ખેતી પ્રધાન ભારતની 80 ટકાથી વધુ વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં વસે છે અને તેમાંથી મોટાભાગના લોકો પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે ખેતી સાથે જોડાયેલાં છે અને આજીવિકા માટે ખેતી પર નિર્ભર છે. અલબત્ત પુરતું માનવબળ, કૃષિ લાયક ફળદ્રુપ જમીનો અને ઋષિકાળથી કૃષિનો અનુભવ હોવાં છતાં ભારતની ખેતી અત્યારે સંપૂર્ણપણે વરસાદ આધારિત હોવાથી મોસમનો પ્રભાવ સીધો જ ખેતીની ઉપજ ઉપર અને ખેતીની આવક પર થાય છે. દાયકામાં બે-ત્રણ વાર અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિની પરિસ્થિતિમાં ખેતીનો પાક ઉપજતો નથી અને આવકની અનિશ્ર્ચિતતાને કારણે ખેતીને ઉદ્યોગનો દરજ્જો આપી શકાતો નથી.
‘દી વાળે ઇ દિકરા, કાં ધોરીને કાં ધરાં કાં વણના જીંડવા, નકર પુરબીયા તો ખરાં’
બીજી તરફ દેશના અર્થતંત્ર માટે ખેતી મુખ્ય ચાલક બળ પુરુ પાડે છે. વૃદ્વિદરનો આધાર જ ખેતી છે. વળી વ્યવસાયએ ખેતીને ઉત્તમ ગણવામાં આવી છે. આર્થિક પ્રવૃતિમાં કોઇ એવી પ્રવૃતિ નથી કે જે એકનું હજાર ગણું વળતર આપે, વેપાર-ઉદ્યોગ હોય કે મોટી આવકની નોકરી અરે દાણચોરી, ફાસ્ટ ઇન્કમ માટેના કાળા ધંધામાં દારૂ અને કરોડો રૂપિયાના ભાવના કેફી દ્રવ્યોના ધંધામાં પણ એકના હજાર ગણા ક્યાંય થતાં નથી. આથી જ આપણી ખેતીને ઉત્તમ ખેતી ગણવામાં આવે છે. વેપારને મધ્યમ અને સૌથી ઉત્તરતી આવકમાં પારકી નોકરી કરીને ધન મેળવવાની વ્યવસ્થાને ગણવામાં આવી છે.
અલબત્ત અત્યારે ખેતી અને ખેડૂતની હાલત કફોડી ગણાવાય રહી છે. ખેતી અને ખેડૂત વારંવાર સંકટમાં અને દેવાના બોજથી મોતના મુખ સુધીના પતન સુધી ઢસડાઇ રહ્યાં છે. આમ કેમ ? સૌથી ઉત્તમ ખેતી કેમ ભારરૂપ બની રહી છે ? તેનું મનોમંથન કરવું જોઇએ. બીજી તરફ આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં મોસમની જાણકારીથી લઇ જમીનની ચકાસણી, ખાતર, સુધારેલી જાતના બિયારણો, આધુનિક ઉપકરણોની સગવડ હોવાથી વરસાદ કેવો અને ક્યારે થશે ? ક્યું વાવેતર વાવવાથી સારો નફો થશે ? ખેતી સાથે ક્યાં વ્યવસાય કરી શકાય તેનું ખૂબ જ અદ્યયન થાય છે અને ખેડૂતોને શિક્ષિત કરવામાં આવી રહ્યાં છે.
ખેતીમાં જો આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે તો ક્યારેય ખોટ જાય જ નહીં અને એકના હજાર દાણાની લાખોમાં ઉપજ આવે. ભારતીય કૃષિ પરંપરામાં અત્યારે કુટુબ વિભાજનથી મોટા ખેતરો ટૂકડામાં વેચાઇ રહ્યાં છે. ઓછી જમીન પર વધુ ખર્ચો પરવડે નહીં. ટેક્ટર જેવા સાધન અને ટેકનોલોજી વસાવી ન શકાય ઓછી જમીનની ઓછી આવક હોવાથી કુટુંબના હોંશિયાર અને સારી રીતે કમાવી શકે તેવા સભ્યોને ઓછી આવક ધરાવતી ખેતીમાં જોતરવાં પોસાતા ન હોવાથી કુટુંબમાં જે કંઇ કરી શકવા સમર્થ ન હોય તેવાના ભાગે ખેતી આવે છે. આમ ખેતી દિવસે દિવસે તૂટતી જાય છે અને જગતનો તાત કંગાલ બનતો જાય છે. ખેતી પ્રવૃતિ ગરીબીને મિટાવવાનું એક આદર્શ માધ્યમ છે. ગરીબીનું નિવારણ દિકરા અથવા તો કામધેનુ ગણાંતા બળદ અને કપાસની ખેતીથી લઇને તલની ખેતી ગરીબીને દૂર કરવા સમર્થ છે. ખેતી માત્ર ખેડૂતોની જ નહીં. તમામ વર્ગના લોકોની ગરીબી હટાવવા મુખ્ય માધ્યમ છે.
ભારત અને ખાસ કરીને ગુજરાતની ખેતી પૃથ્વી પર સ્વર્ગ જેવું સુખ અને સમૃદ્વિનું સર્જન કરવાની ક્ષમતા ધરાવે છે. જરૂર છે સમજી વિચારી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ખેતી કરવાનો. ઇઝરાયેલ જેવા દેશમાં પાણીના ટીપાં અને ફળદ્રુપ જમીન પણ મુશ્કેલ છે ત્યાં ટેકનોલોજીનો સમન્વય સાધીને દુનિયાનો સૌથી મોટો વિકાસકાર દેશ બન્યો છે. ભારત શું કામ પાછળ રહે ? વર્તમાન સરકારે ખેડૂતોની આવક વધારવાં રોકડા નાણાં, એમએસપીના ભાવ વધારો ટેકનોલોજી માટે પ્રોત્સાહન, ખેતીના માલ સાચવવા માટે કોલ્ડ સ્ટોરેજ, ગોદામો બનાવી નાશવંત જણસની ટકાવારી 30થી ઘટાડી શૂન્ય સુધી લઇ જવાની કવાયત કરી છે ત્યારે ખેડૂતોએ પણ શિક્ષિત અને દિક્ષિત બની ભારતની ખેતીને ઉત્તમ બનાવવાની તક ઝડપીને ભારતને આર્થિક મહાસત્તા બનાવવા માટે કામે લાગી જવું જોઇએ. ખેતી એક એવું માધ્યમ છે કે જે તમામને રોટી, કપડાં ઔર મકાનનું સુખ અને ગરીબીમાંથી ઉગારવા સક્ષમ છે.