- જાણીને આશ્ચર્ય થશે દુનિયાની સૌથી લોકપ્રિય રમત ‘પત્તા’, ઘણા દેશોની તો રાષ્ટ્રીય રમત : જાણો બાવન પત્તાનો રોચક ઇતિહાસ
- વિઠ્ઠલ તીડી પત્તા કલ ભી, આજ ભી ઔર કલ ભી !!
- જુગારની ગઇકાલ, આજ અને આવતીકાલમાં પત્તા જ મહત્વના રહેશે : વરલી-મટકાના આંકડા પણ તેનાં દ્વારા જ ખુલતા તા : મુંબઇના ખ્યાતનામ બુકી પણ રોજ આ પાના જ ખોલતા , એના ઉપરથી બે-ત્રણ હિન્દી ફિલ્મો પણ બની હતી
- શતરંજ કે ચોપાટ પણ આપણી પુરાણી રમતો છે, તેને પણ જુગાર સાથે સંબંધ છે, પાંડવો પણ જુગટુ રમ્યા હતા : જુગારમાં ત્યારે અને આજે પણ ચાલબાજી થાય છે
પ્રાચીનકાળમાં 12 પત્તા બાદમાં 22 પત્તાને ફરી 21 પત્તામાં જોકર ઉમેરાયું હતું, આ રમત વિકસીત થતાં બાવન પાના આવ્યા જો કે 56 કે 78 પત્તા પણ અમૂક દેશોના ચલણમાં આવ્યા તો, ક્યાંક 40 પત્તા ચલણમાં આવ્યા બાદ બાવન પત્તાની રમત યુનિવર્સલ બની ગઇ હતી. ‘પત્તાની જોડ’ એક ગુજરાતી સફળ ફિલ્મ અને નાટક હતું , જેનું હિન્દીમાં ‘તાસ કે પત્તે’ નામથી એજ નાટક આવેલું, બાવન પત્તાની ગેમ સાથે માનવ જીવન વર્ષોથી જોડાયેલું છે, અને રહેશે. નવરાશની પળોમાં ટાઇમ પાસથી મનોરંજન માટે શરૂ થયેલ પત્તા (ગંજીપત્તો કે પ્લેકાર્ડ) આજે જુગાર માટે જાણીતા બન્યા છે. હિન્દી ફિલ્મો તો ઘણી આ વિષય પર બની જેમાં શ્રી 420, ગેમ્બલર, ધર્માત્મા જેવી મોખરે હતી. ઘણા લોકો આની રમતમાં ખુબ જ પાવરધા થઇ ગયા હોય છે. આજે અવનવી ડિઝાઇનના પત્તા સાથે ઉપરના વિવિધ ચિત્રાંકનો સાથે આવ્યા છે. સાવ બારીક કે પ્લાસ્ટીક કેટ ની આજે બહુ બોલબલા છે. ઇન્ફરમેશન ટેકનોલોજી વધતા આજે આ રમત હવે ટચુકડા મોબાઇલમાં જ સમાઇ ગઇ છે. જુગાર સાથે કે મનોરંજનનો પત્તાનો રોચક ઇતિહાસ માનવી સાથે કલ-આજ-ઔર સદૈવ જોડાયેલો રહેશે.
બધા જ પાનાના મૂલ્યનો સરવાળો 364 થાય તેમાં 1 જોકર ઉમેરો તો આપણાં વરસના 365 દિવસ થાય, અડધી દુનિયા નવરાશની પળોમાં આ પાનાની રમત જ રમે છે. બાવન પત્તાની રમત કાઠિયાવાડમાં ખૂબ પ્રચલિત છે. વર્ષો પહેલા આનંદ-મનોરંજન માટે રમાતી રમતમાં આજે જુગાર ભળી ગયો છે: ગંજીપત્તાને અને કેલેન્ડરને સંબંધ છે, પ્રાચિન ઇજિપ્તમાં કેલેન્ડરની રચના થઇ તેથી ત્યાં જ આ બાવન પત્તા સાથે જોકરમાં ઉદય થયો હોવાનું મનાય છે.
