સામાન્ય સંવેદનાએ પ્રાચિન છે, અને એરિસ્ટોટલે પાંચ વિશિષ્ટ સંવેદનાની વાત કરી હતી: જીવનમાં સફળ થવા સામાન્ય સમજ કેળવવી જરૂરી
બુઘ્ધિના ત્રણ પ્રકારોમાં સાત્વિક, રાજસી અને તામસી બુઘ્ધિનો સમાવેશ થાય છે: બુઘ્ધિ માણસને દેવ બનાવી શકે અને દાનવ પણ બનાવે: વિવેક શુન્ય માનવીની બુઘ્ધિ ભ્રષ્ટ થાય: જુના માણસોમાં ભણતર ઓછું હતું પણ જીવન ગણતર વધારે હતું
આજના યુગમાં કિશોરો – તરૂણો કે યુવાનોની સાથે મોટેરામાં પણ સામાન્ય બુઘ્ધિનો અભાવ જોવા મળે છે. સમાજ વ્યવસ્થા અને પરિવારના લાલન-પાલનમાં વિવેક બુઘ્ધિ, કોમન સેન્સ કે ગણતર હોય તો જ માનવી સફળ થાય છે. ભણેલો માનવી હોય એટલે તેનામાં કોમન સેન્સ આવે તે જરૂરી નથી. દિવસથી રાત સુધીમાં ડગલેને પગલે કોમન સેન્સનો ઉપયોગ કરવાથી ઘણી બધી સરળતા રહે અને સમસ્યા ઉકેલ પણ મતા હોય છે. પ્રાચિન કાળથી સામાન્ય સંવેદના ચાલી આવી છે. એરિસ્ટોટલે એ જમાનામાં પાંચ વિશિષ્ટ સંવેદનાની વાત કરી હતી. બાદમાં રોમન યુગમાં તેનું અર્થઘટન કરાયું હતું. જીવનમાં સફળ થવા સામાન્ય સમજ કેળવવી જરુરી હોય છે, અને તે આપણને થતાં વિવિધ અનુભવોમાંથી મળતી હોય છે.
બુઘ્ધિના ત્રણ પ્રકારોમાં સાત્વિક, રાજસી અને તામસી બુઘ્ધિનો સમાવેશ થાય છે, સમગ્ર પૃથ્વી પર વસતા તમામ પ્રાણીઓમાં એક માત્ર માણસને જ બુઘ્ધિ આપી હોવાથી તેને ગુફામાંથી બીજા ગ્રહો ઉપર જવા સુધીની પ્રગતિ કરી છે. આજના ઇન્ફરમેશન ટેકનોલોજીના યુગમાં હવે કૃત્રિમ બુઘ્ધિ (એ.આઇ) નો જમાનો આવ્યો છે. બુઘ્ધિ એક જ એવી વસ્તુ છે, જે માણસને દેવ પણ બનાવે અને દાનવ પણ બનાવે છે. વિવેધ શુન્ય માનવીની બુઘ્ધિ ભ્રષ્ટ થઇ જાય છે. જુના જમાનામાં માનવીમાં ભણતર ઓછું હતું પણ જીવન ગણતર હોવાથી તે વિશાળ ફેમીલીનું સંચાલન, પ્રસંગો વિગેરે સુપેરે પાર પાડી શકતા હતા.
આજના યુગમાં એક-બે સંતાનોના ઉછેરમાં પણ આપણને તકલીફ પડતી હોય તો, આપણા માતા-પિતા કે વડવાઓએ ચાર પાંચ પુત્રો-પુત્રીના લગ્ન પ્રસંગો કેમ કર્યા હશે તે પ્રશ્ર્ન થાય. આ વાતમાં ઘણા કહે કે ત્યારે મોંધવારી ન હતી, તો ત્યારે આવક પણ ઓછી હતીને આજે આવક ચાર-પાંચ આંકડામાં હોવા છતાં બે છેડા ભગા થતાં ન હોય ત્યાં ચાર- પાંચ પ્રસંગો કાઢવાની વાત કયાં કરવી. એ લોકોમાં કોમનસેન્સ, પ્લાનીંગ, બચત, ખોટા ખર્ચ ન કરવા જેવા ઘણા ગુણો સાથે સામાન્ય સમજ હતી, જેને કારણે તે સફળ થયા હતા, આજે આપણે શિક્ષિત છીએ પણ ‘ગણતર’ વગરનાં તેથી સામાન્ય બુઘ્ધિનો અભાવ ડગલેને પગલે દેખાય રહ્યો છે, આજે તો સલાહ કેન્દ્રો પણ ખુલ્યા છે.
કેટલાય લોકોમાં સામાન્ય બુઘ્ધિનો અભાવ હોવાથી તે સફળ સંચાલક બની શકતો નથી. અલગ રીતે વિચારતો માનવી તેના સામાન્ય જ્ઞાનના સહારે સફળ થઇ જાય છે. સામાન્ય બુઘ્ધિ કયારેય ‘સામાન્ય’ હોતી નથી પ અસામાન્ય હોય છે. આજના યુગમાં ઝગડાઓ, મતભેદો, પરિવારોનું વિભકત થયું અને પતિ-પત્ની વચ્ચે થતી મુશ્કેલી સામાન્ય જ્ઞાન કે ધીરજ – સહનશીલતા જેવા ગુણોથી જ સજજ વ્યકિત હોય તો તેના ન થાય, આના અભાવને કારણે જ આ મુશ્કેલી સર્જાય છે. તમે ભલે સ્માર્ટ દેખાતા હો, પણ સામાન્ય સમજ ન હોય તો તમે સમાજમાં ચાલી ન શકો.
