસ્પતિના મોટાં-મોટાં પાંદડાંઓમાંથી પતંગ બનાવાતો.
આ ઉપરાંત સાતમી સદીમાં બૌદ્ધ સાધુઓ દ્વારા પતંગ જાપાનમાં બનાવાયો હોવાનો ઉલ્લેખ પણ નેટજગત પર જોવા મળે છે. ભારતની વાત કરીએ તો ભારતમાં પતંગ ઉડાવવાનો પુરાવો ઈ.સ. 1500માં મોગલકાળ દરમિયાન એક ચિત્રમાં જોવા મળ્યો છે.
પતંગનો આવો ઉપયોગ જાણી તમને કદાચ નવાઈ લાગશે
આજની વાત કરીએ તો આજે ચીનથી લઈને કોરિયા સુધી અને સમગ્ર એશિયામાં પણ જુદા જુદા પ્રકારની પતંગો પ્રચલિત થઈ છે અને પતંગ ઉડાવવા પાછળના વિવિધ સાંસ્કૃતિક હેતુઓ પણ જોડાવા લાગ્યા છે. પતંગ આજે ભલે મોજ-શોખ માટે ચગાવવામાં આવતો હોય પણ તેની શોધ આ માટે થઈ નથી. પતંગની શોધ ખરેખર તો ગંભીર વિચારધારા પર થઈ છે. તેનો ઉપયોગ પહેલાં હંમેશાં કટોકટી, યુદ્ધ કે સંશોધન માટે થતો રહ્યો છે. પતંગનો આવો ઉપયોગ જાણી તમને કદાચ નવાઈ લાગશે.