પ્રાચીનકાળથી માનવી મનોરંજન માટે વિવિધ રમતો,સંગીત, ચિત્ર, વિગેરેથી આનંદ પ્રમોદ મેળવતો હતો. જેમ-જેમ વિકાસ થતો ગયો તેમ-તેમ માનવીની આ રમતોમાં પરિવર્તન આવતું ગયું. બધી જ રમતોમાં એક વાત સામાન્ય હતી અને એ છે. ‘સમુહભાવના’ પરિવાના સમૂહનો આનંદ આવી આઉટ ડોર રમતથી માનવી મેળવતો હતો. મોબાઇલ, ટીવી, યુગ પહેલા સ્ટ્રીટ લાઇટનાં થાંભલા નીચે કે ઘર આગળ પ્રકાશવાળી જગ્યાએ કેરમ કે પત્તા લઇને ટોળકી જામતી એ આપણે સૌએ જોયું છે. ચોકડી-છકડી રમી જેવી વિવિધ પાનાઓની રમતનો આનંદ ક્યારેય સમય પસાર કરી દેતો તેની ખબર ન પડતી તહેવારો સાથેની ઉજવણીમાં વિવિધ રમતો સામેલ હતી. ગુજરાતનો કાઠિયાવાડ વિસ્તાર વિવિધ રમતોમાં ખૂબ જાણીતો હતો.
બાવન પત્તાનો ઇતિહાસ રોચક છે, આના પુરાવા રૂપે 1300ની સદીના અંત ભાગમાં કે 1400ની સાલના આરંભે તેના શરૂ. થવાના આધારો મળ્યા છે. આ પાનાની રમત એશિયાના દેશોમાં શરૂ થઇ હશે, એવું અનુમાન છે. 12મી સદીમાં આ પત્તા ચાઇના, ભારત, કોરિયા, પર્શિયા અને ઇજીપ્તમાં રમાતા હતા. બાદમાં આરબો કદાચ યુરોપના દેશોમાં લઇ ગયા હોવા જોઇએ એવું મનાય છે. આ પહેલા અમુક આધારો 9મી સદીમાં તાંગ રાજવંશ દરમ્યાન ચીનમાં પત્તા રમવાની શરૂઆત થઇ હતી. 1000મી સદીમાં તેમાં થોડા પરિવર્તનો આવ્યાને પત્તાની રમતમાં બદલાવ આવ્યો હતો.
આ રમતના કાર્ડમાં ‘પ્લે મની’ ઓળખાતા હોવાથી મનોરંજન માટે પત્તાની ગેમને જુગારનો રંગ લાગ્યો હતો. આજ ગાળામાં ચીનથી ઇજીપ્ત થઇને યુરોપમાં આ પાનાની રમત પહોંચી હતી. 1377માં ઇટાલી અને સ્પેનમાં આ રમત લોકો રમવા લાગ્યા હતાં. 1400ની સાલમાં રમાતા કાર્ડમાં ધાર્મિક ઉપદેશો પણ જોવા મળતા હતા. યુરોપમાં આ ગાળા દરમ્યાન તેનો ઝડપી વિકાસ થયો પાનાની સંખ્યા બાવન થઇ હતી. બાદમાં જર્મની, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ, અમેરિકા જેવા દેશોમાં પત્તાની રમત પ્રચલિત થઇ હતી. આજે રમાતી આધુનિક પ્લે કાર્ડમાં 15મી સદીમાં યુરોપમાં રમાતા પ્લે કાર્ડમાં સમાનતા જોવા મળે છે. આમ જોઇએ તો લગભગ છેલ્લા એક હજાર વર્ષથી આ રમત રમાઇ રહી છે. આ પહેલા 600ની સાલમાં રમાતી રમતો પત્તામાં 1400ની સાલ સુધી બહુ મોટો ફેરફાર જોવા મળતો નથી.