કોઇપણ નિર્ણયો લેતા પહેલા જાગૃત બનીને, સારા નરસા પાસાનો વિચાર કરીને આપણી સામાન્ય સમજનો ઉપયોગ કરવો જરુરી છે. આ જ્ઞાન કયાંય શિખવવામાં આવતું નથી. તે માત્ર અનુભવો પરથી જ મળે છે. તમારી આનુવંશિક બુઘ્ધિ દ્વારા મળેલ સામાન્ય જ્ઞાનનો જેમ જેમ વિકાસ થાય તેમ તેમ તમે વિકાસ કરો છો. ઘણીવાર આપણન પ્રશ્ર્ન થાય કે, બુઘ્ધિ કરતાં સામાન્ય જ્ઞાન વધુ મહત્વનું છે, તો હા કારણ કે બુઘ્ધિ તો ભગવાને બધાને આપી છે, પણ તેનો ઉપયોગ કેમ કરીને જીવનમાં સફળ થવું તે જ કોઠા સુઝ કહેવાય છે, સામાન્ય જ્ઞાન કહેવાય છે. દિવસ દરમ્યાન આપણે પરિવાર રહેતા હોય તે જગ્યાએ કાર્યના સ્થળે કે મિત્ર સર્કલના ઘણા માણસોને મળતા હોય છીએ એ બધાની વાતો વિચારોમાંથી સારી વસ્તુ લઇને આપણે સ્વવિકાસ કરતા હોઇએ છીએ.
બુઘ્ધિ ભ્રષ્ટ કરવામાં સંગત મહત્વનો ભાગ ભજવે છે. કોમન સેન્સ એ જ્ઞાન છે, જે બધા માણસો પાસે હોય છે, પણ આ જ્ઞાન અસ્પષ્ટ અને અલિખિત હોવાથી તેનો કયાંને કેવો ઉપયોગ કરવો તે આપણાં ઉપર છે. વ્યવહારિક બુઘ્ધિ આજના યુગમાં કેળવવી જ પડશે, વિચારો બાદ સમજ આવતાં આપણે આપણી વિવેક બુઘ્ધિથી તેનો ઉપયોગ કરીને કોઇપણ કાર્ય કરતા હોય છીએ. બુઘ્ધિ એક મનની શકિત ગણાય છે. સંગીત ચિત્ર કે યાંત્રિક કાર્યોમાં શ્રેષ્ઠ બુઘ્ધિમાપન વાળી વ્યકિત વિશેષ જોવા મળે છે, કુશળતા અને બુઘ્ધિ વચ્ચે પણ તફાવત જોવા મળે છે.
અમેરિકન મનોવૈજ્ઞાનિક અને સંશોધન હાવર્ડ ગાર્ડનર માને છે કે બુઘ્ધિના અનેક પ્રકારો હોય છે, જેમાં સંગીત કે ભાષા સાથે, ગણિત કે વિશિષ્ટ્ર આવડત સાથે જોડાયેલી કે ઇન્ટર પર્સનલ બુઘ્ધિ હોય શકે છે, તે ભાવનાત્મક અને રચનાત્મક પણ હોય શકે છે. ઘણા લોકો પોતાને સ્માર્ટ સમજતા હોવા છતાં છેતરાયા જોવા મળે છે. તો ઘણા બાળકને જોતા જ આપણે બોલીએ છીએ કે આ બાળક કેટલું સ્માર્ટ છે. ટુંકમાં આપણા પરિવારના લાલન, પાલન, જીવન વિકાસ સાથે દિવસ દરમ્યાન કરવાના કાર્યો કે સમસ્યા વખતે શાંતિથી, વિચારીને, સમજીને લેવાયેલા નિર્ણયને કોમન સેન્સ ગણી શકાય છે.
સમસ્યાનું સમાધાન લાવવાની ક્ષમતા એટલે બુઘ્ધિ
મહાન સંશોધકોને બુઘ્ધિનો અર્થ પુછો તો બધાનો જવાબ અલગ જોવા મળે છે. ઇન્ટેલિજન્સ એટલે બુઘ્ધિ જેનો સામાન્ય અર્થ જોઇએ તો સમજવાની ક્ષમતા કે સમસ્યાનું સમાધાન લાવવાની ક્ષમતા આજે લોકો સલાહ આપવામાં પાવર ફૂલ થઇ ગયા છે, પણ તેને મુશ્કેલી આવે ત્યારે તે બીજાને વાત કરે છે. આજના યુગમાં બુઘ્ધિ, કોમન સેન્સ કે સામાન્ય સમજનો વિષય સહેલો નથી, કદાચ અગાઉની સદીમાં લોકો તેનો મતલબ સમજી શકતા હશે. બુઘ્ધિ અને સફળતા એક સિકકાની બે બાજુ છે, કારણ કે તે કયારેય સાથે ચાલતા જ નથી, બુઘ્ધિ વિકાસ માટે પરિવાર અને સારા મિત્રો માર્ગદર્શકોની જરુર પડતી હોય છે, તેના વગર કોઇ વ્યકિત પોતે વિકાસ કરી શકે, સંસાર યાત્રાના વિવિધ અનુભવોમાંથી નવું શીખીને સમજીને દરેક માનવી વિકાસ કરતો હોય છે.