એનસીબીએ ક્રુઝમાં દરોડો પાડી આર્યન ખાન સહિત ૮ ની ધરપકડ કરી: રૂ. ૧.૩૩ લાખનો નશાનો પદાર્થ ઝબ્બે
દિન પ્રતિદિન ગ્લેમર્સ અને ડ્રગ્સની દુનિયા એકબીજા સાથે સંકળાતી જઈ રહી છે. અવાર નવાર સ્ટાર્સ ડ્રગ્સ લેતા હોવાનું સામે આવતું હોય છે. બોલીવૂડ અને ડ્રગ્સ ઈન્ડસ્ટ્રી ખૂબ જૂનો નાતો ધરાવે છે. મીના કુમારી એક સમયની ખૂબ જ નામાંકિત સ્ટાર હતી પરંતુ ડ્રગ એડીક્શને મીનાકુમારીની પડતી કરાવી દીધી. સંજય દત્ત કે જેણે બચપનથી જ ડ્રગની આદત પડી હતી તેના કારણે કદાચ એવું પણ કહી શકાય કે, આ ઘટનાએ સંજય દત્તની જિંદગી જ બદલાવી નાખી. શુશાંતસિંહ રાજપૂત એક ઉભરતો કલાકાર જેની પાસે શ્રેષ્ઠ એક્ટર બનવાની તક હતી, કદાચ તેના આપઘાત પાછળ પણ ડ્રગ જ જવાબદાર હતી. સતત ચર્ચામાં રહેવાની ઇચ્છા અને તેના કારણે ઉદ્ભવતું માનસિક તણાવને દૂર કરવા કલાકરો ડ્રગના રવાડે ચડતા હોય છે અને જાણે આ એક ટ્રેન્ડ બની ગયો હોય તેમ હવે સ્ટાર કિડ્સ પણ હવે ડ્રગના રવાડે ચડી ગયાનું જાણવા મળે છે. શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની પણ આ મામલે ધરપકડ કરવામાં આવ્યું છે.
બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ ડ્રગ્સના કેસમાં કરવામાં આવી છે. કોર્ટે તેને એક દિવસ માટે એનસીબીની કસ્ટડીમાં મોકલી આપ્યો છે. આર્યન ૪ ઓક્ટોબર સુધી એનસીબીની કસ્ટડીમાં રહેશે. એનસીબીએ રવિવારે દાવો કર્યો હતો કે તેની પાસે મુંબઈ કિનારે ક્રુઝ જહાજમાંથી પકડાયેલા ડ્રગ કેસમાં બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન અને ડ્રગ સ્મગલર સહિત પકડાયેલા ત્રણ આરોપીઓ વચ્ચેના સંબંધો દર્શાવવા માટે પુરાવા છે.
આર્યન ખાન વિરુદ્ધ કલમ -૨૭ (નાર્કોટિક પદાર્થનો વપરાશ), ૮ સી (માદક પદાર્થનું ઉત્પાદન, કબજો, ખરીદી અથવા વેચાણ) અને એનડીપીએસ એક્ટની અન્ય સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. એનસીબી દ્વારા ધરપકડ બાદ તૈયાર કરવામાં આવેલા મેમો અનુસાર, દરોડા બાદ ૧૩ ગ્રામ કોકેઈન, પાંચ ગ્રામ એમડી ડ્રગ, ૨૧ ગ્રામ ચરસ અને ૨૨ નશીલી ગોળીઓ મળી આવી છે. આ સાથે ૧.૩૩ લાખની રોકડ જપ્ત કરવામાં આવી છે.
એનસીબીએ રવિવારે મોડી રાત્રે મુંબઈમાં ફરી દરોડા પાડ્યા હતા. આ દરમિયાન એજન્સીએ બાંદ્રા, અંધેરી, લોખંડવાલામાં દરોડા અને ડ્રગ સપ્લાયરની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તે ક્રૂઝ રેવ પાર્ટી કેસ સાથે પણ સંબંધિત હોઈ શકે છે.
બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને મોટી રાહત મળતી હોય તેવું લાગી રહ્યું છે. ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો આજે કોર્ટમાં કોર્ડેલિયા ક્રુઝ ડ્રગ્સ કેસમાં આર્યનની કસ્ટડી માંગશે નહીં તેમ લાગી રહ્યું છે. તમને જણાવી દઈએ કે રવિવારે મુંબઈની કોર્ટે આર્યન ખાનને એક દિવસ માટે એનસીબીની કસ્ટડીમાં મોકલ્યો હતો. એનસીબીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ત્રણેય આરોપીઓને તેમની ન્યાયિક કસ્ટડી માટે આજે ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. બાકીના ૫ આરોપીઓ, નૂપુર સતીજા, ઇશ્મીત સિંહ ચઢ્ઢા, મોહક જયસ્વાલ, ગોમિત ચોપરા અને વિક્રાંત ચોકરની રવિવારે ધરપકડ કરવામાં આવી હતી.