ગંજીપા કે ગંજીપત્તા કે પ્લેકાર્ડના કરોડો લોકો શોખીન છે. દિવસેને દિવસે તેમાં પરિવર્તન થતાં નવા-નવા નિયમો ઉમેરાયા છે. જો કે આમાં પણ વિસ્તાર વાઇઝ અલગ નિયમો હોય જેમ કે ‘ગધી’ અમુક વિસ્તારોમાં ન ચાલે. દુનિયાની સૌથી લોકપ્રિય રમત પત્તા છે, ઘણા દેશોએ તો પોતાની રાષ્ટ્રીય રમતોમાં તેને સામેલ કરી છે. અડધી દુનિયા નવરાશની પળોમાં પત્તાની ગેમ રમે છે. ઇતિહાસ જોઇએ તો ગંજીપત્તા કે પ્લે કાર્ડને આપણા કેલેન્ડર સાથે સીધો સંબંધ જોવા મળ્યો છે. બાવન પત્તાને આપણાં બાવન અઠવાડિયાનો મેળ જોવા મળે છે. આપણું પ્રાચીન કેલેન્ડર ઇજીપ્તની પ્રાચીન સંસ્કૃતિમાં બનેલ હોવાથી આ પ્લે કાર્ડનો ઉદ્ભવ ત્યાં થયો હોવાનું અનુમાન છે. બાવન અઠવાડીયાના દિવસો ગણતરી કરીએ તો 364 થાયને એક જોકરનું ઉમેરણ કરવાની આપણું વરસ પુરું થાય છે.
એક નવાઇની વાત એ છે કે પાનાનું મૂલ્ય જોઇએ તો જેમ કે એકો એક, દુગ્ગી, બે એવી જ રીતે ક્રમિક રાજા સુધીની ગણતરી કરીએ તો પણ 364નો આંકડો આવશે તેથી સાબિત થાય કે કેલેન્ડર સાથે આ બાવન તાસના પત્તાને જોડાણ છે. પહેલાના જમાનામાં ચાર કલરના પત્તા ન હતા બાદમાં જેમ-જેમ વિકાસ થયો તેમ ચોકટ, લાલ, કાળીને ફુલ્લી આવ્યા.
ચાર કલર સાથે માનવ જીવન વણાયેલું છે જેમાં ચાર ઋતુ સાથે સાંકળવાની પણ વાત જોવા મળે છે. આ પાનાની રમતને એકબીજા સાથે સંબંધ જોવા મળે છે સાથે પ્રાચીનકાળમાં અને આજે પણ બાવન પત્તામાંથી એક પાનું ઓછુ થાય તો પત્તો નાના-બાળકોને રમવા આપી દઇએ કે કચરાપેટીમાં જવા દઇએ. વિશ્ર્વના ઘણા મ્યુઝિયમોમાં જૂના જમાનાના પાનાઓને સાચવી રખાયા છે.
પત્તાની રમતનાં વિવિધ નામોમાં નેપોલીયન, પોકર, રમી, ચોકડી, છકડી, જોડયાનું વિગેરે છે જેના માટે વિવિધ નિયમો પણ હોય છે. ગંજીપત્તા, ગંજીફો, પ્લે કાર્ડ, પાના જેવા વિવિધ નામો પણ આ પાનાની રમતનાં છે. ગ્રામ્ય સંસ્કૃતિમાં ગામના ચોરે કેરમ અને પાનાની રમતના શોખીનો આખો દિવસ પાના રમતા હોય છે. માનવી સાથે અગાઉ રાજા રજવાડામાં પણ આ રમત રમાતી હતી. જેમાં ભગવાન, પ્રાણીઓ, પક્ષીઓની કૃતિવાળા ચિત્રો જોવા મળતા હતાં. આજના જાદુગરો પણ પોતાના શોમાં આ પાનાની જાદુગરી બતાવે છે.પહેલાના જમાનામાં 120 પત્તા આવતા હતાં. તેના આકારો લંબ ચોરસ, ગોળ સાથે હાલના કરતાં મોટી સાઇઝના આવતા હતા જેને કારણે તેને ગોઠવવા વિતરણ કરવાની મુશ્કેલી પડતી હતી. આપણા દેશના જુના રજવાડામાં તો 360 જેટલા પાનાઓ આવતા હતા. આજે પણ આપણે બે પાના ભેગા કરીને ઘણીવાર રમીએ છીએ.
ઇજીપ્ત અને ચીનમાં તો મોટી સાઇઝના પત્તા હતા જે આપણી પોકેટ બુક સાઇઝના જોવા મળતા હતાં. માનવીના મનોરંજન માટે વિવિધ રમતો પ્રચલિત હતી એમાં શતરંજ, ચોપાટ બહુ જ પ્રચલિત હોવાથી આ ચસ્કો આરબો દેશોને લાગ્યોને બાદમાં આજ પાનાની રમતો વિશ્ર્વમાં ફેલાઇ હોવાનું મનાય છે.પ્રાચીન કાળમાં 12 પાના બાદ 22 પત્તાને ફરી 21 પાનાને પછી તેમાં એક જોકર ઉમેરાયુંને પછી આ પ્લે કાર્ડની રમતનો વિકાસ થતાં આજની રમત જેમાં બાવન પત્તા અસ્તિત્વમાં આવ્યા હતાં. વિચિત્ર વાત તો એ હતી કે આ પર પત્તા બાદ 56 કે 78 પત્તા પણ અમુક દેશોમાં ચલણમાં આવ્યા હતાં. જોડ પત્તા માટે 40 પાનાનો યુગ પણ આવ્યો હતો, જો કે તે લાંબુ ચાલ્યો નહીં. પ્રારંભે પત્તા શોધાયા બાદ તેમાં એક હજાર વરસ સુધી કોઇ ફેરફાર થયો નહીં જે એક વિચિત્ર રસપ્રદ વાત હતી.આજે દરેક દેશ પોતાની રાષ્ટ્રીય રમતો રમે છે સાથે આ પત્તાની રમત પણ ‘રસમય’ રીતે રમે છે. કાઠિયાવાડમાં તો પાનાની બાજીનો પ્રારંભ ભીમ અગીયારસથી શરૂ કરીને શ્રાવણ આખો પાનાઓનો મિત્ર સર્કલમાં રમત જોવા મળે છે. વિદેશોમાં ચાલતા કેશીનોમાં પણ પત્તા શોખીનો પેગ લગાવતાને બાઇટ ખાતા પત્તાની રમતનો આનંદ માણે છે.
યુવા વર્ગ આજે મોબાઇલમાં રમે છે, પત્તાની ગેમ
આદીકાળથી માનવ જીવન સાથે વિવિધ રમતો જોડાયેલી છે, જેમાં કેટલીક ઇન્ડોર તો કેટલીક આઉટ ડોર છે. નવરાશની પળોમાં પરિવાર, મિત્રો રમાતી રમતોમાંથી ધીમે-ધીમે તેના પર જુગાર રમાવા લાગ્યો. આ રમતો પર પત્તાની ગંજીપત્તાની રમત બહુ જ પ્રચલિત છે. ચોકડી, છકડી, રમી, જોડપન્ના વિગેરેની રમતો તે જમાનામાં કે આજે પણ પ્રચલિત છે. સમય પ્રમાણે પ્લે કાર્ડમાં પરિવર્તન આવ્યું ને તેની સાઇઝ, કલર, ડિઝાઇન સાતે તેના મટીરીયલમાં બદલાવ આવ્યો છે.
આજેતો પ્લે સ્ટોરમાં જઇને તેની એપ્લીકેશન ડાઉન લોડ કરીને યુવા વર્ગ પત્તાની ગેમ રમે છે. ચાર મિત્રોની ટોળકી ભેગી થાય ત્યારે વચ્ચે એક મોબાઇલ રાખીને રમતા યુવા વર્ગ આજે બહુ જોવા મળે છે. કાઠિયાવાડમાં આ પાનાની રમતનાં શોખીનો વધુ છે, અહિં તો મહિલાઓ પણ રમતની બાજી લગાવે છે. શ્રાવણ મહિનામાં તો મોટી બાજી રમાય છે. બંધમાં ચાલવું, સર પાડવા, ચાલ ચાલવી જેવા શબ્દો સાથે આખી રાત પસાર કરતાં પત્તા પ્રેમીઓ જોવા મળે છે. પહેલા આ પત્તાની રમત આનંદ પ્રમોદ માટે હતી બાદમાં તેમાં બદલાવ આવ્યોને તેના પર માનવી જુગાર રમવા લાગ્યો.